ખેડૂતોની દેવા માફી, પાટીદાર સમાજને અનામત સહિતની માગણીઓ સાથે હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ ઉપર બેઠો છે. ત્યારે ઉપવાસના 14માં દિવસે હાર્દિક પટેલની તબિયત બગડતા સોલા સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાંથી રાત્રે અમદાવાદના એસજી હાઇવે ઉપર આવેલી એસજીવીપી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો.
આજે રવિવારે હાર્દિક પટેલે એસજીવીપી હોસ્પિટલમાંથી રજા લઇને ગ્રીનવુડ રિસોર્ટમાં પોતાના નિવાસ સ્થાને પાછો ગયો હતો. આજે હાર્દિક પટેલનું કવરેજ કરવા માટે ગયેલા મીડિયાના કર્મચારીઓ સાથે ગુજરાત પોલીસે ધક્કામુક્કી કરી હતી. આ ઉપરાંત હાર્દિક પટેલે ટ્વીટ કરીને DCPએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ લગાવ્યો હતો.
હાર્દિક પટેલે રવિવારે સાંજે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ” અમદાવાદના DCP રાઠોડ મને કહે છે કે, મારી નાંખીશ, હવે જીવતા રાખવા અને મારવાનું કામ પણ યમરાજજીએ રાઠોડ જેવા પોલીસ અધિકારીને આપી રાખ્યું છે કે શું ? ઉપવાસ આંદોલનનું કવરેજ કરી રહેલા મીડિયા કર્મીઓ ઉપર પણ પોલીસે બળપ્રયોગ કર્યો છે અને તેમના કેમેરા તોડવાનો પ્રયત્ન કર્યો છે. મીડિયા સાથે જે થઇ રહ્યું છે એ ખોટું છે.”
અન્ય એક ટ્વીટમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ” ઘરે પહોંચતાની સાથે ફરીથી મારા નિવાસ સ્થાનની બહાર હજારોની સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. પોલીસ લોકોને રોકવા લાગી છે. જો તમે અંગ્રેજ શાસન ન જોયું હોય તો એકવખત ગુજરાત આવો, મારા નિવાસ સ્થાન બહાર વાઘા બોર્ડરનો પણ નજારો જોવા મળશે. સત્તાના નશામાં જનતા ઉપર અમાનવીય અત્યાચાર થાય છે.”
પોલીસે મીડિયા કર્મચારીઓ સાથે કરી ધક્કામુક્કી
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના એસજી હાઇવે ઉપર આવેલી SGVP હોસ્પિટલમાંથી સારવાર બાદ પાસ કન્વીનર હાર્દિક પટેલ પોતાના નિવાસ સ્થાને પાછા ફર્યા છે. જ્યાં તેના ઉપવાસ ચાલું રાખ્યા છે. તો મીડિયા પણ હાર્દિકનું કવરેજ કરવા માટે તેની પાછળ પાછળ જઇ રહ્યું હતું. જોકે, પોલીસ દ્વારા મીડિયા કર્મીઓને રોકવામાં આવ્યા હતા. ત્યાર બાદ પોલીસ અને મીડિયા કર્માચરીઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. પોલીસ દ્વારા મીડિયા કર્મચારીઓ સાથે દાદાગીરી કરી ધક્કામુક્કી કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જોકે, અમદાવાદ પોલીસ કમિશ્નરે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.