અમદાવાદ: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવની કોંગ્રેસે આજે ભારત બંધનું એલાન આપ્યું છે. અમદાવાદ સહિત ભારતમાં કોંગ્રેસના કાર્યકરો રોડ પર ઉતરી આવ્યા છે અને મોદી સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. કોંગ્રેસ સહિતના અન્ય સમુદાયો ભારત બંધમાં જોડાયા છે. હાર્દિક પટેલે પણ ટ્વિટ કરીને ભારત બંધને સમર્થન આપ્યું છે. હાર્દિકે ટ્વિટમાં કહ્યું કે-‘ભારત બંધ સામાન્ય જનતાની તકલીફોથી આત્મમુગ્ધ થયેલી મોદી સરકારને જગાડવા માટે છે’.
અમિત ચાવડા સહિતના કોંગી નેતાઓની અટકાયત
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોંગ્રેસ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં ભારત બંધ હિંસક રૂપ ધારણ કર્યું છે. વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોએ શાહપુર અને મિરઝાપુરમાં બસ પર પથ્થરમારો કર્યો હતો. વિરોધ કરી રહેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ,મનિષ દોશી, બદરૂદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાની અટકાયત કરવામાં આવી છે જ્યારે શૈલેષ પરમાર, હિંમતસિંહ અને મનીષ મકવાણા ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાતમાં ભારત બંધને જોરદાર પ્રતિસાદ, ટાયરો સળગાવી હાઇવે ચક્કાજામ જુઓ કેવો છે માહોલ
બંધને સફળ બનાવવા માટે કોંગ્રેસ દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના ભીલોડામાં કોંગ્રેસના ધારાસભ્યની હાજરીમાં ટાયરો સળગાવીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ભરૂચમાં ચક્કાજામ કરવા બદલ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. રાજ્યમાં ઠેરઠેર કોંગી કાર્યકરોની અટકાયતનો દોર ચાલી રહ્યો છે.
ગુજરાતભરમાં બંધની સ્થિતિ
અમદાવાદ: કાયદો અને વ્યવસ્થાને લઈને અમદાવાદ પોલીસનો ચૂસ્ત પોલીસ બંદોબસ્ત, 3 DCP, 4 ACP, 30 PI, 150 PSI, 2300 પોલીસકર્મી, 800 હોમગાર્ડ અને SRPની 2 કંપની સવારે 6 વાગ્યાથી ખડેપગે
અમદાવાદ: ભારત બંધના એલાનના પગલે રાજ્યની એસ ટી બસ સેવા પર જોવા મળી અસર.
અમદાવાદ: ભારતબંધ એલાનને પગલે થલતેજમાં કોંગ્રેસના કાર્યકરોએ વિદ્યાર્થીઓને સ્કૂલે લઈને જતી DPS સ્કૂલની બસને રોકી
અમદાવાદ: ભારત બંધના એલાનને પગલે યુથ કોંગ્રેસના કાર્યકરોએ વેજલપુરની ઝાયડ્સ સ્કૂલ બંધ કરાવી
અમદાવાદ : ભારત બંધનું એલાન વચ્ચે અજાણ્યા શખ્સોએ શાહપુર હલીમની ખડકી પાસે બે AMTS બસમાં કરી તોડફોડ.
ભરૂચ: અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ નજીક કોંગ્રેસના કાર્યકરોએ ટાયર સળગાવી દુકાનો બંધ કરાવી.
ભરૂચ: અંકલેશ્વરમાં રસ્તા રોકી એસટી ડેપોમાં બસ પરત વાળનાર 20 કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરાઈ.
ભરૂચ: શહેરના સ્ટેશન રોડ પરની ખાનગી (એક્સિસ) બેંક બંધ કરાવતા પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ.
ભરૂચ: ભારત બંધના એલાનના પગલે કોંગી કાર્યકરોએ દહેજ રોડ ચક્કાજામ કર્યો
વડોદરા: કોંગ્રેસના કાર્યકરોએ રામધૂન બોલાવી કારેલીબાગની અંબે વિદ્યાલય બંધ કરાવી, પોલીસે 7ની અટકાયત કરી
અરવલ્લી : જિલ્લામાં વહેલી સવારથી બંધની અસર, ભીલોડાના ધારાસભ્યની ઉપસ્થિતિમાં વહેલી સવારે શામળાજી હાઇવે પર ટાયરો સળગાવી કરાયું ચક્કાજામ
અરવલ્લી : ભારત બંધના એલાનને લઈ અરવલ્લીમાં ગ્રામ્ય વિસ્તારની એસટી સેવા બંધ, મોડાસા બસ સ્ટેશનમાં બસોનો ખડકલો
બનાસકાંઠા : કોંગ્રેસના બંધના પગલે બનાસકાંઠાથી પાટણ સિધ્ધપુર જતી તમામ બસો બંધ, અંબાજી દાંતા અને હડાદ વિસ્તારની તમામ બસો બંધ.
સાબરકાંઠા: હિંમતનગરમાં બજાર બંધ કરાવવા નિકળેલ કોંગ્રેસના મહિલા સહિતના 50 જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત
રાજકોટ: ત્રિકોણબાગ ખાતે વિરોધ પ્રદર્શન કરવા આવેલા કોંગ્રેસના શહેર પ્રમુખ મહેશ રાજપૂત, સહિત કોંગ્રેસ અગ્રણી, કાર્યકર્તાઓની અટકાયત.
પંચમહાલ: કોંગ્રેસના ભારત બંધ એલાનને લઈ ગોધરા ઝોનથી ગ્રામ્ય વિસ્તારમાં જતી મોટાભાગની બસોના પૈડાં થંભી ગયા
ભારત બંધની આગેવાની કોંગ્રેસ પાર્ટી કરી રહી છે. તેમને અંદાજે 21 રાજકીય પાર્ટી દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, સવર્ણોએ એસસી-એસટી એક્ટ વિરુદ્ધ ભારત બંધ રાખ્યું હતું અને આજે હવે વિપક્ષે ભારત બંધની જાહેરાત કરી છે. એટલે કે એક અઠવાડિયામાં આ બીજી વખત મોદી સરકારની નીતિઓ સામે ભારત બંધ રાખવામાં આવ્યું છે. કૈલાશ માનસરોવરથી પરત આવેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આ વિરોધ-પ્રદર્શનમાં જોડાયા છે.
રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી કરી માર્ચની શરૂઆત
આજે સવારે રાહુલ ગાંધી રાજઘાટ પહોંચ્યાં હતા. તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપીને માર્ચની શરૂઆત કરી હતી. તેમની સાથે કોંગ્રેસ કોષાધ્યક્ષ અહમદ પટેલ અને પાર્ટી મહાસચિવ મોતીલાલ વોરા સહિત કોંગ્રેસના અન્ય અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.
અપડેટ્સ
– રામલીલા મેદાન પર વિપક્ષના ધરણામાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ પહોંચ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી પાર્ટીઓના નેતા પહેલેથી જ હાજર હતાં.
– કોંગ્રેસ કાર્યકર્તાઓએ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં પેટ્રોલ પંપમાં તોડફોડ કરી હતી. આ દરમિયાન પોલીસકર્મીને પણ મારવામાં આવ્યા હતા. કોંગ્રેસના આ હોબાળામાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. ઉજ્જૈનના દરગાહ મંડી પાસે કોંગ્રેસ કાર્યકર્તાઓએ તોડફોડ કરી છે. નોંધનીય છે કે, ભારત બંધના કારણે અહીં ઘણી દુકાનો અને સ્કૂલો બંધ છે.
– છત્તીસગઢમાં પણ પેટ્રોલ-ડીઝલની વધતી કિમતો વિરુદ્ધ પ્રદર્શન ચાલુ છે. રાયપુરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરીને મોદી સરકાર વિરુદ્ધ નારેબાજી કરી છે.
– મહારાષ્ટ્રમાં વિપક્ષનું ભારત બંધનું એલાન ખૂબ આક્રમક રીતે આગળ વધી રહ્યું છે. રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓએ પુણેમાં ઘણી બસો પર પથ્થરમારો કર્યો છે.
– દક્ષિણ રાજ્ય કેરળમાં પણ વિપક્ષના ભારત બંધની અસર જોવા મળી રહી છે. કેરળમાં સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ભારત બંધ રહેશે.
– કર્ણાટકના મેંગલુરુમાં અમુક પ્રદર્શનકારીઓએ પ્રાઈવેટ બસ પર પથ્થરમારો કર્યો છે.
– કોંગ્રેસ નેતા અશોક ગહલોતનું કહેવું છે કે, અમે પ્રદર્શન દ્વારા મોદી સરકાર પર પ્રેશર બનાવવા માગીએ છીએ જેથી તેઓ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરે. જે રીતે તેમણે અમારા પ્રેશરના કારણે રાજસ્થનમાં VATમાં ઘટાડો કર્યો છે. તેમણે કહ્યું કે, બીજેપીની કાર્યકારિણીની બેઠકમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની કોઈ વાત કરવામાં આવી નથી.
– ગુજરાતના અમદાવાદમાં બંધના કારણે સુરક્ષાબળ તહેનાત કરવામાં આવ્યા છે. અહીંના ઈસનપુરમાં NSUIના કાર્યકર્તાઓ સ્કૂલ બંધ કરાવી. પ્રાઈવેટ સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
– બિહારના દરભંગામાં પ્રદર્શનકારીઓએ કમલા ફાસ્ટ પેસેન્ડર ટ્રેન રોકી
– બિહારના જહાનાબાગમાં આરજેડી કાર્યકર્તાઓએ રેલવે ટ્રેક પર ટાયર સળગાવ્યા
– ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારત બંધની અસર, રસ્તાઓ પર વિપક્ષી પાર્ટીઓનું પ્રદર્શન, ટ્રેન રોકી
– કર્ણાટકના કલબુર્ગીમાં બારત બંધની અસર, બસ સર્વિસ સંપૂર્ણ રીતે ઠપ
– આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં સીપીઆઈ(M)ના કાર્યકર્તાએ સવારે સવારે પ્રદર્શન કર્યું
20 વિપક્ષી પાર્ટીઓએ ભારત બંધને સમર્થન
કોંગ્રેસના જણાવ્યા પ્રમાણે, કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ જાહેર કરવામાં આવેલા બંધમાં સમગ્ર દેશની 20 વિપક્ષી પાર્ટીઓ અને ઘણાં વેપારી સંગઠન સમર્થન આપી રહ્યા છે. તેમાં સપા, આરજેડી, જેડીએ, રાકપા, મનસે, હિન્દુસ્તાન આવામ મોર્ચા અને કોમ્યુનિસ્ટ પાર્ટીઓ પણ સામેલ છે. બીજી બાજુ આમ આદમી પાર્ટી અને ઓરિસ્સાની સત્તાધારી પાર્ટી બીજેડીએ આ બંધને સમર્થન આપ્યું નથી.
સંસદની અંદર અને બહાર લડાઈ લડી રહી છે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા અજય માકને રવિવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં મોંઘવારી, રાફેલ સોદામાં ભષ્ટ્રાચાર, રૂપિયાની ઘટતી કિંમત, પેટ્રોલિયમ ઉત્પાદનની વધતી કિંમતો જેવા જનતા સાથે જોડાયેલા મુદ્દાઓ ઉપર કોઈ વાત જ કરવામાં આવી નથી. કોંગ્રેસ રાહુલ ગાંધીના નેતૃત્વમાં સંસદની અંદર અને બહાર ભાજપની ખોટી નીતિઓ સામે લડાઈ લડી રહ્યા છે. કોંગ્રેસ આ બંધના માધ્યમથી કેન્દ્ર સરકાર પર પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોને કાબુ કરવા માટે પ્રેશર કરશે