અમદાવાદઃ ગુજરાતના પાટીદારોને અનામત અને ખેડૂતોની દેવાં માફીને લઇ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલે 25 ઓગસ્ટ ને શનિવારથી આમરણાંત ઉપવાસની જાહેરાત કરી છે. આ ઉપવાસને પોલીસે મંજૂરી આપી નથી તેથી હાર્દિક પટેલે પોતાના ઘરે ઉપવાસ કરવાનો નિર્ણય કર્યો છે.
હાર્દિકે કરેલી જાહેરાત પ્રમાણે તે હવે વૈષ્ણોદેવી ગ્રીનવૂડસ પાસે આવેલા પોતાના છત્રપતિ નિવાસમાં ઉપવાસ કરશે. જો કે આ ઉપવાસ ક્યારથી શરૂ થશે તે અંગે ગૂંચવાડો છે ત્યારે પાસ દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે, હાર્દિક પટેલ પોતાના સાથીઓ સાથે બપોરે ત્રણ વાગ્યે આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવશે.
હાર્દિક પટેલ દ્વારા આમરણાંત ઉપવાસની જાહેરાત કરવામાં આવી હતી અને પહેલાં નિકોલમાં મેદાનની માગમી કરવામાં આવી હતી પણ આ માગણી નકારવામાં આવી. તે પછી ઉપવાસ કરવા માટે ગાંધીનગરમાં આવેલા સત્યાગ્રહ છાવણીના મેદાનની માગ કરાઈ હતી. જોકે તંત્ર દ્વારા ઉપવાસ માટે મંજૂરી આપવામાં આવી નથી.
તંત્ર દ્વારા મંજૂરી ના મળી તેના કારણે હાર્દિક પટેલે પોતાના નિવાસસ્થાને જ ઉપવાસ કરવાની જાહેરાત કરી છે. જો કે પોલીસે હાર્દિક પટેલના નિવાસ સ્થાને વોચ ગોઠવી છે. હાર્દિક પટેલ આજે ઉપવાસ કરે તે પહેલાં જ તેની ધરપકડ કરાય તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે.
હાર્દિક પટેલે 19ઓગસ્ટના રોજ એક દિવસના પ્રતીક ઉપવાસની જાહેરાત કરી હતી પણ ઉપવાસ કરે તે પહેલાં તેની અટક કરી લેવાઇ હતી. આજના ઉપવાસ માટે પણ પોલીસની મંજૂરી મળી શકી નથી જેથી આજે પણ ઉપવાસ પહેલાં એટલે કે બપોરે બે વાગ્યે તેની અટકાયત કરવામાં આવે તેવી શક્યતા છે.
અમારી છાતીમાં ગોળી ધરબી દો, સરકાર અંગ્રેજ બની, 16 હજાર લોકોની અટકાયત: હાર્દિક
અમદાવાદઃ પાટીદારોને અનામત અપાવવા અને ખેડૂતોની દેવા માફી મામલે આમરણાંત ઉપવાસ પર ઉતરતા પહેલા હાર્દિક પટેલે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેણે સરકાર અને પોલીસ પર અનેક આક્ષેપ લગાવ્યા હતા. હાર્દિકે જણાવ્યું કે, ઉપવાસ આંદોલનને રોકવા માટે સરકાર અંગ્રેજ બની ગઈ છે. અત્યાર સુધી ગુજરાતમાં 16 હજાર લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. હું બીજેપીને કહેવા માગું છુ કે, આમ ધીમે ધીમે હેરાન કરવા કરતા એક સાથે જ અમારી છાતીમાં ગોળી ધરબી દો, આ લડાઈ ચાલુ રહેશે. વિવિધ જગ્યાએ બેરિકેડ્સ લગાવીને લોકોને રોકવામાં આવી રહ્યા છે.
જલિયાવાલાબાગ હત્યાકાંડ જેવી સ્થિતિનું નિર્માણ: હાર્દિક
હાર્દિકે વધુમાં જણાવ્યું કે, અમને એકપણ વિસ્તારમાં ઉપવાસની મંજૂરી આપવામાં આવી નહીં. જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ પણ રોકી દેવામાં આવી છે. પોલીસે ચારેબાજુ નાકાબંધી કરી છે. આ જલિયાવાલાબાગ હત્યાકાંડ જેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારની પીછેહઠ કરીશું નહીં. બીજેપી માનવતા વિરુદ્ધ જે કાર્ય કરી રહી છે. અમને દૂધની એક થેલી પણ લાવવા દેવામાં આવી નથી.
અમદાવાદમાં સઘન ચેકિંગ
આ સિવાય હાર્દિકના ઉપવાસ આંદોલનને લઈ અમદાવાદ શહેરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેને પગલે અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
રાજ્યમાં 144ની કલમ લાગુ
હાલમાં સમગ્ર રાજ્યભરમાં સલામતી અને શાંતિ જળવાય રહે તે માટે તમામ જિલ્લાઓમાં પોલીસ સતર્ક કરાઈ છે. આ સાથે અમુક જિલ્લાઓમાં 144 લાગુ કરી દેવાઈ છે. અમદાવાદ શહેરના પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં એસઆરપી અને પોલીસ ફોર્સ ઉતારી દેવામાં આવી છે