GujaratNews

નેચરોપેથી સારવાર કરાવવા બેંગાલુરુ જશે હાર્દિક, સ્વસ્થ થયા બાદ ફરી રસ્તા પર કરશે આંદોલન

અમદાવાદઃ પાટીદારોને અનામત અપાવવા અને ખેડૂતોને દેવાં માફ કરાવવા માટે 19 દિવસથી ઉપવાસ પર ઉતરેલા પાસ કન્વીનર હાર્દિક પટેલ આજે પારણાં કરી લીધા છે. 3 વાગ્યે પારણાં કર્યા બાદ હાર્દિકે સરકાર પર આકરા પ્રહારો કરીને લડાઈ ચાલુ રાખવાનો સંકેત આપ્યો હતો. પરંતુ સરકારે એક પણ માંગ સ્વીકારી ન હોવા છતાં હાર્દિકે ઉપવાસ આંદોલન સમેટી લેતા સૌ કોઈના મનમાં એક જ સવાલ છે કે, હવે હાર્દિક શું કરશે?

આ અંગે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, હવે આગામી દિવસોમાં તે બેંગાલુરુ સ્થિત જિંદાલ નેચરક્યોર ઈન્સ્ટિટ્યુટમાં જવાની તૈયારીઓમાં છે. ત્યાર બાદ તે સંપૂર્ણ સ્વસ્થ થઈને પાટીદારોને અનામત, યુવાઓને રોજગારી અને ખેડૂતોની દેવા માફી મામલે ફરીવાર રસ્તા પર ઉતરશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી પણ અવાર-નવાર જિંદાલ નેચરક્યોરમાં કુદરતી ચિકિત્સા કરાવવા જાય છે.

પ્રાયમથી લઈ યોગા કરાવશે

આ કુદરતી ચિકિત્સા દરમિયાન કોઈપણ પ્રકારની ડ્રગ્સ(એલોપથી)નો ઉપયોગ કરવામાં આવતો નથી. સૌથી પહેલા અહીં હાર્દિકના શરીરની હાલની સ્થિતિની તપાસ કરવામાં આવશે. ત્યાર બાદ તેને જરૂરીયાત મુજબ, યોગા, આસન, પ્રાણાયમ, લાફીંગ થેરેપી, એક્યુપંક્ચર, જિમ અને ફિઝયોથેરેપી કરવામાં આવશે.

મસાજથી લઈ કરશે માટીના લેપ

જિંદાલનેચર ક્યોરમાં માટીના લેપની સાથે સાથે તેલથી મસાજ કરીને પણ સારવાર કરવામાં આવે છે. જેમાં લીંબડો, હળદર અને કુંવારપાઠાની પેસ્ટ શરીર પર લગાવીને અડધી કલાક સુધી સામાન્ય તડકામાં બેસાડવામાં આવે છે. માત્ર એટલું જ નહીં, ખાવા-પીવાથી લઈ આખી લાઈફ સ્ટાઈલને પણ સારવારમાં સામેલ કરવામાં આવે છે.

કેવી હશે દિનચર્યા

આ દરમિયાન દિવસમાં બેવાર ભોજન આપવામાં આવે છે. જેમાં લંચ અને બ્રેકફાસ્ટ સામેલ છે. જ્યારે બપોર બાદ 2 વાગ્યે ફરીવાર સારવાર શરૂ થઈ જાય છે. આ સારવાર શરીરમાં રહેલી તકલીફો મુજબ સૌ કોઈ માટે અલગ અલગ હોય છે. જો કે હાર્દિકને ભોજનમાં શું મળશે તે અંગે હજુ કંઈ કહી શકાય તેમ નથી. ખાવા-પીવા અંગે વાત કરીએ તો મોટા ભાગે એક કપ સૂપ, પપૈયા અને તરબૂચની એક એક સ્લાઈસ તથા એક ગ્લાસ સોયા મિલ્ક આપવામાં આવે છે અને સાડા પાંચથી 6 વાગ્યા વચ્ચે ડિનર કરાવવામાં આવે છે.

શું છે નેચરોપેથીનો મૂળભૂત વિચાર

નેચરોપેથીનો મૂળભૂત વિચાર છે કે શરીર માટી, આકાશ, પાણી, વાયુ અને અગ્નિ એમ પંચમહાભૂતનું બનેલું છે અને આ પાંચેય બાબતોમાં સંતૂલન રહે છે અને તેનું સંતુલન બગડવા પર માણસ બીમાર પડે છે. નેચરોપથી દ્વારા તેનું સંતુલન પ્રાકૃતિક રીતે બનાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, જિંદાલ નેચરક્યોર ઈન્સ્ટિટ્યુટની શરૂઆત ડૉ.સીતારામ જિંદાલે કરી હતી. સીતારામ જિંદાલ, જિંદાલ એલ્યુમિનિયમ લિમિટેડ કંપનીના માલિક છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker