હાર્દિકના ઉપવાસનો આજે બીજો દિવસ, પાટીદાર બહેનો બાંધશે રાખડી

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલે પહેલેથી કરેલી જાહેરાત મુજબ, આજે બપોરે 3 કલાકથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરી દીધા છે. તેની સાથે પાસના કાર્યકરો અને કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા છે. દરમિયાનમાં કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યપાલને મળવાનો સમય માંગ્યો છે. હાર્દિકે પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવાની માફીની માંગ સાથે આ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. હાર્દિકના ઉપવાસ આંદોલનને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે તકેદારીના ભાગ રૂપે અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં પાટીદાર બહુમતીવાળા વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

નિકોલ-ગાંધીનગરમાં મંજૂરી ન મળતા ઘરે ઉપવાસ

ઉલ્લેખનીય છે કે, હાર્દિકે પહેલા અમદાવાદના નિકોલ વિસ્તારમાં ઉપવાસ કરવા દેવાની મંજૂરી માંગી હતી. જોકે, તેની એ માંગ નકારી દેવાતા તેણે બાદમાં ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી માટે મંજૂરી માંગી હતી. જોકે, તેની એ માંગ પણ મંજૂર રાખવામાં આવી ન હતી. એટલે, તેણે પોતાના ઘરે જ ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી. બીજી તરફ પોલીસે હાર્દિકને ઉપવાસ માટે મંજૂરી ન આપવા મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ભૂતકાળની ઘટનાઓને ધ્યાનમાં લઈને મંજૂરી નથી આપવામાં આવી.

આ પહેલા હાર્દિકે આજે સવારે પોતાના ઘરે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેણે ઉપવાસ માટે મંજૂરી ન આપવા બદલ રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. હાર્દિકે કહ્યું હતું કે, જેનાથી જે થાય તે કરી લે, તે ઉપવાસ આંદોલન કરીને જ રહેશે. સાથે જ હાર્દિકે આક્ષેપ કર્યો હતો કે, ઉપવાસ આંદોલનને નિષ્ફળ બનાવવા રાજ્યની ભાજપ સરકાર શામ, દંડ અને ભેદનો પ્રયોગ કરી રહી છે.

હાર્દિકે કહ્યું હતું કે, આજે સવારથી જ તેના ઘરે આવતા લોકોને અટકાવવામાં આવી રહ્યા છે. તેના ઘરે જરૂરિયાતનો સામાન આવતો પણ અટકાવી દેવાયો છે. તેણે કહ્યું હતું કે, આજે સવાર સુધીમાં લગભગ 16,000 જેટલા ‘પાસ’ના કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી છે. આજે સવારે જ લુણાવાડા, મહીસાગરમાં 400 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હોવાનું અને ચોટીલામાં 8 લક્ઝરી બસોને રોકી દેવામાં આવી હોવાનું પણ તેણે જણાવ્યું હતું. હાર્દિકે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી ‘પાસ’ના કન્વીનરોને બોલાવીને ધમકાવવામાં આવી રહ્યા છે.

ભાજપ સરકાર તેમજ પોલીસ વિરોધ અને ઉપવાસને કચડી નાંખીને લોકશાહીને કચડી રહી હોવાનો આરોપ લગાવતા હાર્દિકે કહ્યું હતું કે, ‘આ અંગ્રેજ સરકાર કરતાં પણ વધારે ખરાબ સ્થિતિ છે. માનવાધિકારનું હનન થઈ રહ્યું છે. મને હમણાં જ જાણવા મળ્યું કે, 14 વર્ષની એક છોકરીની પણ અટકાયત કરવામાં આવી છે. કામરેજમાં મહિલાઓને પોલીસ દ્વારા રોકવામાં આવી અને તેમને પાછા જવા કહેવામાં આવ્યું.’ હાર્દિકે સાથે જ પાટીદારોને હિંસાથી દૂર રહેવા પણ અપીલ કરી.

તેણે કહ્યું હતું કે, ‘હું કે પાસનો કોઈ સભ્ય ‘નપુસંકતા’નું કામ નહીં કરીએ અને ખેડૂતોના હક તેમજ પાટીદારોને અનામત માટે શાંતિપૂર્વક લડીશું.’ તેણે આરોપ લગાવ્યો કે, ‘પોલીસે મારા ઘરે પાણી અને દૂધ આવતું પણ રોકી દીધું. પોલીસે અમને મંડપ પણ બાંધવા ન દીધો. એટલું જ નહીં, કોંગ્રેસના ધારાસભ્યો સાથે આવેલા તેમના સમર્થકોને રોકી દેવાયા અને ધારાસભ્યને એકલા જ આવવા દેવાયા, જ્યારે તેમના સમર્થકોને પાછા જવા કહેવામાં આવ્યું. હાર્દિકે કહ્યું હતું કે, હું કાગડા-કૂતરાના મોતે મરીશ પણ ખેડૂતોના દેવાની માફી અને પાટીદારોને અનામત માટે લડતો રહીશ.

પાટીદાર વિસ્તારો પોલીસ છાવણીમાં ફેરવાયા

અમદાવાદના બાપુગનર, નિકોલ, વસ્ત્રાલ સહિતના વિસ્તારો હાર્દિક પટેલના ઉપવાસ આંદોલને પગલે પોલીસ છાવણીમાં ફેરવી દેવાયા છે. અહીં, એસઆરપીની બે ટૂકડીઓ સહિત 1,000 જેટલા પોલીસકર્મીઓને તૈનાત કરી દેવાયા છે. ઉપરાંત 50 વાહનોમાં પોલીસ આ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે. આ ઉપરાંત પાટીદાર આંદોલનનું એપી સેન્ટર ગણાતા સુરતના વરાછા વિસ્તારમાં હાર્દિકના ઉપવાસને લઈને મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે. વરાછા ઉપરાંત કાપોદ્રા, સરથાણા, મોટા વરાછા, કતારગામમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

ભાજપ શરમ કરે: જિજ્ઞેશ મેવાણી

હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના સમર્થનમાં વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી પણ આગળ આવ્યા છે. તેમણે ટ્વીટ કરી હાર્દિકનું સમર્થન કરતા કહ્યું કે, ‘વિરોધ કરવાના લોકશાહી અધિકાર માટે હું તારી સાથે છું. પોલીસ ‘વ્યાજપી નિયંત્રણો’ મૂકી શકે, પણ સંપૂર્ણપણે મંજૂરી આપવાની ના ન પાડી શકે. જે રીતે તેઓ તને અને તારી કોર ટીમને હેરાન કરી રહ્યા છે, પાટીદાર સમાજની પેઢી ભાજપને ક્યારેય માફ નહીં કરે. ભાજપ શરમ કરે.’

પોલીસે જણાવ્યું, કેમ ન આપી મંજૂરી

દરમિયાનમાં ગાંધીનગર ADGP આર બી બ્રહ્મભટ્ટે હાર્દિક પટેલને ઉપવાસ આંદોલન માટે મંજૂરી ન આપવા બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ‘2015માં જીએમડીસી ગ્રાઉન્ડમાં રેલી બાદ તોફાન થયા હતા. 19મી ઓગસ્ટના પ્રતીક ઉપવાસ પછી પણ તોફાનો થયા હતા. સરકારી મિલકતોને નુકસાન થયું હતું. આ હકીકતોને ધ્યાનમાં રાખીને મંજૂરી નથી આપવામાં આવી.’ તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં માત્ર 158 લોકોની જ તકેદારીના ભાગરૂપે અટકાયત કરવામાં આવી છે. હાર્દિક 3 વાગ્યે ઉપવાસ પર બેસવાનો હોવા અંગે તેમણે જણાવ્યું હતું કે, એ વખતની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.

હાર્દિકના ઉપવાસ કોંગ્રેસ પ્રેરિત છે: નીતિન પટેલ

હાર્દિક પટેલના ઉપવાસ મામલે બોલતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાર્દિકના ઉપવાસ કોંગ્રેસ પ્રેરિત છે. તેમણે કહ્યું કે, રાજ્યની જનતાએ કોંગ્રેસને નકારી દીધી છે અને 22 વર્ષ પછી પણ અમને સત્તા સોંપી છે. હવે, ચૂંટણી નજીક આવી છે એટલે કોંગ્રેસે ફરી વાતાવરણ ડહોળાય તેવું કામ કરી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. સાથે જ તેમણે કહ્યું કે, સરદાર પટેલનું સન્માન માત્ર એ લોકો જ નથી કરતા. એમણે સમજવું જોઈએ કે જ્યારે પીએમ મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે સરદાર પટેલની પ્રતિમા બનાવવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, આખી દુનિયા સરદાર પટેલનું સન્માન કરે છે.

જિજ્ઞેશ મેવાણી હાર્દિકના ઘરે પહોંચ્યા

આ પહેલા વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ટ્વીટ કરી હાર્દિકનું સમર્થન કરતા કહ્યું કે, ‘વિરોધ કરવાના લોકશાહી અધિકાર માટે હું તારી સાથે છું. તેના થોડા કલાકો બાદ જિજ્ઞેશ મેવાળી હાર્દિકના ઘરે પહોંચી તેની મુલાકાત લીધી અને હાર્દિક સાથે ચર્ચા કરી હતી. આપના ગુજરાત ચીફ કનુ દેસાઈએ હાર્દિકની મુલાકાત લીધી અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મોકલેલો પત્ર હાર્દિકને સોંપ્યો હતો.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here