દેવભૂમી દ્વારીકાઃ આસોટા ગામમાં આભ ફાટ્યું

દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે તમામ રસ્તાઓ અને ગલીઓ બેટમાં ફેરવાઈ ગઈ છે. ત્યારે દ્વારકાના આસોટા ગામે આભ ફાટયું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.સતત પાંચમાં દિવસે ધોધમાર વરસાદ વરસતા લોકોના જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટા આસોટા ગામે આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આજે બપોરે થયેલાં વરસાદને પગલે મોટા આસોટા ગામની અંદર પાણી ફરી વળ્યા હતા. અંદાજિત 5 ઇંચ જેટલાં વરસાદથી ચારે તરફ પાણી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગામના બજારો તેમજ વોકળામાં ધસમસતા પાણીના પૂર જોવા મળ્યા છે. ભારે વરસાદના પગલે ચારે તરફ પાણી ફરી વળ્યાં છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત પાંચમા દિવસે વરસાદ વરસી રહ્યો છે. જામખંભાળિયા પંથકમાં ધોધમાર વરસાદ તેમજ દાત્રાણા, બેરાજા, હંજરાપર હાબરડી ગામોમાં પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે અનેક ખેતરોમાં પાણી ભરાયા હતા. જેને પગલે ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે.

અમદાવાદ સહિત સૌરાષ્ટ્રમાં આજથી બે દિવસ ભારે વરસાદ આગાહી હવામાન વિભાગે આગાહી આપી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લોપ્રેશર અને સાઈક્લોનિક સરક્યુલેશનને સિસ્ટમને પગલે આગામી બે દિવસ અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ સહિત આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, નર્મદા અને દમણ તેમજ સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, અમરેલી, દ્વારકા સહિત અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જો કે ત્રીજા દિવસ બાદ વરસાદમાં ઘટાડો થવાની સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની વકી છે.

રાષ્ટ્રીય આપદા પ્રબંધન દળ એટલે કે, NDRFની છટ્ઠી બટાલિયન વડોદરા નજીક જરોદમાં કાર્યરત છે અને તમામ પ્રકારની કુદરતી આફતો, અકસ્માતો અને દુર્ઘટનાઓમાં જાનમાલના બચાવની અદ્યતન તાલીમ અને સાધનોથી સુસજ્જ છે. આ દળ રાજ્ય સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ સાથે સંકલન જાળવીને આફતના પ્રસંગે બચાવ અને રાહતની અસરકારક કામગીરી કરે છે. તાજેતરમાં તાઉ-તે વાવાઝોડાની આફતમાં NDRFની ટીમોએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સેવાઓ આપી હતી.

Scroll to Top