ગુજરાતમાં ચોમાસાનું આગમન થઇ ગયુ છે. રાજ્યના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. જામનગરમાં 10 ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે છોટા ઉદેપુરમાં 7.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જામનગરના જામજોધપુર તાલુકાના નરમાણા ગામે આભ ફાટતા 3 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.જ્યારે કાલાવાડમાં રવિવાર બપોરે 2થી સાંજના 6 વાગ્યા સુધી 4 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.છોટા ઉદેપુરમાં પણ 7.5 ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે ક્વાંટ તાલુકામાં 6.73 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે આરસંગ નદીમાં ઘોડાપૂર આવ્યુ હતું. સોરઠના માણાવદરમાં 5 ઇંચ, જૂનાગઢ-વંથલી પંથકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. કાલાવાડ નજીક ભારે વરસાદને પગલે જેસીબી તણાયુ હતુ જ્યારે જામનગરમાં પુલ ધરાશાયી થયો હતો. રાજકોટમાં પણ ભારે વરસાદને પગલે અનેક સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરાઇ ગયા હતા.
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમ સહિતના 29 ડેમની સપાટીમાં વધારો થયો છે. દમણ ગંગા ડેમના 2 ગેટ ખોલવા પડ્યા હતા. નર્મદા ડેમમાં એક દિવસમાં 10 સે.મીનો વધારો થયો છે. વરસાદને કારણે 22,772 ક્યુસેક પાણીની આવક થતા સપાટી 115.37 મીટર પર પહોચી છે.
નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ પડતા પાણીની આવકમાં વધારો થયો છે, જેની સામે કેનાલમાં 4230 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. રાજ્યના ઉકાઇ, વાત્રક, મેશ્વો, વણાંકબોરી, પાનમ, કડાણા, કરજણસુખી, દાંતિવાડા સહિતના ડેમમાં વરસાદને પગલે પાણીની આવક વધી છે.
જામનગર-10 ઇંચ, છોટા ઉદેપુર-7.5 ઇંચ, ક્વાંટ-6.7 ઇંચ, કાલાવડ-6 ઇંચ, માણાવદર-5 ઇંચ, પ્રાંતિજ-5 ઇંચ, જૂનાગઢ-4 ઇંચ, રાજકોટ-4 ઇંચ, વલભીપુર-4 ઇંચ, બોટાદ-4 ઇંચ, બોડેલી-4 ઇંચ, કપરાડા-4 ઇંચ, કરજણ-4 ઇંચ, જેતપુર-3.5 ઇંચ, ઊંઝા-3.5 ઇંચ, ડભોઇ-3.5 ઇંચ, ટંકારા-3 ઇંચ, જાંબુઘોડા-3 ઇંચ, બાયડ-3 ઇંચ, દાહોદ-3 ઇંચ, ઝાલોદ-3 ઇંચ વરસાદ વરસ્યો છે.