સ્મશાનમાં એરકન્ડીશન (AC) હોય એ વાત નવાઇ લાગેને ? પણ આ હકીકત છે. જામનગરના સ્મશાનમાં જે સ્થળે અંતિમ સંસ્કાર કરવામા આવે છે તે સ્થળે મોટા ઇન્ડસ્ટ્રિયલ એરકુલર નાંખવામાં આવ્યા છે. જામનગરનાં શ્રી સમાજ સેવક મહાવીર દળ સંચાલિત માણેકબાઇ સુખધામમાં હાલ મોટા-મોટા એરકુલર ફીટ કરવામાં આવી રહ્યા છે.
જામનગરનું આ સ્મશાન ગુજરાતનું સૌથી આદર્શ સ્મશાન ગણવામાં આવે છે. એટલુ જ નહીં, પણ આ સ્માશનને રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા 2004ના વર્ષમાં ગુજરાતના “ફરવા લાયક” સ્થળોની યાદીમાં મૂકવામાં આવ્યુ હતુ.
“આ સ્મશાનમાં બે ઇલેક્ટ્રિક ભટ્ઠી છે. આ બંને જગ્યાએ જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે ત્યાં 100 માણસો બેસી શકે એવો હોલ પણ છે. સામાન્ય રીતે, વ્યક્તિના અંતિમ સંસ્કાર થઇ જાય ત્યાં સુંધી લોકો ત્યાં બેસતા હોય છે. અમે આ બંને જગ્યાએ મોટા ઇન્ડસ્ટ્રિયલ એરકુલર મૂકવાની પ્રક્રિયા હાથ ધરી છે. એક જગ્યાએ ફિટીંગ થઇ ગયુ છે અને બીજી જગ્યાએ ટૂંક સમયમાં ફીટ કરી દેવાશે. મૂળ આશય એવો છે કે, સ્વજનના અવસાન સમયે સ્વાભાવિક રીતે જ લોકોને દુખ થાય. આ સમયે સ્વજનોમાંથી કોઇ લોકો અમુક બીમારી જેવી કે, બ્લડપ્રેશન કે અન્ય તકલીફો પણ હોય.
એક સાથે મોટા પ્રમાણમાં લોકો હોય તો એ હોલમાં ગરમી વઘારે લાગે. પણ જો સમગ્ર હોલ એ.સી વાળો હોય, લોકોને પણ રાહત રહે અને સ્વસ્થ રીતે અંતિમ ક્રિયા સંપન્ન થાય. આ ઇન્ડસ્ટ્રિયલ કુલર બનાવનાર વ્યક્તિએ તેનું દાન કર્યુ છે અને તેનું આજીવન મેઇન્ટેનન્સની જવાબદારી લીધી છે” આ મુક્તિધામના માનદમંત્રી દર્શન ઠક્કરે ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યું.
મૂળ જામનગર અને હાલ અમદાવાદ રહેતા આનંદ કપુર દ્વારા એરકુલરની વ્યવસ્થા કરવામાં આવી છે.
દર્શન ઠક્કરે વધુમાં જણાવ્યુ કે, “1940માં બનાવવામાં આવેલુ આ મુક્તિધામ ખૂબ વિશાળ જગ્યામાં ફેલાયેલુ છે અને આધુનિક પણ છે. અંતિમ સંસ્કાર માટે ગુજરાતમાં સૌથી પહેલા 1991માં ઇલેક્ટ્રીક ભટ્ઠી અહીંયા લગાવવામાં આવી હતી. સમગ્ર કેમ્પસમાં મોટા પ્રમાણમાં વૃક્ષો વાવેલા છે અને આખુય વાતાવરણ હરીયાળુ છે.
આ મુક્તિધામમાં વિવિધ સંતોના જીવન અને કવનની વાતો અંકિત કરવામાં આવી છે જેથી સ્વજનોની અંતિમ ક્રિયા કરવા માટે આવેલા લોકો નિરાશ ન થાય અને મૃત્યુ એ જીવનની વાસ્તવિક્તા છે એ વાત સ્વીકારે. એવી રીતે, 1993માં અંતિમ યાત્રા રથ સેવા શરૂ કરવામાં આવી હતી. હાલ, આ મુક્તિધામમાં આવા ત્રણ રથ છે.”
રોજ અંદાજે 13 થી 14 પાર્થિવદેહોના અહીંયા અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જામનગર શહેર ઉપરાતં, આસપાસના પાંચેક કિલોમીટર વિસ્તારમાં આવેલા વિસ્તારોમાંથી લોકો અંતિમ સંસ્કાક વિધી માટે અહીંયા જ આવે છે.