એક એવી પેઢી હતી કે, જેણ કદાચ પોતાના બાળપણમાં મોબાઈલ જોયો પણ નહી હોય. અને અત્યારે એક એવી પેઢી છે જન્મતાવેંત જ મોબાઈલ સાથે તનું જોડાણ થઈ જાય છે. વાત છે બાળકોની, કોરોનાને લઈને જે લોકડાઉન આવ્યું તે પહેલાથી ઘણાબધા બાળકોને મોબાઈલનું વળગણ તો હતું જ પરંતુ કોરોના વાઈરસને લઈને જે લોકડાઉન જાહેર થયું તેમાં ઓનલાઈન ક્લાસ શરૂ થયા. અને પરિણામે બન્યું એવું આ ભૂલકાઓ મોબાઈલની એટલી નજીક આવી ગયા કે, હવે કેટલાક બાળકોને મોબાઈલનું એડિક્શન થઈ ગયું.
કેટલાક બાળકોને એટલી હદે મોબાઈલનું એડિક્શન થયું છે કે, મોબાઈલ જોયા વગર જમવું નહી, રાત્રે મોબાઈલ જોયા વગર સુવું નહી, મોબાઈલ લેવા માટે ધમપછાડા કરવા આ પ્રકારની આદતો કેટલાક બાળકોમાં ઘર કરી ગઈ છે. ત્યારે નાના બાળકને લઈને એક સ્ટડી સામે આવ્યો છે જેમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. કાસ્પેર્સકી સેફ કિડ્સના સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, લોકડાઉનના સમયમાં બાળકોએ ઓડિયો, વીડિયો અને સોફ્ટવેર પર પોતાનો સમય પસાર કર્યો છે. તેને લીધે ઈ કોમર્સ કંપનીઓને ઘણો ફાયદો થયો છે.
અન્ય દેશોની સરખામણીએ ભારતના બાળકોએ સૌથી વધારે કમ્પ્યુટર પર વીડિયો જોવામાં સમય પસાર કર્યો છે. ભારતમાં યુટ્યુબ પર સમય પસાર કરવામાં બાળકો 37.35% સાથે ચોથા નંબરે છે. જ્યારે ભારત 8.40% અને UAEમાં 5.96% સાથે સોથી વધારે ઝૂમ પર એક્ટિવ હતા, પરંતુ ફેસબુક એપ બાળકોમાં પોપ્યુલર રહી નહી. મ્યુઝિકમાં K-પોપબેન્ડના BTS અને બ્લેકપિંક બાળકોને ખુબ પસંદ પડ્યા. એરિયાના ગ્રાન્ડે, બિલી ઈલિશ અને ટ્રેવિસ સ્કોટ સિન્ગર્સ બાળકોની પસંદ બન્યા.
આ સમય દરમિયાન બાળકોએ સૌથી વધારે કાર્ટૂન વિડીયોઝ જોયા. આ કાર્ટુન વિડીયોનું પ્રમાણ 50.21% હતું. આ કાર્ટૂન્સમાં લેડી બગ, સુપર કેટ, ગ્રેવિટી ફોલ્સ અને પેપ્પા પિંગ સૌથી વધારે પોપ્યુલર રહ્યા. આ સિવાય બાળકોએ અનેક પ્રકારના ટીવી શો જોવાનું પણ વધારે પસંદ કર્યું.
હવે આ તો ડેટા જાણ્યો આપણે કે જે આંકડાકીય હતો. પરંતુ રોજિંદા જીવનની વાત કરએ તો. લોકડાઉનમાં અમૂક સેવાઓ સાથે જોડાયેલા લોકોને બાદ કરતા લગભગ લોકો ઘરે જ હતા. હવે તમે જો ઘરે જ હતા છતાય તમારું બાળક આ સ્માર્ટફોન કે ટેબલેટની લતે ચડી ગયું તો આ માતા-પિતા તરીકે તમારી સૌથી મોટી નિષ્ફળતા છે.
આ સમયમાં શું તમે બાળક સાથે કોઈ રમત નહોતા રમી શકતા? શું તમે તમારા બાળકને રામાયણ, શિવમહાપુરાણ કે શ્રીમદ ભાગવતની કોઈ વાત નહોતા કહી શકતા? શું તમે તમારા બાળકને ભારતની આઝાદી માટે શહિદ થયેલા વિરવર પુરૂષો અને વિરાંગનાઓ વિશે નહોતા સમજાવી શકતા? આ બધું જ થઈ શક્યું હોત પણ જો તમારે કરવું હોત તો અને જો તમે સ્માર્ટફોનમાંથી બહાર આવ્યા હોત તો.