અમદાવાદની યુવતીને લગ્નની લાલચ આપીને રાજસ્થાનમાં વેચવાના કૌભાંડનો પર્દાફાશ થતા ચકચાર મચી ગઇ છે. નિકોલ પોલીસે આ મામલામાં રાજસ્થાનના ચાર માણસો, દલાલો સહિત આઠથી વધુ લોકોની ધરપકડ કરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે નિકોલના નરોડા રોડ પર આવેલા આવાસ યોજનામાં રહેતી 21 વર્ષની યુવતીને લગ્ન કરાવવાનું કહીને પુષ્પાબેન નામની મહિલાએ અલગ અલગ શહેરમાં છોકરાઓ બતાવ્યા હતા. યુવતીને તેમાંથી એકપણ છોકરો પસંદ ન આવતા તેને સ્પષ્ટ ના પાડી દીધી હતી. જે પછી લગ્ન કરાવવા દલાલીનું કામ કરતા પરેશભાઇ નામની વ્યક્તિ પાસે પુષ્પાબેન યુવતીને લઈ ગયા હતા. જ્યાં એક છોકરા સાથે લગ્નનું નક્કી કરીને પરેશભાઈએ રૂ.૧૦ હજાર યુવક પાસેથી લીધા હતા. તેમણે યુવકને દિવાળી પછી લગ્ન કરવાનું કહ્યું હતું. પરંતુ લગ્ન કરાવ્યાં ન હતાં.
જે પછી યુવતિને હાથીજણ ખાતે સવિતાબેન નામની મહિલાને ત્યાં લઈ ગયા હતા. થોડા દિવસ બાદ તેને પાલનપુરમાં એક દલાલના ઘરે લઈ ગયા હતા જ્યાં યુવતીને જાણ થઈ હતી કે આ લોકો લગ્નના બહાને પૈસા લઈ યુવતીઓને વેચી દે છે. જેથી યુવતીએ ત્યાંથી જવાનું કહેતા તેને ધમકી આપી હતી.
ગત 13 નવેમ્બર એટલે મંગળવારે ગીતાબેન સહિત પાલનપુરના ચાર લોકો યુવતીને ડીસા ચાર રસ્તા પાસે કારમાં લઈ ગયા હતાં. જ્યાં રાજસ્થાનના ઉંમરલાયક યુવક બતાવ્યો હતો. યુવતીએ લગ્નની ના પાડતા ગીતાબેને તેનો 1.10 લાખમાં સોદો કર્યો હોવાનું કહી રાજસ્થાનના લોકો સાથે જવા કહ્યું હતું.
બળજબરીથી તે લોકો યુવતિને ગાડીમાં બેસાડી અને રાજસ્થાન લઈ જવા નીકળ્યા હતા ત્યારે થોડે દુર રસ્તામાં પોલીસ દેખાતા યુવતીએ બચાવો બચાવોની બુમો પાડી હતી. પોલીસે તે સાંભળી પીછો કરી અને ઝડપી લીધા હતાં. ધાનેરા પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ કરતા યુવતીએ તમામ હકીકત જણાવી હતી. જેથી પોલીસે નિકોલ પોલીસને જાણ કરતા પોલીસે યુવતીની ફરિયાદ લઈ અમદાવાદના ત્રણ દલાલ, પાલનપુરના ચાર અને રાજસ્થાનના સાત લોકો વિરુદ્ધ ગુનો નોંધી આઠથી વધુ લોકોની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.