હાર્દિક પટેલને સોલા સિવિલમાંથી શિફ્ટ કરી છારોડી પાસે નિરમા યુનિવર્સિટી સામે આવેલી સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થા SGVPની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ સોલા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. ત્યારે પાસ કન્વીર મનોજ પનારાએ જણાવ્યું હતું કે, હાર્દિકે ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
હાર્દિકે જ ખાનગી હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું
પનારાએ કહ્યું હતું કે, ‘અમને શંકા છે કે, આ ઘાતકી સરકાર હાર્દિકને સરકારી હોસ્પિટલમાં નુકસાન પહોંચાડી શકે છે. ભૂતકાળમાં આંદોલનોને દબાવવા ઘણા આંદોલનકારીઓને મારી નાખવામાં આવી ચૂક્યા છે. અમને પણ હાર્દિક મામલે આવું જ થવાની બીક છે. એટલે અમે હાર્દિકને ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવાનું ઈચ્છી રહ્યા છીએ.’
તેવર હજુય યથાવત
આ પહેલા જ્યારે હાર્દિકને સોલા સિવિલમાં લઈ જવાયો ત્યારે હોસ્પિટલમાંથી હાર્દિકે ટ્વીટ કર્યું છે કે, તબિયત બગડવાને કારણે મને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. શ્વાસ લેવામાં પરેશાની થઈ રહી છે, કિડનીને નુક્સાન થયાનું પણ કહેવાઈ રહ્યું છે. પરંતુ હજુ સુધી ભાજપવાળા ખેડૂતો અને પાટીદારોની માગ માનવા તૈયાર નથી.
‘હાર્દિક અને ટીમે પાટીદાર આગેવાનોનું અપમાન કર્યું’
હાર્દિકને હોસ્પિટલમાં ખસેેડાયા બાદ ઊર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું કે, હાર્દિકને તમામ પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે. સાથે જ તેમણે કહ્યું કે, સરકારે પાટીદારોની છએ છ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો સાથે વાતચીત કરી છે અને તેઓ કહેશે ત્યારે વાતચીત માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, હાર્દિક અને તેમની ટીમે પાટીદાર ધાર્મિક સંસ્થાઓના આગેવાનોનું અપમાન કર્યું છે. તેમજ તેમણે ‘પાસ’ સાથે વાતચીત માટે પણ સરકાર તૈયાર હોવાનું જણાવતા કહ્યું કે, ‘પાસ’ તરફથી વાતચીત માટે સરકાર સમક્ષ એકપણ વખત રજૂઆત કરવામાં આવી નથી.
તેમણ કહ્યું કે, સમાજના આગેવાનોએ કહ્યું ત્યારે અમે મિટિંગ કરી છે અને મુખ્યમંત્રી અહીં નહીં હોય તો અમે મંત્રીઓ અહીં જ છીએ અને સમાજના આગેવાનો ઈચ્છે ત્યારે અમને મળવામાં કોઈ વાંધો નથી. આ ઉપરાંત સૌરભ પટેલે કોંગ્રેસને આડેહાથ લેતા કહ્યું કે, 50 ટકાની મર્યાદામાં કઈ રીતે અનામત આપી શકાય તે અંગે કોંગ્રેસે તેનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવું જોઈએ.
ચાર મંત્રીઓની કમિટી નરેશ પટેલ સાથે કરશે મિટિંગ
દરમિયાનમાં જાણવા મળ્યા મુજબ, સરકાર અને હાર્દિક પટેલ વચ્ચે મધ્યસ્થી બનવા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે તૈયારી દર્શાવ્યા બાદ સરકાર તરફથી કાયદામંત્રી પ્રદીપસિંહ જાડેજા, ઊર્જા મંત્રી સૌરભ પટેલ, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા એમ ચાર મંત્રીઓની એક કમિટી બનાવી છે, જે આવતીકાલે નરેશ પટેલ સહિતના પાટીદાર અાગેવાનો સાથે હાર્દિકની માગણીઓને લઈને વાતચીત કરશે.
સરકાર ફોન કરીને જણાવે ક્યારે વાત કરવી છે: પાસ
સૌરભ પટેલ દ્વારા વાતચીત માટે તૈયારી હોવાનું કહેવામાં આવ્યા બાદ, પાસના કન્વીનર મનોજ પનારાએ કહ્યું કે, ‘જો સરકાર વાતચીત માટે તૈયાર હોય તો સરકારના કોઈ મંત્રી કે અધિકારી દ્વારા મને પર્સનલ નંબર પર ફોન કે મેસેજ કરીને સમય અને સ્થળ જણાવવામાં આવે. અમે પણ વાતચીત કરવા તૈયાર છીએ.’
શ્વાસ લેવામાં તકલીફ
હાર્દિક પટેલને આજે શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પાસના કન્વિનર મનોજ પનારાના જણાવ્યા અનુસાર, હાર્દિકે શ્વાસ લેવામાં તકલીફ થવાની ફરિયાદ કરતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પનારાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, હાર્દિક પોતાના ઉપવાસ ચાલુ રાખશે.
હોસ્પિટલમાં પહેલાથી જ વ્યવસ્થા કરાઈ દીધી હતી
ઉપવાસના 14મા દિવસે હાર્દિક પટેલને સોલા સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરી દેવા માટેની વ્યવસ્થા અગાઉ જ ઉભી કરી દેવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સોલા સિવિલમાં સામાન્ય દર્દીઓને કોઈ તકલીફ ન પડે તે માટે હાર્દિકને છઠ્ઠા માળે ટ્રીટમેન્ટ આપવાની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. સોલા સિવિલની ટીમ અને એક કિડની એક્સપર્ટ પણ હાર્દિકના ઘરે હાજર રખાઈ હતી.
હાર્દિક અનશન પૂરા કરે તો પણ તેને હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ આપવી જરુરી હતી. કારણકે, 14 દિવસ સુધી ભૂખ્યા રહ્યા બાદ તેને શરુઆતમાં માત્ર લિક્વિડ જ આપવામાં આવશે. તેના શરીરમાં ગ્લૂકોઝનું પ્રમાણ ઘટી ગયું હોવાથી તેને ગ્લૂકોઝના બાટલા ચઢાવાશે. થોડા દિવસની ટ્રીટમેન્ટ બાદ હાર્દિકની સ્થિતિ નોર્મલ થયા બાદ તેને હોસ્પિટલમાંથી રજા અપાશે.
અનશન પૂરા કરે તે પહેલા જ હોસ્પિટલમાં
હાર્દિકને અનશન સમાપ્ત કરાવવા ખુદ ખોડલધામના નરેશ પટેલ મેદાને આવ્યા છે, અને તેમણે હાર્દિક સાથે મુલાકાત પણ કરી છે. સૂત્રોનું માનીએ તો, હાર્દિક આજે અનશન પૂરા કરે તેવી પૂરી શક્યતા છે અને આ માટેની તમામ વ્યવસ્થા પણ કરી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલે જાહેરાત કરી હતી કે, હાર્દિકે તેમને બોલાવ્યા ન હોવા છતાં પાટીદાર સમાજના આગેવાન તરીકે તેઓ તેની સાથે મુલાકાત કરશે, અને તેને ઉપવાસ છોડવા સમજાવશે.
અનશન પૂરા થાય પછી થશે ચર્ચા?
ત્રણ માગો સાથે આમરણાંત ઉપવાસ પર બેઠેલો હાર્દિક જો અનશન પૂરા કરે તો તેની માગણી અંગે સીએમ સાથે વાત કરવા પણ નરેશ પટેલે તૈયારી બતાવી છે. બીજી તરફ, હાર્દિક પોતે અનેકવાર કહી ચૂક્યો છે કે જ્યાં સુધી તેની ત્રણ માગ નહીં સંતોષાય ત્યાં સુધી તે ઉપવાસ નહીં છોડે. જો તેને જબરજસ્તી હોસ્પિટલમાં દાખલ કરાશે તો તે ત્યાં પણ અનશન ચાલુ રાખશે.