શું તમે ક્યારેય વિચાર્યું છે કે નવરંગપુરાનું નામ કેવી રીતે પડ્યું? કે પછી શાહીબાગ નામ કોણે પાડ્યું હશે? મીઠાખળી નામ કોના દિમાગમાં આવ્યું હશે? અમદાવાદમાં દરેક વિસ્તારના નામ પાછળ કોઈને કોઈ રસપ્રદ કિસ્સો રહેલો છે. જાણો અમદાવાદના જાણીતા વિસ્તારના નામ કેવી રીતે પડ્યા.
શાહીબાગઃ
શહેનશાહ શાહજહાંએ 1630માં દુકાળ પડ્યો ત્યારે રાહત કાર્ય માટે આ વિસ્તાર બનાવ્યો હતો. અહી 12 બુરજ (કિલ્લા) આવેલા હતા અને તેની અંદર રાજા તથા તેના અધિકારીઓ માટે મહેલો, કમાનો, બાગ બગીચા બનાવવામાં આવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે શાહજહાંએ શાહીબાગ તો બનાવ્યો પરંતુ પ્રવેશ દ્વાર નીચો હોવાથી તે તેમાં હાથી પર બેસીને પ્રવેશી શક્યો નહતો. આથી તે મોં ફેરવીને ગુસ્સામાં જતો રહ્યો હતો અને પછી ક્યારેય આ વિસ્તારમાં આવ્યો નહતો. પ્રવેશ દ્વાર ફરી બન્યો ત્યાં સુધીમાં તો સત્તા બદલાઈ ચૂકી હતી અને શાહજહાંનો પુત્ર ઔરંગઝેબ સત્તા પર આવી ગયો હતો. કપિલ રાય મહેતાએ એડિટ કરેલા પુસ્તક અમદાવાદ 1958 મુજબ શાહજહાં ફરી ક્યારેય અમદાવાદ આવ્યો નહતો.
મીઠાખળીઃ
મીઠાખળી અગાઉ ચંગીઝપુર તરીકે જાણીતુ હતુ. તે મહેમૂદના ગુલામ ચંગીઝખાને બનાવ્યું હતું. આ વિસ્તારમાં મીઠુ એટલે કે નમક વિપુલ માત્રામાં ઉપલબ્ધ હતુ. આ વિસ્તારમાં મીઠાના અનેક ખળા હોવાને કારણે તેનું નામ મીઠાખળી પડી ગયુ હતુ.
કોચરબ-પાલડીઃ
આ વિસ્તારનું નામ દેવી કોચ્ચરવાના નામ પરથી પડ્યું છે. કરણદેવ સોલંકી આ વિસ્તારના સ્થાપક હતા.
સી.જી રોડઃ
આ રોડનું નામ શહેરના અગ્રણી મોભી ચીમનલાલ ગિરધરલાલના નામ પરથી પડ્યું છે.
પ્રિતમનગરઃ
આ અમદાવાદની સૌપ્રથમ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી હતી અને તેનું નામ સરદાર પટેલે સોસાયટી બાંધનાર પ્રિતમરાય વ્રજરાય દેસાઈના નામ પરથી પાડ્યું હતું.
આંબાવાડીઃ
આંબાવાડી એટલે આંબાના અઢળક ઝાડ હોય તે વિસ્તાર. આ વિસ્તારમાં અનેક આંબા હોવાથી તેનું નામ આંબાવાડી પડ્યું હતુ પરંતુ હવે આ વિસ્તારમાં આંબા નથી રહ્યા.
સેટેલાઈટઃ
ઘણાને એવુ લાગે છે કે આ વિસ્તાર નવુ અમદાવાદ હોવાને કારણે તેનું નામ સેટેલાઈટ પાડવામાં આવ્યું છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે અહીં ISROની સ્થાપના થતા વિસ્તારનું નામ સેટેલાઈટ પડી ગયુ હતુ.
આસ્ટોડિયાઃ
એવી ધારણા છે કે આ વિસ્તારમાં આસ્ટોડિયન, અસોરિયમ નામનું સબર્બ હતુ. તેના પરથી આસ્ટોડિયા દરવાજા નામ પાડવામાં આવ્યું છે.
કાંકરિયાઃ
કાંકરિયાનો અર્થ થાય છે બહુ કાંકરા વાળી જગ્યા. સુલતાન કુતુબુદ્દીન તેના સાવકા ભાઈ ફતેહ ખાનને મારવા માંગતો હતો. તેનો સાવકો ભાઈ તેની માતા બીબી મોઘલી સાથે હઝરત ઈ શાહ એલાનની નજરબંધીમાં હતો. સુલતાને તળાવ અને નગીના વાડી બનાવાનું શરૂ કર્યું. તેને આશા હતી કે ફતેહ ખાન ત્યાં ફરવા આવશે તો તે તેને કેદ કરી લેશે પરંતુ શહેઝાદો એ વિસ્તારમાં ક્યારેય આવ્યો જ નહિં. હઝરત-ઈ-શાહ આલમ ખોદકામ ચાલતુ હતુ ત્યારે આ વિસ્તારમાંથી પસાર થયા હતા અને તેમને પગમા કાંકરો વાગતા બોલી ઉઠ્યા હતા કે કેવો કાંકરો છે! આ ઘટના પરથી તળાવનું નામ કાંકરિયા પાડવામાં આવ્યું હતું.
મણિનગરઃ
એક વખત અમદાવાદમાં સૌથી વધારે બાગ આ વિસ્તારમાં હતા. આ વિસ્તાર શેઠ મણિલાલ રણછોડલાલની યાદમાં માણેકલાલ મણિલાલ અને છોટાલાલ કેશવલાલ દ્વારા સ્થાપવામાં આવ્યો હતો. આ વિસ્તાર મુંબઈની સરકારના સર્વેયર એ.ઈ મીરા અને કમિશનર એફ.જી પ્રત તથા ચેટફિલ્ડના કલેક્ટર દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.
નવરંગપુરાઃ
ઔરંગઝેબના સુબા નવરંગમિયાંના નામ પરથી આ વિસ્તારનું નામ પડ્યુ છે. આ વિસ્તાર લગભગ 240 વર્ષ પહેલા બાંધવામાં આવ્યો હતો.
ઉસ્માનપુરાઃ
આ વિસ્તાર કુતુબ-ઈ-આલમના વારસદાર સૈયદ ઉસ્માન દ્વારા સ્થાપવામાં આવ્યો હતો. આ વિસ્તાર ઘી અને ભારતીય ઔષધોના વેપાર માટે જાણીતો હતો.
સરસપુરઃ
અમદાવાદનું આ સૌથી મોટુ સબર્બ હતુ. આ વિસ્તારનો કિલ્લો 1848માં બાંધવામાં આવ્યો હતો. તે સારુ હોવાથી આ વિસ્તારને સરસપુર નામ આપવામાં આવ્યું હતું.
કાળુપુરઃ
મહેમુદ બેગડાના અમીર અબા હાજી કાળુના નામ પરથી આ વિસ્તારનું નામ પાડવામાં આવ્યું છે.