ભાદર નદીમાં પ્રદુષણ મુદ્દે જળ સમાધિ લે તે પહેલા અટકાયત કરાયેલા લલિત વસોયાની ડીવાયએસપી કચેરી લઈ જવામાં આવ્યા છે. લલિત વસોસા સાથે ભાદર બચાવો ડેમમાં ઉપસ્થિત રહેનારા હાર્દિક પટેલને પણ ડીવાયએસપી કચેરીએ લઈ જવાયો છે. ત્યારે ડીવાયએસપી કચેરીએ લોકોના ટોળે ટોળે ઉમટી પડ્યા છે..ભૂખી ગામે ભાદર બચાવો અભિયાનની મહાસભા બાદ બંને નેતાઓની અટકાયત બાદ જ ગ્રામજનોનો રોષ જોવા મળી રહ્યો છે. જેતપુર ડીવાયએસપી કચેરી પણ સમર્થકો ઉમટી પડ્યા. આ અટકાયતને લલિત વસોયાએ ગેરકાયદસર ગણાવી હતી.તેમજ હું છુટીને ફરીથી આંદોલન શરૂ કરીશ તેમ કહ્યુ છે. આ કાર્યક્રમમાં અટકાયત કરાયેલા હાર્દિક પટેલે કહ્યુ કે,મને કાર્યક્રમ સ્થળે ન જવા માટે રૂપિયા 50 લાખની ઓફર થઈ હતી અને લલિત વસોયાના એક કરોડની ઓફર થઈ હોવાનો પણ હાર્દિક પટલે આરોપ લગાવ્યો છે.
જેતપુરના ભૂખી ગામે ભાદર બચાવો અભિયાન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પર પ્રહાર કર્યો હતો.તેમણે કહ્યુ કે, જળસમાધિ લેવાની મને ઈચ્છા નથી.પરંતુ પ્રજાના પ્રશ્ને જે કાંઈ કરવુ પડશે તે કરીશ.તેમણે કહ્યુ કે મારો વિરોધ જેતપુરના ઉદ્યોગપતિઓ સામે નથી..પરંતુ પ્રદુષિત પણી ઠાલવવામાં આવે છે તેની સામે છે. લલિત વસોયાએ કહ્યુ કે ભાદર નદીમાં પ્રદુષણએ પ્રજાનો પ્રશ્ન છે અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે લોકોના પ્રશ્ને આગળ આવવુ તે મારી ફરજ છે..ભાદરના પાણી પીવાલાયક ન હોવા છતાં તે પીવા માટે આપવામાં આવે છે..પ્રદુષિત પાણીને લઈને મુખ્ય પ્રધાનથી માંડીને સંલગ્ન અધિકારીઓ સુધી વાતચીત કરી છે. છેલ્લે રાજ્યપાલને પણ રજૂઆત કરી..જોકે હજુ સુધી આ પ્રસ્નો ઉકેલાયો નથી.
અટકાયત બાદ લલિત વસોયાએ કહ્યું-‘જામીન પર છૂટીને ફરી જળસમાધિ કાર્યક્રમ કરીશ’
વસોયાની સાથે સાથે તેમને સમર્થન આપનારા તમામ કોંગ્રેસના ધારાસભ્યોની પણ અટકાયત કરી લેવામાં આવી છે. ધોરાજીના ભૂખી ગામ ખાતે જળસમાધિની જીદ લઈને બેઠેલા લલિત વસોયાએ હાજર લોકોને સંબંધોન કરીને જળસમાધિ લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓ જળસમાધિ લે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. આ દરમિયાન ધારાસભ્ય અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. અટકાયત બાદ લલિત વસોયાએ કહ્યું કે, “હું જામીન પર છૂટીને ભવિષ્યમાં ફરીથી જળસમાધિ કાર્યક્રમ કરીશ. જ્યાં સુધી સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવે ત્યાં સુધી મારી લડત ચાલુ જ રહેશે. મારા સમર્થનમાં આવેલા ધારાસભ્યોની પણ અટકાયત કરવામાં આવી છે તે કાયદા વિરુદ્ધ છે. જળસમાધિ હું લઈ રહ્યો હતો તો મારી જ અટકાયત થવી જોઈએ, મારા સમર્થકોની નહીં.”
અટકાયત બાદ હાર્દિક જણાવ્યું હતું કે, “25મી ઓગસ્ટના રોજ અમારા ઉપવાસ કાર્યક્રમને રોકવા માટે સરકારના ઈશારે મારી ધરપકડ કરવામાં આવી હોઈ શકે છે. હું ફક્ત સમર્થન માટે આવ્યો હતો અને મને ગાડીમાં બેસાડી દેવામાં આવ્યો છે. હવે અમે ખેડૂતોના મુદ્દે આગામી સમયમાં મોટા કાર્યક્રમો કરીશું. સરકારે હંમેશા પોલીસનો દુરુપયોગ કર્યો છે. જનતા સમય આવ્યો સરકારને જવાબ આપશે.”
ભાદરનું પાણી પશુઓને પણ પીવાલાયક નથી:
આ કાર્યક્રમ પહેલા તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે તેમનો કાર્યક્રમ ચાલુ જ રહેશે. જો તેમને અટકાવવામાં આવશે તો પણ તેઓ જળસમાધિ લેશે. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે ભાદર નદીનું પાણી મનુષ્યો તો ઠીક પશુઓને પણ પીવાલાયક નથી.
અનેક રજુઆતો છતાં પગલાં નથી લેવાતા:
લલિત વસોયાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, “ભાદર નદીમાં જેતપુરના ડાઇંગ અને પ્રિન્ટિંગના યુનિટો દ્વારા પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યું છે. કલર, કેમિકલ અને એસિડયુક્ત પાણી ભાદર નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. આ પાણી ભાદર -2 ડેમમાં આવે છે.
આ ડેમમાંથી ધોરાજી, માણવદર અને કુતિયાણા વિસ્તારને પીવા માટે પાણી પૂરું પાડવામાં આવે છે તેમજ ધોરાજી વિસ્તારામં સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. આ મામલે ધારાસભ્ય બન્યા બાદ અનેક રજુઆતો કરવામાં આવી છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી.”
કોઇ અધિકારી મળવા નથી આવ્યો:
“જળસમાધિની ચીમકી બાદ પણ સરકાર કે તંત્રના કોઈ અધિકારીઓ મારી સાથે વાતચીત કરવાનો કે મને રોકવાનો પ્રયાસ નથી કર્યો. આ પાણીને કારણે આસપાસના ગામોના લોકોને કેન્સર, ચામડી અને કિડનીના અસહ્ય રોગો થાય છે. આવા પાણીથી જમીનને પણ ખૂબ નુકસાન થાય છે. રાજકીય દબાણને કારણે ડાઇંગ અને પ્રિન્ટિંગના યુનિટો સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. જ્યારે આ અંગે રજુઆત થાય છે ત્યારે નાના અને નિર્દોષ એકમોને ક્લોઝર નોટિસ આપી દેવામાં આવે છે, પરંતુ મોટા મગરમચ્છો બચી જાય છે.”
સરકારની મેડિકલ ટીમે આપ્યો હતો રિપોર્ટ:
“ભાદર જૂથ યોજના બની ત્યાર બાદ અહીં આસપાસના 52 જેટલા ગામમાં લોકોને ચામડી, કેન્સર અને કિડનીના રોગોનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદથી આવેલી મેડિકલની ટીમે પણ રિપોર્ટ આપ્યો હતો કે ધોરાજીના તાલુકાઓમાં આ પાણી પીવાથી ચામડીના રોગોનું પ્રમાણ વધ્યું છે. એક એક ગામમાં ચામડીના રોગથી પીડાતા 50થી વધારો લોકો છે. આ પાણી પશુઓને પણ પીવાલાયક નથી.”
હાર્દિક પટેલ સાથે આવ્યો તેનો આનંદ :
“મારા આ કાર્યક્રમને હાર્દિક પટેલે પણ સમર્થન આપ્યું છે તેનો મને આનંદ છે. તેણે પણ જળસમાધિની જાહેરાત કરી છે. મને તરતા નથી આવડતું, પરંતુ લોકોના પ્રશ્ને કોઈને ડૂબાડવા પડશે તો હું ચોક્કસ ડૂબાડીશ. મને જળસમાધિ લેતા રોકવામાં આવશે તો હું પ્રતિકાર કરીને પણ આ કાર્યક્રમ ચાલુ રાખીશ. હું લોકોના પ્રશ્નો કોઈ રાજકારણ કરવા માંગતો નથી. મારું આ અભિયાન બિનરાજકિય છે. હું માનું છું કે આ વિસ્તારના કેબિનેટ મંત્રી આ યુનિટોને બચાવી રહ્યા છે. તેમના કારણે જ કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યા.”