સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના જેફ હેનકૉક ક્લાસમાં જે કન્સેપ્ટની ચર્ચા કરી હોય તેનો જાત અનુભવ વિદ્યાર્થીઓ લઈ શકે તે પ્રકારનાં અસાઇન્મેન્ટ્સ વીકેન્ડમાં પોતાના વિદ્યાર્થીઓને આપતા રહેતા.
વર્ષ 2008 પહેલાં તેઓ પોતાના વિદ્યાર્થીઓને કહેતા કે 48 કલાક સુધી ઇન્ટરનેટથી બિલકુલ દૂર રહો.
બાદમાં કેવો અનુભવ રહ્યો તેની ચર્ચા પણ કરતા હતા.
હેનકૉકે એક વર્ષની રજા લીધી હતી અને 2009માં ફરી ભણાવવા આવ્યા ત્યાં સુધીમાં સ્થિતિ બહુ બદલાઈ ગઈ હતી.
“આ વખતે મેં ઇન્ટરનેટ માટેની આવી ટાસ્ક આપી તો આખા ક્લાસે બળવો કર્યો,” એમ હેનકૉક કહે છે.
ઑન લાઇન કમ્યુનિકેશન્સ સાથે સંકળાયેલી માનસિક અને સામાજિક પ્રક્રિયાનો અભ્યાસ કરી રહેલા હેનકૉક કહે છે, “વિદ્યાર્થીઓએ ભારપૂર્વક કહ્યું કે આવું અસાઇન્મેન્ટ કરવું અશક્ય છે અને અયોગ્ય છે.”
વિદ્યાર્થીઓની દલીલ હતી કે શનિ-રવિમાં ઑફ લાઇન થઈ જવાથી તેમના બીજા ક્લાસનું કામ અટકી પડે તેમ છે.
સોશિયલ લાઇફ અટકી પડે અને મિત્રો અને સગાં ચિંતામાં પડી જાય છે આમને શું થયું હશે.
વિદ્યાર્થીઓની વાત હેનકૉકે માનવી પડી અને વીકેન્ડ માટેની ઇન્ટરનેટ બંધ કરી દેવાની એક્ટિવિટી જ બંધ કરી દેવી પડી.
તે પછી ફરી ક્યારેય તેમણે વિદ્યાર્થીઓને આ પ્રકારનું અસાઇન્મેન્ટ આપ્યું નથી.
“હું આ 2009ની વાત કરી રહ્યો છું. હવે મોબાઇલનો વ્યાપ એટલો વધ્યો છે, કે ઇન્ટરનેટ બંધ કરવાનું કહું તો તેઓ મારી ફરિયાદ લઈને સીધા યુનિવર્સિટીના વડા પાસે જ પહોંચે.”
આપણે સતત કનેક્ટ રહેવાની લાઇફસ્ટાઇલ અપનાવી લીધી છે, ત્યારે આ પ્રશ્ન વધારે પ્રસ્તુત બની ગયો છે – જો ઇન્ટરનેટ એક દિવસ માટે બંધ થઈ જાય તો શું થાય?
જોકે તમે ધારો છો એવો જવાબ તમને કદાચ ના પણ મળે. 1995માં દુનિયાના એક ટકા લોકો જ ઑન લાઇન હતા.
તે વખતે ઇન્ટરનેટ વિશે કુતૂહલ હતું અને મોટા ભાગે પશ્ચિમના લોકો તે વાપરતા હતા. સીધા 20 વર્ષ આગળ આવો અને જુઓ કે આજે 350 કરોડ લોકો પાસે ઇન્ટરનેટ કનેક્શન છે.
દુનિયાના અડધોઅડધ લોકો પાસે ઇન્ટરનેટ આવી ગયું છે. તેની સંખ્યા ઝડપથી વધી રહી છે – દર સેકન્ડે 10 લોકો ઑન લાઇન થઈ રહ્યા છે.
પ્યૂ રિસર્ચ સેન્ટરના જણાવ્યા અનુસાર 20 ટકા અમેરિકનો એવું કહે છે કે તેઓ ‘લગભગ સતત’ ઇન્ટરનેટ વાપરે છે. 73% લોકો કહે છે કે તેઓ દરરોજ તેનો ઉપયોગ કરે છે.
યુકેના આંકડા પણ આવા જ છેઃ 2016માં થયેલા સર્વે અનુસાર 90 ટકા પુખ્તવયના લોકોએ કહ્યું હતું કે તેમણે વિતેલા અઠવાડિયામાં ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો હતો.
મોટા ભાગના લોકો માટે ઇન્ટરનેટ વિનાના જીવનની કલ્પના કરવી જ હવે અશક્ય બની ગઈ છે.
“ઇન્ટરનેટની સૌથી મોટી સમસ્યા આજે એ છે કે મોટા ભાગના લોકોએ તેને બહુ સહજ ગણી લીધું છે. લોકોને એનો જરા અંદાજ પણ નથી કે આપણા જીવનમાં દરેક પાસાં સાથે આપણે કઈ હદે ઇન્ટરનેટને વણી લીધું છે,” એમ મિશિગન યુનિવર્સિટીના વિલિયમ ડ્યૂટોન કહે છે.
સોસાયટી ઍન્ડ ધ ઇન્ટરનેટ નામનું પુસ્તક લખનારા ડ્યૂટોન કહે છે, “ઇન્ટરનેટ નહીં હોય તેવી લોકો કલ્પના પણ નથી કરતા.”
ઇન્ટનેટ બંધ જ ના થાય તેવું પણ નથી. થિયરીમાં ગમે ત્યારે ઇન્ટરનેટને તમારી પાસેથી હટાવી શકાય છે.
રાષ્ટ્રીય સ્તરે કે વૈશ્વિક સ્તરે નિશ્ચિત સમય માટે ઇન્ટરનેટ બંધ થઈ શકે છે. સાયબર એેટેકને કારણે આવું થાય તે એક શક્યતા છે.
બદમાશ હૅકર્સ અસુરક્ષિત રાઉટર પર એટેક કરીને તેને અટકાવી શકે છે. રાઉટર જ ઇન્ટરનેટ પરનો ટ્રાફિક એકથી બીજા સુધી મોકલવાનું કામ કરે છે.
વેબસાઇટના નામની યાદી ધરાવતા, ઇન્ટરનેટના એડ્રેસ બૂક જેવા ડૉમૅન નેમ સર્વર્સને અટકાવી દેવાય તો પણ મોટા પાયે વિક્ષેપ પડી શકે છે. તેના કારણે કોઈ વેબસાઇટ જોવાનું શક્ય જ ના રહે.
એક ખંડથી બીજા ખંડ સુધી દરિયાના પેટાળમાં વિશાળ કેબલ નાખવામાં આવેલા છે, જેના કારણે દુનિયાભરમાં અઢળક ઇન્ટરનેટ ટ્રાફિક શક્ય બને છે.
આવા કોઈ કેબલને કાપી નાખવામાં આવે તો જગતનો એક હિસ્સો બાકીના હિસ્સા સાથે ઇન્ટરનેટથી જોડાઈ શકે નહીં.
દરિયાના તળિયે પડેલા કેબલને કાપવો મુશ્કેલ હોય છે, પણ ક્યારેક અકસ્માતે કેબલને નુકસાન થાય છે.
2008માં સબમરીન કેબલ કપાઈ જવાના કે તેમાં ગરબડ થવા ત્રણેક પ્રસંગે મધ્ય પૂર્વ, ભારત અને અગ્નિ એશિયાના વિસ્તારમાં ઇન્ટરનેટની સેવામાં મોટું ગાબડું પડ્યું હતું.
કેટલીક સરકારોએ ‘કિલ સ્વીચ’ પણ રાખેલી છે, જેને બંધ કરીને પોતાના દેશને ઇન્ટરનેટથી અળગો કરી શકાય છે.
2011માં આરબ સ્પ્રિંગ નામે સરકાર વિરોધી તોફાનો મોટા પાયે થવા લાગ્યા ત્યારે ઇજિપ્તે આ રસ્તો અપનાવ્યો હતો અને ઇન્ટરનેટ બંધ કરી દીધું હતું.
વિરોધ પ્રદર્શનો વખતે તુર્કી અને ઈરાને પણ ઇન્ટરનેટ કનેક્ટિવિટી અટકાવી દીધી હતી.
અમેરિકાના સેનેટરોએ દરખાસ્ત કરી છે કે અમેરિકામાં પણ આવી કિલ સ્વીચની વ્યવસ્થા હોવી જોઈએ, જેથી સંભવિત સાયબર એટેકને ટાળી શકાય.
જોકે ‘કિલ સ્વીચ’ તૈયાર કરવી સહેલી નથી. દેશ જેટલો વધારે વિશાળ અને વધુ વિકસિત, તેમ ઇન્ટરનેટ બંધ કરી દેવાનું કામ મુશ્કેલ બનતું જાય છે.
દેશની અંદર અને વિદેશ સાથે જોડાયેલાં એટલાં બધાં નેટવર્ક્સ અને કનેક્શન્સ આવા દેશમાં હોય છે કે બંધ કરી દેવા મુશ્કેલ બને.
જોકે સૌથી મોટો ઝટકો અંતરિક્ષમાંથી આવી શકે છે. વિશાળ કદનું સોલર સ્ટૉર્મ પેદા થાય અને પૃથ્વી તરફ તેના શક્તિશાળી મોજાં ફેલાય તો સેટેલાઇટ્સ, પાવર ગ્રીડ્સ અને કમ્પ્યૂટર્સ નેટવર્ક પડી ભાંગી શકે છે.
“બૉમ્બ કે ત્રાસવાદ જે ના કરી શકે તે ક્ષણવારમાં સોલર ફ્લેર કરી શકે છે,” એમ ડેવિડ ઇગલમેન કહે છે.
સ્ટેનફોર્ડના ન્યૂરોસાઇન્ટિસ્ટ ઇગલમેને ‘વ્હાય ધ નેટ મેટર્સ’ નામનું પુસ્તક લખ્યું છે. તેમણે કહ્યું કે, “ગમે ત્યારે મોટું જીઓમેગ્નેટિક સ્ટોર્મ આવી શકે છે.”
જોકે મોટા ભાગના કિસ્સામાં આવો અવરોધ થોડીવાર માટે જ હોય છે.
યુનાઇટેડ સ્ટેટ્સ સાયબર કોન્સક્વન્સિઝ યુનિટ નામની એનજીઓમાં કામ કરતા સ્કોટ બોર્ગ કહે છે, “આવા વિક્ષેપ પછી તેને ફરી ચાલુ કરી દેવા માટે કામ કરનારાની વિશાળ ફોજ તૈયાર જ છે.”
“ઇન્ટરનેટ સર્વિસ આપતી કંપનીઓ અને રાઉટર આપનારી કંપનીઓ પાસે તાલીમ પામેલા કર્મચારીઓ છે. કોઈ જગ્યાએ ગરબડ થાય તો પણ આ લોકો તરત તેને ઠીક કરી દે છે.”
આપણે સતત ઇન્ટરનેટથી એટલા ટેવાઈ ગયા છીએ કે થોડીવાર માટે પણ તે બંધ થાય તો તેની અસર થઈ શકે છે.
જોકે આવી અસર તમારી ધારણા જેટલી કદાચ ના પણ થાય.
સૌપ્રથમ તો અર્થતંત્ર પર તેની બહુ ખરાબ અસર કદાચ ના પણ થાય.
2008માં અમેરિકાના ગૃહ વિભાગે બોર્ગને કામ સોંપ્યું હતું કે ઇન્ટરનેટ બંધ થાય તો શું થાય તેનો અહેવાલ તૈયાર કરે.
બોર્ગ અને તેમના સાથીઓ 2000ની સાલથી કમ્પ્યૂટર અને ઇન્ટરનેટ થોડીવાર માટે બંધ થઈ જાય ત્યારે તેનાથી અર્થતંત્રને શું અસર થાય છે, તેની તપાસ કરતા રહ્યા છે.
સન આઉટેજને કારણે સૌથી વધુ અસર થયાનો દાવો કરનારી 20 કંપનીઓના ત્રિમાસિક રિપોર્ટ્સની ચકાસણી કરવામાં આવી હતી.
સરખામણી માટે અન્ય રિપોર્ટ્સની પણ ચકાસણીમાં કરવામાં આવી. સરખામણી પછી ખ્યાલ આવ્યો કે આઉટેજને કારણે બહુ નગણ્ય એવું નુકસાન થયું હતું.
તેઓએ ચારેક દિવસ સુધી ચાલેલા વિક્ષેપના કિસ્સાઓમાં જ તપાસ કરી હતી અને તેમાં કોઈ મોટું નુકસાન દેખાયું નહોતું
બોર્ગ કહે છે, “કેટલાક કિસ્સામાં બહુ મોટું નુકસાન થયાનો દાવો કરવામાં આવી રહ્યો હતો – લાખો અને કરોડો ડૉલરનું નુકસાન થયાનું કહેવાતું હતું.”
તેમણે કહ્યું “હોટેલ, એરલાઇન્સ અને બ્રોકરેજ જેવી કંપનીઓને અસર થઈ હતી ખરી, પણ તેમનેય કંઈ બહુ મોટું નુકસાન થયું નહોતું.”
એવું જણાયું હતું કે ઇન્ટરનેટ બંધ થઈ જવાને કારણે કેટલાક કામોમાં વિલંબ થતો હતો.
“લોકોએ જે કામ તાત્કાલિક કરી નાખ્યું હોત, તે કામ ઇન્ટરનેટ કનેક્શન ના હોવાના કારણે બે કે ત્રણ દિવસ બાદ કર્યું હતું,” એમ બોર્ગ કહે છે.
તેઓ ઉમેરે છે, “હોલીડે સાથે વીકેન્ડને કારણે લાંબો ગાળો પડે ત્યારે તેને કઈ રીતે સંભાળવો તેની વ્યવસ્થા અર્થતંત્રમાં ગોઠવાયેલી જ છે.”
કેટલાક કિસ્સાઓમાં ઇન્ટરનેટ બંધ કરી દેવાના કારણે ઊલટાની કાર્યદક્ષતા વધી હતી.
બોર્ગ અને તેમના સાથીઓએ ચારેક કલાક માટે ઇન્ટરનેટ બંધ હોય ત્યારે કોઈ એક કંપનીમાં શું થયું તેનો અભ્યાસ પણ કર્યો હતો.
અભ્યાસમાં જોવા મળ્યું કે લોકો ફોન પર મચ્યા રહેતા હતા અને પેપરવર્ક ટાળતા હતા, તે કામ આ કલાકોમાં પૂરું કરી નાખ્યું હતું. તેના કારણે ઊલટાનો ફાયદો થયો હતો.
“અમે મજાકમાં એવું સૂચન પણ કર્યું હતું કે દરેક કંપનીએ દર મહિને થોડા કલાક માટે પોતાના કમ્પ્યૂટર્સને બંધ કરી દેવા જોઈએ. તેના કારણે કર્મચારીઓ જે કામ પડતું મૂકી રાખતા હતા તે થઈ જશે અને કાર્યદક્ષતા વધશે,” એમ બોર્ગ કહે છે.
“આ વાત સમગ્ર અર્થતંત્રને પણ શા માટે ના લાગુ પડે તેનું મને કોઈ કારણ જણાતું નથી.”
આઉટેજ એક દિવસથી વધારે ના લંબાય તો ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને પણ ટૂંકા ગાળે બહુ મોટો ફરક કદાચ નહીં પડે.
ઇન્ટરનેટ ના હોય તો પણ વિમાની સેવા ચાલુ રહેવાની છે, ટ્રેનો અને બસો દોડતી રહેવાની છે.
જોકે લાંબો સમય સુધી નેટ કનેક્શન ના મળે તો માલસામાનની હેરફેર પર તેની અસર પડી શકે છે ખરી.
ઇન્ટરનેટ વિના કામ કરવું વેપારીઓ માટે બહુ મુશ્કેલ બની શકે છે.
“મેં એવું પણ સૂચન કર્યું છે કે ઇન્ટરનેટ ના હોય ત્યારે કામકાજ કેવી રીતે ચલાવવું તેની યોજના તૈયાર કરી રાખવી જોઈએ. જોકે કોઈએ તે માટે વિચાર્યું હોય એવું મારા ધ્યાનમાં આવ્યું નથી,” એમ ઇગરમેન કહે છે.
સંદેશવ્યવહારમાં મોટા પાયે વિક્ષેપ આવે તો તેની વધુ અસર નાના વેપારીઓ અને કામદાર વર્ગને થઈ શકે છે.
1998માં અમેરિકામાં 5 કરોડ પેજર હતા, તેમાંથી 90% પેજર એક સેટેલાઇટ નિષ્ફળ જવાથી બંધ થઈ ગયા હતા. દિવસો સુધી પેજર ચાલુ થયા નહોતા.
તે સમયગાળામાં ડ્યૂટોને લૉસ ઍન્જલસમાં પેજર વાપરનારા 250 લોકોનો સર્વે કર્યો હતો. તેમાં આર્થિક અને સામાજિક દરજ્જા પ્રમાણે અલગ-અલગ અસર થયાનું જણાયું હતું.
મેનેજર કક્ષાએ કામ કરનારા ઉપલા મધ્યમ વર્ગના લોકો અને પ્રોફેશનલ કામ કરનારા લોકોને બહુ મોટી સમસ્યા થઈ હોય તેવું લાગ્યું નહોતું.
“તેમના માટે તો બરફવર્ષા જેવો દિવસ હતો. ઊલટાની તેમને રજા જેવા માહોલથી રાહત થઈ ગઈ હતી,” એમ ડ્યૂટોન કહે છે.
પરંતુ કામદાર વર્ગના લોકો અને કડિયા-મજૂર વગેરે માટે મુશ્કેલી થઈ હતી, કેમ કે તેમનું કામ મેળવવાનું મુખ્ય સાધન પેજર હતું.
કેટલાક દિવસ સુધી તેમનો પેજર પર સંપર્ક શક્ય ના બન્યો તેના કારણે તેમને કામ મળતું અટકી ગયું હતું.
સિંગલ મધર તરીકે બાળકો ઉછેરતી મહિલાઓ પણ ચિંતામાં પડી ગઈ હતી, કેમ કે તેમને સમજાતું નહોતું કે કશુંક થયું તો સંપર્ક કેમ કરવો.
ડ્યૂટોન કહે છે, “આમાંથી તમારે એ સમજવાનું છે કે ઇન્ટરનેટ બંધ થઈ જાય ત્યારે સામાજિક-આર્થિક સ્થિતિ પ્રમાણે જુદા જુદા વર્ગના લોકોને જુદી જુદી અસર થઈ શકે છે.
જોકે એકલા પડી ગયાની અને ચિંતા થવાની લાગણી જેવી માનસશાસ્ત્રીય અસર બધાને સમાન રીતે થશે.
“ઇન્ટરનેટનો મુખ્ય ઉપયોગ એક બીજા સાથે સંપર્ક માટેનો છે,” હેનકૉક કહે છે.
કોઈ પણ વ્યક્તિ સાથે ગમે ત્યારે સંપર્ક કરી શકાશે તે વાતથી આપણે ટેવાઈ ગયા છીએ.
“સંપર્ક નહીં થઈ શકે એવું લાગે ત્યારે આપણે વિચલિત થઈ જઈએ છીએ.” આવી લાગણી થાય તે વાત બોર્ગ પણ સ્વીકારે છે.
“મને ખબર છે, કેમ કે હું સ્માર્ટફોન ઘરે ભૂલી ગયો હોઉં ત્યારે કેવું લાગતું હોય છે તેની મને ખબર છે. મને લાગે જાણે હું નિરાધાર બની ગયો છું,” એમ તેઓ કહે છે.
તેઓ કહે છે, “મારા મનમાં વિચારો ઘૂમવા લાગે – હું આ ક્યાં જઈ રહ્યો છું? મારી કાર બગડશે તો હું શું કરીશ? બીજા કોઈ મને મદદ માગવા માટે તેમનો ફોન વાપરવા આપશે ખરા?” ઇતિહાસ પણ આવી ચિંતાની સાક્ષી પૂરે છે.
1975માં ન્યૂ યોર્ક ટેલિફોન કંપનીની ઓફિસમાં આગ લાગી ત્યારે મેનહટ્ટનના 300 બ્લોકમાં 23 દિવસ સુધી ફોન સેવા બંધ થઈ ગઈ હતી.
ટેલિફોન લાઇનો ફરી ચાલુ કરી દેવામાં આવી તે પછી તરત જ 190 લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો.
તેમાં 80 ટકા લોકોએ જણાવ્યું કે ફોન વિના ચેન પડતું નહોતું. ખાસ કરીને મિત્રો અને સગાઓ સાથે સંપર્ક માટે ફોન કેટલો જરૂરી છે તે તેમને સમજાઈ ગયું હતું.
66 ટકા લોકોએ કહ્યું કે તેમને ‘એકલા પડી ગયાની’ અને ‘અકળામણ થવાની’ લાગણી થઈ હતી.
75 ટકાએ કહ્યું કે ફોન ફરી ચાલુ થયો તે પછી જ તેમને રાહત થઈ કે હવે સ્થિતિ તેમના નિયંત્રણમાં છે.
“આપણે એવું કહેતા હોઈએ છીએ કે ઇન્ટરનેટ ના હોય તો લોકો વધારે મળતાવડા થશે અને મિત્રો તથા સગાઓ સાથે હળતામળતા થશે. પણ મને લાગે છે કે તે માન્યતા ખોટી છે,” એમ ડ્યૂટોન કહે છે. “ઇન્ટરનેટ ન વાપરનારા લોકો કરતાં વાપરનારામાંથી મોટા ભાગના લોકો વધારે મળતાવડા હોય છે.”
કોપનહેગન યુનિવર્સિટીના સ્ટાઇન લોમ્બર્ગ પણ આ વાત સાથે સહમત થાય છે.
“આપણી પાસે સ્માર્ટફોન નહીં હોય તો આપણે બસસ્ટોપ પર અજાણ્યા લોકો સાથે વધારે વાત કરતાં થઈશું એવું નથી – ના, બિલકુલ નહીં,” એમ તેઓ કહે છે.
કનેક્શન જતું રહે ત્યારે અમુક ચોક્કસ કિસ્સામાં લોકો વધારે હળતામળતા થશે, જેમ કે ઈમેઇલ મોકલી દેવાના બદલે સાથી કર્મચારીઓ એક બીજા સાથે વાત કરતા થશે.
પણ સમગ્ર રીતે કનેક્શન વિના અકળામણ થશે.
“એકાદ દિવસ ઇન્ટરનેટ ના હોય તો દુનિયા કંઈ ઊંધી વળી જવાની નથી,” એમ તેઓ કહે છે.
“જોકે મને લાગે છે કે એક દિવસ પણ ઇન્ટરનેટ વિના રહેવાની વાત મોટા ભાગના લોકો માટે અકળાવનારી હશે.”
જોકે આવી લાગણી ઝડપથી શમી પણ જશે. ઇન્ટરનેટ નહિ હોય ત્યારે લોકોને પોતાના જીવનની કિંમત વધારે સારી રીતે સમજાશે.
પરંતુ ઇન્ટરનેટ ફરી શરૂ થાય એટલે આપણે હતા તેવા ને તેવા થઈ જઈશું, એમ હેનકૉક માને છે.
“ઇન્ટરનેટ બંધ થઈ જવાને કારણે આપણે અલગ રીતે વિચારતા થઈશું એવું કહેવાનું મને મન થાય, પણ હકીકતમાં એવું થવાનું નથી એ હું જાણું છું.”
આવી સ્થિતિમાં પણ તેઓ પોતાના વિદ્યાર્થીઓને વીકેન્ડમાં બે દિવસ માટે પણ ઇન્ટરનેટ બંધ કરવાનું મનાવી શકે તેમ નથી.