કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સૈફુદ્દીન સોઝના નિવેદન પર વિવાદ અટકી નથી રહ્યો. બુધવારે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું કે જો જવાહરલાલ નહેરૂ કાશ્મીરનો મુદ્દો સરદાર વલ્લભભાઈ પટેલને સોંપતા તો આજે ઇતિહાસ કંઇક જુદો જ હોત. સોઝે પોતાના પુસ્તક વિમોચન સમારોહમાં મંગળવારે કહ્યું હતું કે સરદાર પટેલ પાકિસ્તાનને કાશ્મીર આપવા માટે તૈયાર હતા.
જીતેન્દ્રસિંહે કહ્યું, “સોઝ જે ઇતિહાસની વાત કરી રહ્યા છે, તથ્યો તેના કરતા અલગ છે. સચ્ચાઇ એ છે કે ગૃહમંત્રી હોવા છતાં સરદાર પટેલને જમ્મુ-કાશ્મીરના મુદ્દાથી દૂર રાખવામાં આવ્યા હતા. આજે કાશ્મીરના જે હિસ્સા પર પાકિસ્તાનનો ગેરકાયદે કબ્જો છે, તે ભારતનું અંગ રહ્યું છે. એવું એટલા માટે થયું કારણકે નહેરૂ વિચારતા હતા કે તેઓ કાશ્મીર વિશે બીજાઓ કરતા વધુ સમજ રાખે છે, એટલે તેમણે પટેલને આ મુદ્દાનો ઉકેલ ન લાવવા દીધો.”
26 જૂનના રોજ સોઝે પોતાના પુસ્તક ‘કાશ્મીર: ગ્લિમ્પ્સીસ ઑફ હિસ્ટ્રી એન્ડ ધ સ્ટોરી ઑફ સ્ટ્રગલ’ના વિમોચન સમારોહમાં કહ્યું હતું, “સરદાર વલ્લભભાઈ પટેલ વ્યવહારૂ માણસ હતા. તેઓ પાકિસ્તાનના પહેલા વડાપ્રધાન લિયાકત અલી ખાનને કાશ્મીર આપવા માટે તૈયાર હતા કારણકે તેઓ યુદ્ધ ટાળવા માંગતા હતા. લિયાકતને એમ પણ કહ્યું હતું કે હૈદરાબાદ વિશે નહીં, કાશ્મીર વિશે વાત કરો. કાશ્મીર લઇ લો, હૈદરાબાદ નહીં.”
જોકે, હકીકત તેનાથી અલગ છે. સરદાર પટેલે 1947માં એક બેઠકમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે કાશ્મીર કોઇપણ કિંમતે હાથમાંથી ન જવું જોઇએ.