અમદાવાદમાં એક જ દિવસમાં પડ્યા 7 ભૂવા, મેટ્રોના ખોદકામથી ટ્રાફિક જામ, AMC ના મોનસૂન પ્લાનની પોલ ખુલવા લાગી!

શહેરમાં છેલ્લાં 24 કલાક દરમિયાન હળવાથી ભારે વરસાદના ઝાપટાં સાથે સરેરાશ પોણો ઈંચ વરસાદ થયો હતો. પૂર્વ ઝોનમાં સૌથી વધુ એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ 6.88 ઈંચ વરસાદ વરસ્યો છે. શુક્રવારે વરસેલા મુશળધાર વરસાદને પગલે ભૂવા પડવાનો સિલસિલો શરૂ થયો છે. જીવરાજપાર્ક, બાપુનગર ચાર રસ્તા, ગોમતીપુર-રખિયાલ, ગુરુજી બ્રિજ અને ઘોડાસર એમ પાંચ સ્થળે ભૂવા પડ્યા છે. જ્યારે દાણીલીમડામાં બે નાના ભૂવા પડ્યા છે. 26 સ્થળે ઝાડ ધરાશાયી થયા છે. ઉપરાંત નરોડા, સરદારનગર, મેમ્કો, વસ્ત્રાલ, નિકોલ, મેમનગર, વેજલપુર, મણિનગર સહિત વિવિધ વિસ્તારોમાં કેટલીક જગ્યાએ રોડ ધોવાયા છે.

નવા પશ્ચિમ ઝોનના જીવરાજ પાર્કમાં ઔડા દ્વારા 800 મી.મી. વ્યાસની ડ્રેનેજ લાઈન નખાઈ હતી તે સ્થળે ભૂવો પડ્યો છે. સમગ્ર પશ્ચિમ ઝોનનું ડ્રેનેજનું પાણી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લઈ જતી આ ડ્રેનેજ લાઈન બેસી ગઈ છે. ભૂવાના રિપેરિંગ માટે સાત દિવસ લાગે તેવી શક્યતા છે. બાપુનગર ચાર રસ્તા પાસે ડિસન્ટ ભાજીપાઉં નજીક ભૂવો પડ્યો હતો. શહેરમાં દિવસ દરમિયાન વરસાદી ઝાપટાં વરસ્યા હતા તેમજ 3 સ્થળે પાણી ભરાયાની ફરિયાદ અને 4 સ્થળે ભયજનક મકાનની ફરિયાદનો પણ નિકાલ કરાયો છે.

શુક્રવારે ભારે વરસાદ ખાબકતાં મેટ્રો રૂટ પર ઠેર ઠેર પાણી ભરાતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેને ધ્યાનમાં લઈને મેટ્રો પ્રોજેક્ટ અને મ્યુનિ. તંત્ર વચ્ચે મીટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં ચર્ચા બાદ મેટ્રો પ્રોજેક્ટના અમિત ગુપ્તા અને મ્યુનિ. એડી. સિટી એન્જિનિયર હિતેશ કોન્ટ્રાક્ટરે કહ્યું કે, મેટ્રોની કામગીરીને લીધે પાણી ભરાવા, ટ્રાફિક જામની સમસ્યાને કારણે લોકોને શક્ય તેટલી ઓછી હાલાકી પડે તે માટેના પ્રયાસો કરાશે. મેટ્રોના કારણે ભૂવા પડે તેવું નથી. અમે વ્યવસ્થિત પાઈલિંગ કરીને કામગીરી કરીએ છીએ. કેટલાક સ્થળે 60 વર્ષ જૂની પાણી- ડ્રેનેજની લાઈનોમાં

વસ્ત્રાલમાં લાંબા સમયથી તૂટેલા રોડ સામે કોઇ કામગીરી ન થતા વરસાદના સમયે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અહીં મોટા ભાગના રોડ તુટેલા હોવાથી ચોમાસામાં પાણી ભરાઇ જતા અકસ્માતના બનાવો બની રહ્યા છે. વિદ્યાલયથી મહાદેવનગર થઇને રતનપુરા તળાવ તરફથી ખોખરા બ્રિજ તરફ જવાના માર્ગમાં મોટા ભાગના રોડ તૂટેલા છે. તાજેતરમાં નવો બનાવેલો રોડ પણ ધોવાઈ ગયો છે.

એક્સપ્રેસ ચાર રસ્તા પાસેના સર્વિસ રોડ પર ત્રણ વર્ષ પહેલા રાસ્કા પ્રોજેક્ટની કામગીરી માટે ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ ત્રીજા વર્ષે ચોમાસું બેઠું હોવા છતાં રોડની કામગીરી હાથ ધરાઇ નથી. અને ચોમાસામાં રોડની હાલત વધુ ને વધુ બિસ્માર થતી જાય છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર વારંવાર તંત્રને જાણ કરી હોવા છતાં કોઇ કામગીરી હાથ ધરાતી નથી. વધારામાં અહીં વાહનો આડેધડ ઊભા રહેતા લોકો અટવાય છે.

માંગલ્ય રેસિડન્સી, રતનપુરા તળાવ પાસે કેટલાક મેનહોલમાંથી ડ્રેનેજનું પાણી અને કેમિકલયુક્ત પાણી વરસાદી પાણી સાથે મિક્સ થતા ચારે તરફ તીવ્ર દુર્ગંધ ફેલાઇ હતી. તેમજ રોડની વચ્ચે પાણી ભરાયેલા વિસ્તારમાં મેનહોલના ઢાંકણા ખુલ્લા હોવાના કારણે મોટા ભાગના વાહન ચાલકોના વાહન ફસાયા હતા. તેમજ કેટલાકને તો ઈજા પહોંચી હતી.

અપર એર સાયક્લોનિક સરક્યુલેશનથી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ચોમાસુ સક્રિય થયું છે, જેને પગલે છેલ્લાં બે દિવસથી મધ્યમથી હળવો વરસાદ પડી રહ્યો છે. તેમજ આગામી ચાર દિવસો દરમિયાન રાજ્યમાં હળવોથી ભારે વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રવિવારે હળ‌વો, સોમવાર-મંગળવાર અને બુધવારે મધ્યમ વરસાદ પડી શકે છે.જયારે અમદાવાદ ઉપરાંત રાજ્યનાં ઉત્તર ગુજરાત સહિતનાં વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. શનિવારે બંગાળની ખાડીમાં ડિપ્રેશન સક્રિય થયું છે.

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અને ટ્રાફિક પોલીસની જરૂરિયાતને ધ્યાનમાં લઈને મ્યુનિ. શહેરમાં 10.77 કરોડના ખર્ચે નવા જાન્યુઆરી સુધીમાં 50 સ્થળે ટ્રાફિક સિગ્નલ ઊભા કરાશે. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં અંદાજ મંજૂર કરાયો છે અને સ્ટેન્ડિંગ કમિટીમાં તે રજૂ કરાશે. હાલ શહેરમાં 211 સ્થળે ટ્રાફિક સિગ્નલ છે. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી ચેરમેન રમેશ દેસાઈએ કહ્યું, પ્રેમ દરવાજા, શાહીબાગ અન્ડર બ્રિજ, આરટીઓ સર્કલ, નારોલ સર્કલ, ગુરુદ્વારા- એસ. જી. હાઈવે, અંકુર ચાર રસ્તા, એરપોર્ટ સર્કલ પર આ સિગ્નલ મુકાશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top