આણંદઃ આજે PM નરેન્દ્ર મોદી આણંદમાં અમુલ ડેરીના મોગર સ્થિત ચોકલેટ અને ટેક હોમ રાશન પ્લાન્ટનું લોકાર્પણ કરવા માટે આવ્યા હતા. સભા સંબોધતા તેમણે કહ્યું કે એટલી બધી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે કે ડોમમાં બેસવાની જગ્યા નથી ને લોકોને બહાર તડકામાં ઉભા રહેવું પડે છે.
પરંતુ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મોદી જ્યારે ભાષણ કરતા હતા ત્યારે લોકો ત્યાથી બહાર નીકળતા જણાય છે અને ડોમના પાછળના ભાગમાં ખુરશીઓ ખાલી પડેલી નજરે પડે છે. આણંદમાં જેવું મોદીએ ભાષણ શરૂ કર્યું કે લોકો પોતાની જગ્યા છોડી બહાર જવા લાગ્યા હતા.
મહત્વપૂર્ણ છે કે ગઈકાલે જ મોદીની સભામાં ભીડ એકઠી કરવા માટે આણંદ-ખેડાના શિક્ષકોને શ્રોતાઓ લાવવાની જવાબદારી સોપવામાં આવી હતી. જેમાં એક બસમાં 60 શ્રોતા લાવવાની જવાબદારી ગામની શાળાના મુખ્ય શિક્ષકોને સોંપાઇ હતી. જે જવાબદારીમાં શિક્ષકો નિષ્ફળ જતા જનમેદની ભેગી કરવાના ટાર્ગેટ પૂરા ન થયા. આ ઉપરાંત આંગણવાડી કાર્યકરો સહિત સરકારી કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી હતી. ગામડાના રૂટની કેટલીએ સરકારી બસોને પણ મોદીની સભામાં લોકોને લાવવા માટે ફાળવવામાં આવી હતી છતા પણ ભીડ એકઠી કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યુ હતું અને મોદીની સભાનો ફિયાસ્કો થયો હતો. રવિવારનો દિવસ હોવા છતા વિદ્યાર્થીઓને ફરજીયાત સભામાં હાજર રહેવા જણાવવામાં આવ્યું હતું.