આજે એશિયન ગેમ્સમાં નૌકાયાનના મુકાબલામાં ભારતીય ખેલાડીઓએ નિરાશાજનક શરૂવાત કરી હતી. એક પછી એક ભારતીય એથલીટ ચાર મેડલ હારી ગયા હતાં. શુક્રવારે સવારે એક સારી ખબર આવી છે. 18મા એશિયાડ રમતોમાં ભારતે નૌકાયાનમાં ઇતિહાસ રચતા ગોલ્ડ મેડલ પોતાના નામે કરી દીધા છે. એશિયન ગેમ્સના ઇતિહાસમાં રોઇંગ ઇવેન્ટમાં ભારતનો બીજો ગોલ્ડ મેડલ છે.
દત્તુ ભોકાનલ, ઓમ પ્રકાશ, સ્વર્ણ સિંહ, સિખમીત સિંહે રોઇંગ એટલે નૌકાયાનમાં ક્વાડરપલ સ્કલ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ ટીમમાં સ્વર્ણ સિંહ અને દત્તુ ભોકાનલ સૌથી અનુભવી ખેલાડી છે. આ બંન્નેની અનોખી કહાની પર એક નજર નાંખીએ.
દત્તુ ભોકાનલ જેમણે પેટ્રોલ પંપ પર નોકરી કરી
દત્તુ ભોકાનલ મહારાષ્ટ્રના સુખાગ્રસ્ત તાલેગામના રહેવાસી છે. દત્તુના પિતા કુવો ખોદવાનું કામ કરતા હતાં. 9 વર્ષની ઉંમરથી જ તેઓ કામમાં પિતાની મદદ કરતા હતાં. તે પથ્થર તોડવાનું પણ કામ કરતા હતાં. અચાનક પિતાની મોત પછી ઘરની જવાબદારી તેમની પર આવી ગઇ. ઉપરાંત માતા પણ બીમાર રહેવા લાગી. આવી પરિસ્થિતિમાં દત્તુ એક પેટ્રોલ પંપ પણ નોકરી કરતાં હતાં.
બાદમાં તેઓ આર્મીમાં જોડાયા અને આજે તેઓ દેશના સૌથી સફળ રોઅર છે. 2016ના રિયો ઓલમ્પિક પહેલા તેમની માતાનો અકસ્માત થઇ ગયો હતો અને તે કોમામાં જતી રહી હતી. દત્તુએ તે છતાંપણ હિંમત હારી નહીં અને તેઓ રિયો ઓલ્મપિકમાં ગયા અને માત્ર 6 સેકન્ડથી મેડલ હાર્યા. તેઓ મેડલ તો ન જીતી શક્યા પરંતુ તેમણે ભારતીયોનું દિલ જીતી લીધું હતું. ઓલ્મપિકના ઇતિહાસમાં રોઇંગમાં આ ભારતનું સૌથી સારૂં પ્રદર્શન હતું.
Quadruple sculls rowing: Indian men’s team wins gold medal. #AsianGames2018 pic.twitter.com/JDUGO19YXj
— ANI (@ANI) August 24, 2018
સ્વર્ણ સિંહ, જેમનું ગામ ડ્રગ્સ માટે બદનામ છે
સ્વર્ણ સિંહ પંજાબના માનસાના દાલેવાલા ગામના છે. એક એવું ગામ જે ડ્રગ્સ માટે બદનામ છે. વર્ષ 2016માં આ ગામના 300 લોકો સામે ડ્રગ્સ માટે કેસ નોંધાયો હતો. આ ગામ હવે ડ્રગ્સ માટે જ નહીં પરંતુ સ્વર્ણ સિંહ માટે પણ ઓળખાશે. એશિયન ગેમ્સ શરૂ થતાં પહેલા સ્વર્ણ સિંહને ટાયફોડ થઇ ગયો હતો. જેના કારણે રમતમાં ભાગ લેવાના અનેક સવાલો ઉઠતા હતાં. પરંતુ આજે ગોલ્ડ મેડલ જીતીને લોકોને બતાવી દીધું છે.
રોહન બોપન્ના અને દિવિજે ગોલ્ડ જીત્યો
રોહન બોપન્ના અને દિવિજ શરણે ફાઇનલમાં કઝાકિસ્તાનના એલેક્સેન્ડર બુબલક અને ડેનિસ યુવસેયેને 6-3, 6-4થી હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે.
સિદ્ધુને બ્રોન્ઝ મેડલ
સિદ્ધુને બ્રોન્ઝ મેડલ પર જ સંતોષ માનવો પડ્યો. તેમણે 9.6ના ખરાબ શોટની સાથે ગેમ પુરી કરી હતી.
નૌકાયાનમાં મેડલ
દુષ્યંતને નૌકાયાનમાં પુરૂષોની લાઇટવેટ એકલ સ્કલ્સ સ્પર્ઘાના ફાઇનલમાં ત્રીજુ સ્થાન મેળવીને કાંસ્ય પદક મેળવ્યું હતું. જે પછી પુરૂષોની લાઇટવેટ ડબલ્સ સ્કલ્સમાં રોહિત કુમાર અને ભગવાન સિંહે ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો.
ભારતને અત્યાર સુધીમાં કુલ 21 મેડલ મળ્યા છે. જેમાં 5 ગોલ્ડ, 4 સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલ સાથે મેડલ ટેબલમાં ભારત 9મું સ્થાન ધરાવે છે.
ભારત માટે આજે ખાસ
300 મીટર એર રાઈફલ શૂટિંગમાં ભારતના અમિત કુમાર અને હરજિંદર સિંહ સામે પડકાર છે. બીજી બાજુ સ્વિમીંગના હીટ રાઉન્ડમાં છઠ્ઠું સ્થાન મેળવીને ભારતના સંદીપ સેજવાલ ફાઈનલ રાઉન્ડમાં પહોંચી ગયા છે.
આજે કુલ 43 ગોલ્ડ મેડલ દાવ પર છે. 10 મીટર એર પિસ્ટલ શૂટિંગમાં આજે ભારત માટે ખાસ દિવસ છે. કોમનવેલ્થ ગેમ્સમાં દેશની બંને વિજેતા હિના સિદ્ધુ અને મનુ ભાકર તેમનું બેસ્ટ પર્ફોમન્સ આપવાનો પ્રયત્ન કરશે. એશિયાડ ગેમ્સમાં અત્યાર સુધી કઈ ખાસ ન કરી શકનાર એથલીટ દીપા કર્માકર પણ આજે બીમ બેલેન્સ ઈવેન્ટમાં ભાગ લેશે. દેશને તેમની પાસેથી મેડલની આશા છે. બેડમિંટનમાં આજે કિદાંબી શ્રીકાંત રાઉન્ડ ઓફ 32માં હોંગકોંગના વોન્ઝ વિંગ સાથે મુકાબલો થશે.