અમદાવાદઃ હાર્દિક પટેલ સામેના રામોલ તોડફોડ કેસમાં અણધાર્યો વળાંક આવ્યો હતો. જામીનની શરતોમાં સુધાર કરવા અંગેની હાર્દિકની અરજી તેમજ હાર્દિક પટેલના જામીન રદ કરવાની સરકારની અરજી પર આજે ચુકાદો આવવાની શક્યતા નહીવત છે. મળતી જાણકારી અનુસાર, આ કેસની સુનાવણી કરી રહેલા જજ આજે રજા પર છે જેને કારણે સોમવારે ચુકાદો આવે તેવી શક્યતા છે.
તોડફોડના મામલામાં આરોપી હાર્દિક પટેલ પર રામોલમાં પ્રવેશ નહી કરવાની શરતે આ અગાઉ કોર્ટે તેને જામીન આપ્યા હતા. પરંતુ બાદમાં હાર્દિકે સામાજિક કારણોસર રામોલમાં તેને જવું જરૂરી હોવાથી કોર્ટમાં રજૂઆત કરી હતી.
હાર્દિકે કોર્ટમાં જામીનની શરતોમાં સુધારો કરે તેવી માંગણી કરી હતી. તો બીજી તરફ સરકારે આ કેસમાં જામીનની શરતોના ભંગ બદલ હાર્દિક પટેલના જામીન રદ કરવાની અરજી કરી હતી.ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી અનામત, ખેડૂતોના દેવા માફી સહિતના વિવિધ મુદ્દાઓ સાથે આમરણાંત ઉપવાસ પર બેસવાનો છે.