ભારતનો પાસપોર્ટ હવે વધારે મજબૂત થઇ ગયો છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સના રીપોર્ટ પ્રમાણે હવે દુનિયાભરમાં ભારતીય પાસપોર્ટની વેલ્યુ વધી ગઈ છે. ભારતીય પાસપોર્ટના રેકિંગમાં પાંચ અંકોનો સુધારો જોવા મળ્યો છે. હવે ભારતનો પાસપોર્ટ ૮૦ માં સ્થાન પર છે. ભારતીય પાસપોર્ટ પર વીઝા વગર ૫૭ દેશોનો પ્રવાસ કરી શકાય છે. ટોગો અને સેનેગલ દેશોએ પણ ભારતીય પાસપોર્ટ પર વીઝા ફ્રી એન્ટ્રીને મંજૂરી આપી દીધી છે ત્યારબાદ તેના રેકિંગમાં સુધારો થયો છે. તમને જણાવી દઈએ કે, ભારતીય પાસપોર્ટ પર જે દેશોમાં વીઝા ફ્રી અથવા વીઝા ઓન અરાઈવલની સુવિધા છે તેમાં ઇન્ડોનેશિયા, રવાંડા, થાઈલેન્ડ, જમાયકા, શ્રીલંકા સામેલ છે. બીજી તરફ, દુનિયાભરમાં ૧૭૭ દેશોના પ્રવાસ કરવા માટે વીઝાની જરૂરીયાત પડે છે. તેમાં ચીન, જાપાન, રશિયા, યુએસ અને યુરોપના દેશ સામેલ છે.
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં સિંગાપોરનો પાસપોર્ટ જાપાનના પાસપોર્ટ કરતા પણ વધારે મજબૂત થઇ ગયો છે. હવે સિંગાપોરના પાસપોર્ટ પર દુનિયાભરના ૧૯૨ દેશોમાં વીઝા ફ્રી એન્ટ્રી છે. પાંચ વર્ષ સુધી જાપાન ટોપ પર હતુ પરંતુ હવે તે ત્રીજા નંબર પર છે. એક સમયે અમેરિકા પણ આ રેન્કમાં ટોપ પર હતું પરંતુ હવે અમેરિકા ૮ માં સ્થાન પર છે. યુકેની રેન્કિંગમાં પણ ઘટાડો થયો છે અને ૪ સ્થાન પર આવી ગયો છે. આ કિસ્સામાં સૌથી નીચે અફઘાનિસ્તાન છે જેને ફક્ત ૨૭ દેશ જ વીઝા ફ્રી અથવા વીઝા ઓન અરાઈવલની સુવિધા આપે છે.
હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ ડૉ. ક્રિશ્ચિયન એચ કેલિને બનાવ્યો છે. જો કે, તે ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ ઓથોરીટીથી મળેલ માહિતી પ્રમાણે રેંકિંગ જાહેર કરે છે. તેના હેઠળ ૧૯૯ પાસપોર્ટ અને ૨૨૭ ટ્રાવેલ ડેસ્ટીનેશન કવર કરવામાં આવે છે. જ્યારે પણ વીઝા પોલીસીમાં ફેરફાર થાય છે તો તે અપડેટ થઇ જાય છે.