અમદાવાદ શહેરના એસ જી હાઇવે વિસ્તારના ઇસ્કોન બ્રીજ પર થયેલ ગમખ્વાર અકસ્માતના કેસમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. અકસ્માતને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજી હતી. તેમાં ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મોટા શહેરોમાં ઓવર સ્પીડિંગ સામે કડક કર્યવાહી કરવાની સુચના આપી છે. તેની સાથે મુખ્યમંત્રીએ આ કેસની તપાસ અમદાવાદના પોલીસ કમિશનરની દેખરેખ હેઠળ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ બેઠકમાં મુખ્યમંત્રીએ આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે જેથી ભવિષ્યમાં ફરીથી આવી ઘટના ના બને. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓવર સ્પીડિંગથી થયેલી ઘટનાની તપાસ ડાયરેક્ટ અમદાવાદના સીપીને સોંપી છે. અમદાવાદના સીપી પ્રેમ વીર સિંહની દેખરેખ હેઠળ આ કેસની તપાસ પૂર્ણ કરવામાં આવશે.
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, દુર્ઘટના સમયે જગુઆરની સ્પીડ ૧૨૦ કિમી કરતા વધારે હતી. જગુઆર ચલાવતા તથ્ય પટેલ પાસે ડીએલ હતું, જો કે થાર ચલાવનાર યુવક સગીર હતો. પોલીસે ડબલ અકસ્માતમાં કુલ બે એફઆઈઆર નોંધી છે. થાર અને ડમ્પરની અથડામણમાં કોઈનું મોત થયું નથી. જગુઆર આવવાના કારણે આ અકસ્માત થયો હતો. જગુઆર ચલાવી રહેલ તથ્ય પટેલે જણાવ્યું કે, તેને અંધારાના કારણે કંઈ નજર આવ્યું હતું નહી. પોલીસે તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ આઈપીએસી અને મોટર વ્હીકલ એક્ટની કુલ 11 કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.