જમ્મૂ-કાશ્મીરમાં નાપાક આતંકીઓ પોતાની મેલી મૂરાદ સાથે પોતાના ઈરાદા પાર પાડી રહ્યા છે. ત્યારે જમ્મુ-કાશ્મીરના સોપોર સેક્ટરમાં આજે ફરીથી આતંકવાદી હુમલો થયો છે. આ આતંકી હુમલો સેનાના જવાનો અને પોલીસને ટાર્ગેટ કરીને કરાયો હતો. આતંકીઓ દ્વારા સેનાના જવાનો અને પોલીસ પર આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ હુમલામાં બે પોલીસ કર્મચારીઓ શહિદ થયા છે અને બે નાગરિકોના પણ મોત થયા છે. આ સિવાય ગંભીર રીતે ઘાયલ થયેલા 2 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કાશ્મીર IG વિજય કુમારે જણાવ્યું હતું કે હુમલાની પાછળ લશ્કર-એ-તૈયબાના આતંકીઓનો હાથ છે. હુમલામાં બે પોલીસકર્મચારીઓ પણ ઘાયલ થયા છે. તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, કાશ્મીરમાં આતંકવાદીઓ પોતાની નાપાક હરકતને પાર પાડવા માટે અનેકવાર હુમલાઓ કરતા હોય છે. આ પહેલાં પણ માર્ચ મહિનામાં લશ્કર-એ-તૈયબાના આતંકીઓએ CRPFની પેટ્રોલિંગ પાર્ટી પર ફાયરિંગ કર્યું હતું. આ હુમલો શ્રીનગરના બહારી વિસ્તાર લવેપોરામાં કરવામાં આવ્યો હતો. હુમલામાં બે જવાનો શહીદ થયા હતા. હુમલામાં 3 જવાનો ઘાયલ થયા હતા. આ પૈકીના એકે સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો.
સુરક્ષા દળો પર થયેલા હુમલાને સેનાના જવાનો પણ એલર્ટ મોડ પર આવી ગયા છે અને આતંકીઓને પકડવા માટે સુરક્ષાબળોએ ચારેયબાજુથી આખા વિસ્તારને ઘેરી લીધો છે. સોપોરમાં અત્યારે આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સુરક્ષાબળો પર કરાયેલો આ બીજો આતંકી હુમલો છે. શુક્રવારે પણ જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાબળોની એક ચેક પોસ્ટ પર આતંકીઓએ હુમલો કર્યો હતો.