અમદાવાદ: આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિકે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી. તેણે ઉપવાસના દસમા દિવસે ઉજવણી કરી હતી. તેણે બાળ કૃષ્ણ બનેલા બાળકને રમાડ્યો હતો અને જન્માષ્ટમીની ઉજવણી કરી હતી. ઉપવાસી છાવણી બનેલા તેના ગ્રીનવુડ રિસોર્ટ સ્થિત છત્રપતિ નિવાસે સમર્થકો હાજર રહ્યા હતા. ‘ જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી’ની ધ્વનીથી આખી ઉપવાસી છાવણી કૃષ્ણમય બની ગઈ હતી.
ભક્તિમય માહોલ
હાર્દિક પટેલે છેલ્લા દસ દિવસથી ખેડૂતોના દેવા માફી અને અનામત માટે આમરણાંત ઉપવાસ પર ઉતરેલો છે. ત્યારે શ્રાવણ માસમાં તહેવારોની સીઝન ચાલી રહી છે ત્યારે તેની ઉપવાસી છાવણીમાં ગોકુળ આઠમ-જન્માષ્ટમી પર કૃષ્ણોત્સવની ઉજવણી કરીને ભક્તિમય વાતાવરણ ઊભું કરી દીધું હતું.
બાળકને બનાવાયો બાળ ગોપાલ
જન્માષ્ટમીના તહેવાર પર હાર્દિકે ઉપવાસી છાવણીમાં જ કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો હતો. ઉપવાસના સમર્થનમાં આવેલા એક પરિવારના બાળકને બાળ ગોપાલ બનાવાયો હતો. કૃષ્ણ જન્મ થયો તેવા દ્રશ્યો ભજવીને કૃષ્ણ જન્મોત્સવની ઉપવાસી છાવણીમાં ઉજવણી થઈ હતી