જેતપુરમાં ખેડૂતોના પાક વીમા મુદ્દે મંત્રી રાદડિયાની બેંકમાં તડાફડી, બ્રાન્ચ બંધ કરાવવા આપી ચીમકી

જેતપુર: ખેડૂતોને પાક વીમો ન ચૂકવવા મામલે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ જેતપુરની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને ચીમકી આપી છે. બેંક દ્વારા 150 ખેડૂતોના મગફળીના પાક વીમાના અંદાજે રૂ.1.75 કરોડ જેટલી રકમ ચૂકવવામાં ન આવતા રાદડિયા ગુસ્સે થયા હતા. માત્ર એટલું જ નહીં, પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો તેમણે બેંક બંધ કરાવવાની પણ ચીમકી આપી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, અન્ન અને નાગરિક પૂરવઠા પ્રધાન જયેશ રાદડિયા રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન છે.

11 મહિનાથી વીમાથી વંચિત છે ખેડૂતો

આ મામલે મંત્રી જયેશ રાદડિયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જેતપુર વિસ્તારના ખેડૂતોએ ગયા વર્ષનો મગફળીનો પાક વીમો લીધો હતો. જેનું સમયસર પ્રિમિયમ પણ ભરી દીધું હતું. બેંકે અંદાજે 150 જેટલા ખેડૂતોનો મંજૂર થયેલો 1.75 કરોડના વીમાનું ચૂકવણું કરવાનું હતું. બેંક દ્વારા જે કંઈ ભૂલ થઈ હશે, તેણે વીમા કંપનીને સમયસર પ્રિમિયમ આપ્યું નહોતું. આ પ્રિમિયમ પરત આવ્યું હતું, એટલે આ ખેડૂતો 11 મહિનાથી વીમાથી વંચિત હતા.

આ ખેડૂતોના હક્કના પૈસા છે

રાદડિયાએ આગળ કહ્યું કે, બેંકને અવાર નવાર રજૂઆત કરી હતી, આ ખેડૂતોના હક્કના પૈસા છે જે તેને મળવા જોઈએ. ત્રણ મહિના પહેલા પણ મેં બેંકને ખેડૂતોના પૈસા ચૂકવવા માટે રજૂઆત કરી હતી. આમ છતાં કોઈ જવાબ ન આપતા આજે બેંકને તાળાબંધી કરવાની ફરજ પડી હતી. જો આગામી દિવસોમાં આ મુદ્દે કોઈ નિરાકરણ નહીં કરવામાં આવે તો જેતપુરમાં એસબીઆઈની એકપણ બ્રાન્ચ નહીં ચાલવા દઉં.

રાદડિયાની રાજકીય સફર

જયેશ રાદડિયાની રાજકીય કારકીર્દી પર નજર કરીએ તો તેઓ 2009થી 2012 સુધી ધોરાજીના ધારાસભ્ય રહી ચૂક્યા છે. જ્યારે 2013થી જેતપુર-જામ કંડોરણા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે કાર્યરત છે. રાજકોટથી લઇ જામકંડોરણાની અલગ અલગ નવ જેટલી પાટીદાર સંસ્થાઓમાં પ્રમુખ તરીકેની જવાબદારી તેઓ સંભાળે છે. તેમજ રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે પણ જવાબદારી સંભાળી રહી છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here