આ જબરું ! : હવે જીતુ વાઘાણીના ભાઈ ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ પદે !

જીતુભાઈના ભાઈ સિવાયની આ નવનિયુક્ત કુલપતિની બીજી શી લાયકાત અને ઉજળી શૈક્ષણિક કારકિર્દી છે તે અંગે શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચા જાગી છે.

પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર શિક્ષણ – ગમે તે પ્રકારના શિક્ષણની ગુજરાતમાં ઘોર ખોદાઈ ગઈ છે તેમાં બેમત નથી ! આ બાબત સંખ્યાબંધ વખત આંકડાકીય દૃષ્ટિએ અને નીતિગત નિર્ણયોના મામલે પુરવાર થઇ ચુકી છે.

રાજ્યની ભાજપ સરકારે શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ તેમની ‘જાગીર’ હોય તેમ વર્તવાનું ક્યારનું શરુ કરી દીધું હતું. આજે તે ઉપક્રમને જાળવી રાખતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

‘મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી’ ના કુલપતિ પદે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના ભાઈ ડૉ. ગિરીશ પટેલ ઉર્ફે ડૉ. ગિરીશ વાઘાણીની વરણી રાજ્ય સરકારે કરી હોવાનું સામે આવ્યું છે. ડૉ.શૈલેષ ઝાલાનો કાર્યકાળ પૂરો થતા ડૉ. પટેલ હવે આ સ્થાને બિરાજશે.

આમ પણ, આ યુનિવર્સટીના કુલપતિ ડૉ. શૈલેષ ઝાલા સામે સંખ્યાબંધ સવાલો હતા જ. ડૉ.ઝાલા એસોસિએટ પ્રોફેસર રેન્કના ન હોવા છતાં અને પ્રોફેસર તરીકે 10 વર્ષનો અનુભવ ધરાવતા ન હોવાના કારણે યુજીસીના નિયમો અનુસાર તેઓ આ પદ માટે લાયકાત ધરાવતા નહોતા। આ મુદ્દે ગુજરાત વડી અદાલતમાં કેસ પણ થયો હતો. કદાચ, સરકારના પ્રીતિપાત્ર હોવાના કારણે તેમની આ પદે નિયુક્તિ થઇ હશે.

હવે ‘બકરું કાઢતા ઊંટ’ પેઠા જેવો ઘાટ થયો છે ! જો કે “સમરથ કો નહીં દોષ ગોસાંઈજી” એ ન્યાયે ભાજપ પ્રદેશ પ્રમુખના ભાઈ હોવાના નાતે ડૉ.ગિરીશ પટેલને તેમની લાયકાત વિષે કોણ પૂછવાનું ?

ગુજરાતની યુનિવર્સિટીઓ રાજકારણના અડ્ડા બની ચુકી છે અને ‘ભાઈ-ભત્રિજા વાદ’ કે ‘પારિવારિક રાજકારણ’ સામે જંગના દંભી નારા પોકારતી ભાજપાએ તેમના મળતિયાઓને જ કુલપતિના પદો લ્હાણીની જેમ વહેંચી દીધા છે.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ.હિમાંશુ પંડ્યા ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાના સગા છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ રહી ચૂકેલ અમદાવાદના પૂર્વ મેયર ડૉ. મુકુલ શાહને ‘ઇન્દિરા ગાંધી નેશનલ ટ્રાઇબલ યુનિવર્સિટી’ (અમરકંટક, મધ્યપ્રદેશ)ના વાઇસ-ચાન્સલર બનાવી દેવાયા છે. ભાજપ આઇટી સેલમાં કાર્યરત ડૉ.શશિરંજન યાદવ કચ્છ યુનિવર્સટીના કુલપતિ રહ્યા બાદ હાલ ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન’ના કુલપતિ છે.

આ પૂર્વે સરકાર ‘વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી’ના કુલપતિ તરીકે શિવેન્દ્ર ગુપ્તા અને સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. શિરીષ કુલકર્ણીને લાયકાત ધરાવતા ન હોવા છતાં કુલપતિપદે લોકોના માથે ઠોકી ચુકી છે. હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સટીના કુલપતિ પદે જીતુ વાઘાણીના ભાઈ ડૉ. ગિરીશ પટેલને બેસાડી દેવાયા છે.

કહેવાય છે કે આ ભાઈ ડૉ.ગિરીશ પટેલ, ફેકલ્ટી ઓફ હોમેઓપેથીના ડીન છે. જેનું સરનામું સ્વામી વિવેકાનંદ હોમીઓપેથીક મેડિકલ કોલેજ, સીદસર, ભાવનગર એવું છે. તેમણે આણંદમાંથી હોમેઓપેથીનો અભ્યાસ કર્યો છે. જીતુભાઈના ભાઈ સિવાયની આ નવનિયુક્ત કુલપતિની બીજી શી લાયકાત અને ઉજળી શૈક્ષણિક કારકિર્દી છે તે અંગે શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચા જાગી છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here