ગુજરાતીઓ માટે આનંદના સમાચાર છે; પરંતુ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા માટે અત્યંત ખેદજનક સમાચાર કહી શકાય એવી એક જીવતીજાગતી ઘટનાને તમે ટૂંક સમયમાં જ ‘હૉટ સીટ’ ઉપર નિહાળશો !
વાત ‘હૉટ સીટ’ની આવે એટલે સ્વાભાવિક જ મહાનાયક અભિતાભ બચ્ચન સંચાલિત શૉ ‘કૌન બનેગા કરોડપતિ’ ની યાદ આવે. તારીખ 3 સપ્ટેમ્બર, 2018ને જન્માષ્ટમીથી શરુ થયેલા આ ક્વિઝ શૉની લોકપ્રિયતા હજુ આજે પણ બરકરાર છે.
આ અદભુત શૉમાં આ તારીખ 11 અને 12 સપ્ટેમ્બર-એમ બે દિવસ માટે એક ગુજરાતી યુવાન તમને હૉટ સીટ ઉપર બેઠલો જોવા મળશે. મૂળે જૂનાગઢ જિલ્લાના કાલસારી ગામના સંદીપ સાવલિયા આ ક્વિઝ ગેમમાં ઘણી માતબર રકમ જીતે છે, પરંતુ તેની જિંદગીની કહાની જરા દુઃખદ છે !
ખેડૂતપુત્ર સંદીપ મૂળે કલાનો જીવ એટલે વલ્લભ વિદ્યાનગરમાં સીવીએમ સંચાલિત ઈપ્કોવાળા -સંતરામ કોલેજ ઓફ ફાઈન આર્ટસમાં અભ્યાસ માટે આવ્યો.બે વર્ષના ‘આર્ટસ ટીચર ડિપ્લોમા’ ના કોર્ષમાં પ્રવેશ મેળવ્યો. અભ્યાસમાં હોંશિયાર પરંતુ કોલેજના શિક્ષકોની કથિત હુંસાતુંસી અને રાજકારણનો ભોગ બન્યો એટલે બીજા વર્ષે ઇન્ટરનલ પરીક્ષામાં ફેલ કરવામાં આવ્યો ! વિધિની વક્રતા જુઓ : જે છોકરો ઇન્ટરનલ પરીક્ષામાં નાપાસ કરાય છે તે જ છોકરો તે જ વર્ષે લેવાયેલી યુનિવર્સિટીની એક્સટર્નલ પરીક્ષામાં કોલેજમાં ફર્સ્ટ આવેલા વિદ્યાર્થી કરતા પણ વધુ માર્કસ મેળવે છે.
આ બાબત જ તો દુઃખદ છે આપણા શૈક્ષણિક તંત્રની ! ઈન્ટર્નલમાં ફેલ થયેલા સંદીપનું વર્ષ બગડે છે. એટલા માટે કે તે કથિતરૂપે કોલેજના અધ્યાપકોના રાજકારણનો ભોગ બને છે. સંદીપ તેજસ્વી હતો જ તેની સાબિતી ભલે વર્ષો પછી મળે, પરંતુ તેનું એક વર્ષ બગાડ્યું તેનું શું ? આખરે જે અભ્યાસક્રમ બે વર્ષમાં પૂર્ણ થતો હતો તેમાં તેના ત્રણ વર્ષ થયા અને તે 2011માં ઉતીર્ણ થાય છે !
આ કાર્યક્રમ પછી ઘણા લોકો ‘કેબીસી’માં વિજેતા થનારા આ સંદીપ સાવલિયાના સફળતાનાં સાથીઓ બનવા દોડી આવશે। વલ્લભ વિદ્યાનગરની કોલેજોની અને ત્યાંના હરખપદુડા અધ્યાપકોની તો એ જૂની માનસિકતા અને પરંપરા રહી છે કે, તેમનું કોઈ ‘યોગદાન’ ન હોવા છતાં તેમના ‘બોસિસ’ના વહાલાં થવા અને મફતની ક્રેડિટ ખાટવા નિયામક-ચેરમેનોની કચેરીએ ઉબલબ્ધી પ્રાપ્ત વિદ્યાર્થીઓના ફોટા પડાવવા અને તેને સ્થાનિક અખબારોમાં છપાવવા તેઓ રીતસરની દોડાદોડી કરી મુકતા હોય છે !
સંદીપની આ પીડાને જાણતા અને તેની મહેનતના સાક્ષી બનેલા તેના એક મિત્ર જણાવ્યું હતું કે, ‘સંદીપ આર્થિક દૃષ્ટિએ સંઘર્ષ કરતા કુટુંબનો દીકરો છે. તેણે 2011માં અભ્યાસ પૂરો કર્યો અને અત્યારે ગ્રાફિક ડિઝાઈનર તરીકે સુરતની એક આઇટી કંપનીમાં કામ કરે છે”
‘સંદીપ 2012થી કેબીસી માટે ટ્રાય કરતો હતો. તે લગભગ દરરોજ એસએમએસ કરતો હતો. હવે ઓનલાઇન એન્ટ્રીથી વિકલ્પ આવ્યો ત્યારે તેને તે માટે પણ સતત પ્રયાસ કર્યા અને આખરે તેનો નંબર લાગી ગયો”, તેવું તેના આ મિત્ર ઉમેરે છે. પ્રાપ્ત માહિતી અનુસાર સંદીપ તેની પત્ની અને 10 દિવસના પુત્ર સાથે સુરતમાં રહે છે, જયારે તેના પિતાજી સુરતમાં હીરા ઘસવાનું કામ કરે છે