CM વિજય રૂપાણી અને Dy. CM નીતિન પટેલ સહિત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓએ લીધા શપથ

ગુજરાતમાં સતત છઠ્ઠી વખત સત્તામાં બિરાજમાન ભાજપના વિજય રૂપાણીએ CM અને નિતીન પટેલે Dy. CM તરીકેના શપથ લીધા હતા. જયારે તેમની સાથે અન્ય આઠ કેબિનેટ અને દસ રાજ્ય કશાના મંત્રીઓએ શપથ લીધા હતા.

આ પ્રસંગે PM નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ, સિનિયર કેન્દ્રીય મંત્રીઓ, સાધુ સંતો તેમજ રાજ્યભરમાંથી અગ્રણી કાર્યકરોની ઉપસ્થિતિમાં મંગળવારે સવારે ૧૧ વાગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સાથે ‘ટીમ ગુજરાત’ના ૨૦ સભ્યો સાથેના મંત્રીમંડળનો શપથવિધિ સમારોહ ગાંધીનગરમાં સચિવાલય સંકુલના હેલિપેડ ગ્રાઉન્ડમાં યોજાયો હતો.

સચિવાલય સંકુલમાં અલગ અલગ ત્રણ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં મુખ્ય સ્ટેજ ઉપર રાજ્યપાલ ઓ.પી. કોહલી પ્રથમ મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીને પછી નાયબ મુખ્યમંત્રી પદે નિતીન પટેલને શપથ લેવડાવ્યા હતા. આ પછી કેબિનેટમાં ૮ તેમજ રાજ્યકક્ષાના મંત્રી તરીકે ૧૦ ચહેરાનો પદ અને ગુપ્તતાનો શપથવિધિ યોજાયો હતો.

ગુજરાતમાં ભાજપ ૧૯૯૫થી સતત સત્તાની ધૂરા સંભાળી રહ્યો છે, વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં સતત છઠ્ઠી વખત ભાજપે ૯૯ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતિ સાથે વિજય મેળવ્યો છે. રાજ્યમાં અનેક પડકારજનક પરિસ્થિતિમાં પણ ભાજપે વિજય હાંસલ કર્યો છે તેવો દાવો કરવામાં આવ્યો રહ્યો છે.

હવે ભાજપ માટે આગામી ફેબ્રુઆરી ૨૦૧૮માં યોજાનારી સ્થાનિક ચૂંટણીઓ તેમજ ૨૦૧૯માં એપ્રિલમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ફરીથી પોતાનું પ્રભુત્વ સાબિત કરવાનો મોટો પડકાર છે.

આ સંજોગોમાં વિજય રૂપાણી અને નિતીન પટેલની સરકારની નવી ટીમની રચનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહનું માર્ગદર્શન મેળવવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શપથવિધિની પૂર્વ સંધ્યાએ ભાજપ અધ્યક્ષ અમિત શાહે અમદાવાદ આવી પહોંચી તુરત જ પ્રદેશના આગેવાનો સાથે બેઠક યોજી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાંકરિયા કાર્નિવલને ખુલ્લો મુક્યા પછી તુરત જ આ બેઠકમાં હાજરી આપવા આવી પહોંચ્યા હતા.

મોડી રાત સુધી ચાલેલી ચર્ચા બેઠકમાં ટીમ ગુજરાતમાં કેવા ચહેરાને સ્થાન આપવાનું તેના અંગે સામાજિક, રાજકીય અને જે તે જિલ્લાના પ્રતિનિધિત્વને ધ્યાને લેવમાં આવ્યું હતું.

મોડી રાત સુધી રાજભવનને પણ કેબિનેટ, રાજ્યકક્ષાના પ્રધાનોની યાદી મોકલવામાં આવી ન હતી પરંતુ કેટલાક સંભવિતોને મધરાત બાદ ફોનથી જાણ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું હતું.

કેબિનેટ કક્ષાના મંત્રીઓ

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (ધોળકા), ગણપત વસાવા (માંગરોળ એસટી), કૌશિક પટેલ (નારણપુરા), સૌરભ પટેલ (બોટાદ), દિલીપ ઠાકોર (ચાણસ્મા), આર. સી. ફળદુ (જામનગર દક્ષિણ), જયેશ રાદડિયા (જેતપુર), ઈશ્વર પરમાર (બારડોલી)

રાજ્યકક્ષાના મંત્રીઓ

પ્રદિપસિંહ જાડેજા (વટવા), કુમાર કાનાણી (વરાછા રોડ), વિભાવરી દવે (ભાવનગર પૂર્વ), રમણ પાટકર (ઉમરગામ), બચુ ખાબડ (દેવગઢબારિયા), પુરૂષોત્તમ સોલંકી (ભાવનગર ગ્રામ્ય), વાસણ આહિર (અંજાર), જયદ્રથસિંહ પરમાર (હાલોલ), પરબત પટેલ (થરાદ), ઇશ્વર પટેલ (અંકલેશ્વર)

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top