અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે ભાજપ પર પાસના કન્વીનરોને ખરીદી લેવા કરોડો રૂપિયા ચૂકવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. હાર્દિકે એક લિસ્ટ પણ જાહેર કર્યું હતું અને આ લિસ્ટમાં સામેલ લોકોને ભાજપ તરફથી કરોડો રૂપિયા મળ્યા હોવાનો દાવો કર્યો હતો.
આ યાદીમાં હાર્દિકના એક સમયના ખાસ સાથીદાર દિનેશ બાંભણિયાનું નામ પણ હતું. આ આક્ષેપના પગલે બાંભણિયાએ હાર્દિક પટેલ સામે અરજી આપીને માનહાનિનો દાવો કરવા ચીમકી આપી હતી પણ હવે દિનેશ બાંભણિયા પાણીમાં બેઠા છે. દિનેસ બાંભણિયાએ હાર્દિક સામે કેસ કરવાનો વિચાર માંડી વાળ્યો છે.
બાંભણિયાએ તેના બદલે પાટીદારોને અનામત મળે તે ઉદ્દેશ પાર પાડવા માટે હાર્દિકની સાથે રહીને લડવાનું એલાન કર્યું છે. દિનેશ બાંભણિયાએ તમામ પાટીદારોને એક થવા અને મતભેદોને ભૂલાવીને પાટીદારોને અનામત મળે તે માટે ઉગ્ર આંદોલન કરવા પણ અપીલ કરી છે. આ માટે તેણે હાર્દિકને મળવાની તૈયારી પણ બતાવી છે.
હાર્દિક અને બાંભણિયા વચ્ચે સમાધાન કરાવવામાં સુરત પાસના કન્વિનર અલ્પેશ કથીરિયાએ મહત્વની ભૂમિકા ભજવી છે. દિનેશ બાંભણિયાએ અડાલજ પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ સામે અનેક આક્ષેપો કરીને અરજી કરી હતી પરંતુ આ અરજી કર્યાના 24 કલાકમાં જ દિનેશ બાંભણિયા ઢીલો પડી ગયો છે.
દિનેશે જણાવ્યું કે, અલ્પેશ કથિરીયાની વાત માનીને હું મારી નૈતિક જવાબદારી સ્વીકારું છું. પાટીદાર સમાજનું આંદોલન તોડવાના પ્રયાસો સફળ થવા દઈશું નહીં. હું સમાજના હિત માટે અલ્પેશ, મનોજ, ઉદય, ગીતાબેન અને હર્ષદભાઈની મધ્યસ્થીમાં હાર્દિક પટેલ અને ટીમ સાથે બેસીને ચર્ચા કરીશ, એ લોકો કહેશે ત્યારે બેઠક કરીશ.
દિનેશે આગળ કહ્યું કે, આ બેઠકમાં અમારી ટીમમાં થયેલા મતભેદો દૂર કરીશું અને એક થઈ અનામત માટે લડીશું. હવે સમાજના કોઈપણ આંદોલનકારી માટે ખરાબ સવાલ-જવાબ પણ કરીશું નહીં. દિનેશના આ નિવેદન બાદ સુત્રોએ જણાવ્યું કે, દિનેશ આંદોલન સાથે સંકળાયેલો રહેવા માગતો હોવાથી સમાધાન કરવા માટે તૈયાર થયો છે.