ગુજરાતમાં આવેલું એક એવું મંદિર જ્યાં માથું ટેકવાથી મળે છે આશિર્વાદ. વર્ષો જૂના રોગને માતા દૂર કરી દે છે. જ્યાં દાન- દક્ષિણા સ્વીકારાતી નથી. કચ્છના કબરાઉમાં બિરાજમાન મા મોગલ પૈસા નહીં ભક્તોના ભાવની ભૂખી છે.
ગુજરાતમાં ઘણાં દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. આ મંદિરોમાં અવારનવાર દેવી-દેવતા ચમત્કાર આપતા હોય છે. પણ કહેવાય છે કે જો આપને વિશ્વાસ હોય તો જ આપનું કામ પુરુ થાય. ભગવાન પર ભરોસો હોવો ખૂબ જ જરૂરી હોય છે. ખરા હૃદયથી કરેલું સ્મરણ એક દિવસ અવશ્ય ફળ આપે છે. કબરાઉમાં આવતા શ્રદ્ધાળુઓને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન મા હજરાહજુર છે. ભક્તોને સાક્ષાત પરચા પણ આપે છે.
આ ભવ્ય, અવિશ્મરણીય, રહસ્યથી ભરપૂર અને રોચક કહાનીઓ સાથે જોડાયેલું આઈ મોગલનું આ ધામ કચ્છના કબરાઉમાં આવેલું છે. ભચાઉથી 16 કિમીના અંતરે કબરાઉ મોગલ ધામ આવેલું છે. રસ્તા પરથી પસાર થાઓ એટલે દૂરથી મા ની ધજા અને લાલ રંગમાં લખેલ માં ના દર્શન થઈ જાય. વડવાળી મોગલ એટલા માટે કહેવાય છે કારણ કે માતા વડની નીચે બિરાજમાન છે. માટે માતાના નામની સાથે વડવાળી મોગલ જોડાયું છે.
માતાજીએ અહીં તેમની હયાતિના પુરાવા આપ્યા છે. મા એ નિસંતાનને ત્યાં ઘોડિયું બંધાવ્યું છે જેની સાબિતિ અહીંની દીવાલ પર નાના ભૂલકાઓના ફોટો લગાવવામાં આવ્યા છે. એક એક ફોટો માના આશીર્વાદની સાબિતી આપે છે કે માએ કેટલાને ખોળાનો ખુંદનાર દીધો ને કેટલાયના ઘરમાં દીકરી રુપે દીપ પ્રગટાવ્યો. અનેકોને આઈએ ગંભીર બીમારીઓથી મુક્તિ અપાવી છે.
બાપુ અંધશ્રદ્ધાનો પુરજોશથી વિરોધ કરે છે. અંધશ્રદ્ધાના માર્ગે ચઢેલા લોકોને બાપુએ માર્ગદર્શન આપી ધર્મ અને શ્રદ્ધાનો માર્ગ પણ સૂચવ્યો છે. જેથી બાપુએ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરતા બલી ચઢાવાની સલાહ આપતા પાખડીઓ અને ધૂતારાઓ પર આકરા પ્રહાર કરતા કહ્યુ કે આઈએ ક્યારેય બલી ચઢાવવાની વાત નથી કરી માં તો આપણા દૂરગુણોની બલી ચઢાવે છે.
અહીં લાગેલા અલગ અલગ પોસ્ટર્સ બતાવે છે કે માતામાં શ્રદ્ઘા રાખો પણ અંધશ્રદ્ધા બિલકુલ ના રાખો. માટે જ તો લખ્યું છે કે પહેલા ડોક્ટરની દવા બાદમાં દુઆ. જીવનમાં સારા કામ કરવાની સલાહ બાપ આપે છે.