કોંગ્રેસના પીઢ નેતા કુંવરજી બાવળિયાએ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું

પક્ષ વિરુદ્ધ નારાજગી વ્યક્ત કર્યા બાદ કોંગ્રેસના પીઢ નેતા તેમજ કોળી આગેવાન કુંવરજી બાવળિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. બાવળિયાએ આજે સવારે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસ્થાને મુલાકાત લઈને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. રાજીનામું આપ્યા બાદ તેઓ ગાંધીનગર ખાતે સીએમ નિવસ્થાને વિજય રૂપાણીને મળવા માટે પહોંચ્યા હતા.

ભાજપમાં જોડાશે

અનેક અટકળો બાદ રાજીનામું આપનારા બાવળિયા ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ જોવાઈ રહી છે. આજે સવારે તેમણે સીએમ રૂપાણી સાથે પણ મુલાકાત કરી હતી. એવા સમાચાર મળી રહ્યા છે કે બાવળિયા આજે જ ભાજપમાં જોડાશે. તેઓ ભાજપના હેડક્વાર્ટર કમલમ ખાતે પહોંચીને ભાજપનો ખેંસ ધારણ કરશે.

મળી રહેલી માહિતી પ્રમાણે કોંગ્રેસના સીનિયર નેતાઓ બાવળિયાને મનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. થોડા દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ જ્યારે અમદાવાદ આવી પહોંચ્યા હતા ત્યારે કુંવરજી બાવળિયા તેમને મળવા માટે અમદાવાદ આવ્યા ન હતા. આ પહેલા તેઓ નવી દિલ્હી ખાતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી ચુક્યા છે.

સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ કુંવરજી બાવળીયાની હવે ઉંમર પણ થઇ છે. તેમને હવે એકવાર મંત્રી પદના અભરખા જાગ્યા છે. એકવાર મંત્રી બનવું છે હાલ તે ભાજપના ટોચના નેતા સાથે વિચારવિર્મશ કરી રહ્યાં છે, જો ભાજપ મંત્રીપદ આપે તો કુંવરજી ગમે તે ઘડીએ મંત્રીપદ ધારણ કરી શકે છે. કુંવરજીભાઇ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાય એટલે પેટાચૂંટણી આવે અને ત્યાં ફરી ભરત બોઘરા તેને ધારાસભા જીતાડી દેશે અને આગામી લોકસભામાં કુંવરજી રાજકોટ અને સુરેન્દ્રનગરમાં લોકસભાની સીટ જીતાડી દેશે. કોળી મતદારો તેના સમર્થનમાં હોવાનો તે અગાઉ દાવો કરી ચૂક્યા છે. જસદણ પંથકમાં અને સુરેન્દ્રનગર પંથકમાં કોળી મતદારો વધુ છે. તે સિવાય ભાજપને પણ ઘણા સમયથી કોળી નેતાની જરૂર હતી જ.

કોંગ્રેસમાં સિનિયરોને સાઇડ લાઇન કરી દેવાયાની, વિશ્વાસમાં નહીં લેવાતા હોવાનો આક્રોશ ઠાલવી ચૂકેલા ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળિયા હાથને છોડી કમળનો સાથ લેશે તેવી છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાઓ શરૂ થઇ હતી. બાવળિયા દિલ્હીમાં રાહુલ ગાંધીને પણ તાજેતરમાં મળી આવ્યા હતા અને ત્યારબાદ પણ તેમનું વલણ અને આક્રોશ યથાવત રહ્યો હોય તેવા નિર્દેશો મળી રહ્યા હતા. કોંગી ધારાસભ્ય કેસરિયો ધારણ કરીને પરત આવશે તેવી જસદણ પંથકમાં જોરશોરથી ચર્ચા, બાવળિયા તમામ જ્ઞાતિના ટેકેદારો સાથે ગાંધીનગર પહોંચી ગયા છે.

બે દિવસ પૂર્વે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ખેડૂતોની સમસ્યાને વાચા આપવા રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં બાવળીયા ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ ભાજપની વિરૂદ્ધમાં એક શબ્દ પણ નહીં બોલતાં તેમનું મન કમળ તરફ વળ્યું હોવાનું કોંગ્રેસીઓમાં જ ચર્ચાઓ શરૂ થઇ હતી. કોંગ્રેસના આંતરિક વર્તુળોએ જણાવ્યું હતું કે, કુંવરજી બાવળિયા રવિવારે તમામ જ્ઞાતિના આગેવાનો સહિત 35 જેટલા ટેકેદારો સાથે ગાંધીનગર દોડી ગયા હતા અને સોમવાર રાત સુધી તમામે ગાંધીનગરમાં જ હોલ્ટ કર્યો હતો. બાવળિયા ભાજપના ઉચ્ચ નેતાઓ સાથે સંપર્કમાં હોવાની અને ભાજપમાં જોડાશે તેવી જાહેરાત પણ ગણતરીના દિવસોમાં જ થશે તેવું દ્રઢ પણે માનવામાં આવી રહ્યું છે.

બાવળિયાના ભાજપમાં આવવું હોય તો અમારું મન ખુલ્લું છેઃ વાઘાણી

ગત મહિને અમદાવાદ ખાતે ભાજપની બે દિવસની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કોંગ્રેસના પીઢ નેતા અને કોળી સમાજના અગ્રણી એવા કુંવરજી બાવળીયા ભાજપમાં જોડાવાની વાત અંગે પણ ખુલાસો કર્યો હતો. વાઘાણીએ જણાવ્યું હતું કે, “ભારતીય જનતા પાર્ટી પોતાની શક્તિમાં ઉમેરો કરવા માંગતી હોય છે. હાલ કોઇ વ્યક્તિ સાથે અમારે ચર્ચા નથી થઈ. પરંતુ કોઇપણને આવવું હોય તો ભારતીય જનતા પાર્ટીનું મન ખુલ્લું છે.”

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here