પૂના: પૂનાના દત્તાવાડી પોલીસ ચોકીમાં કોન્સ્ટેબલ નીલમ ગાયકવાડ ગુરુવારે પહોંચી અને દરરોજની જેમ પોતાનું કામ કરવા લાગી. ત્યારે જ તેમના એક સીનિયરનો ફોન આવ્યો કે નીલમે મૂઠા નદીના કિનારે આવેલી વસાહતમાં સ્થિતિનું નિરીક્ષણ કરવા જવાનું છે. ત્યાં નહેરની દિવાલ તૂટી હોવાથી પૂર જેવી સ્થિતિ ઉદ્ભવી છે. તરત જ કોન્સ્ટેબલ નીલમ ત્યાં પહોંચી અને દોઢ કલાક સુધી લોકોને ખાસ કરીને મહિલાઓ અને બાળકોને બહાર નીકાળ્યા. લોકોને આ સ્થિતિનો અંદાજો ન હોવાથી તેઓ ત્યાં ફસાયા હતા.
નીલમે જણાવ્યું કે, જ્યારે તે ત્યાં પહુંચી ત્યારે લોકો જાણી વહી રહ્યા હતા. પાણી વધતું હતું અને તેમને બચાવવા માટે કોઈ નહોતું. નીલમે પોતાનું પર્સ અને મોબાઈલ કોઈ અજાણ્યા શખ્સને આપ્યું અને પાણીમાં કૂદવા માટે તૈયાર થઈ ગઈ. નીલમ જ્યારે પોતાના શૂઝ કાઢતી હતી ત્યારે તેણે એક દુકાન માલિકને ડૂબવાથી બચવા માટે પ્રયાસ કરતાં જોયા. તેણે નજીકની ગેરેજમાંથી ટાયર ઉઠાવ્યું અને દુકાનદાર તરફ ફેંક્યુ જેની મદદથી તે તરીને બહાર આવી શકે.
નીલમ કહે છે કે, “ત્યાં મહિલાઓ અને બાળકો ગભરાઈ ગયા હતા અને પોતાના પરિવારજનોને શોધતા હતા. પાણી તેમના પેટ સુધી પહોંચી ગયું હતું. મેં બાળકોને મારી પીઠ પર બેસાડીને સુરક્ષિત બહાર કાઢ્યા.” લગભગ 15 લોકોને આ પ્રકારે સુરક્ષિત પહોંચાડનારી 28 વર્ષની આ બહાદુર મહિલા કોન્સ્ટેબલને લોકોએ ખૂબ આશીર્વાદ આપ્યા અને આભાર માન્યો.
તો બીજી તરફ દત્તાવાડી પોલીસ સ્ટેશનમાં નીલમના આ કારનામાથી કોઈ અચંબિત નથી. સીનિયર પોલીસ ઈન્સ્પેક્ટર દેવીદાસે કહ્યું કે, “નીલમ હંમેશા આવી પરિસ્થિતિઓમાં આગળ હોય છે. પૂના પોલીસની સૌથી બહાદુર ઓફિસર્સ પૈકીની તે એક છે. આ અઠવાડિયે ગણપતિ વિસર્જન વખતે તેણે ટ્રાફિક કંટ્રોલ કરવામાં અને દારુડિયાઓને સંભાળવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.” લગભગ 1 વર્ષ પહેલા નીલમે એક્સિડન્ટમાં ઘાયલ થનારા એક વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. આ હોસ્પિટલ મહિલાઓ અને બાળકોની ખાસ હોસ્પિટલ હોવાથી નીલમે પોતાના સાથીઓની મદદથી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી અને ઘાયલને અન્ય હોસ્પિટલમાં લઈ ગઈ.