આ નવરાત્રિમાં અમદાવાદીઓ એકેય ક્લબ કે પાર્ટી પ્લોટમાં ગરબા રમી નહીં શકે

અમદાવાદ: અમદાવાદમાં ગયા વર્ષે ક્લબ, પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસ મળીને 75 જગ્યાએ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ચાલુ વર્ષે પાર્કિંગના મુદ્દે પોલીસનું કડક વલણ હોવાથી આજ દિન સુધી એક પણ આયોજકે રાસ ગરબાની મંજૂરી લીધી નથી. જોકે આયોજકો નવરાત્રીના 2 – 3 દિવસ પહેલા જ મંજૂરી માટે દોડભાગ કરતા હોવાથી છેલ્લા દિવસોમાં મંજૂરીનો આંકડો વધી જાય છે. પરંતુ નવરાત્રીને હવે માંડ 10 જ દિવસ બાકી રહ્યા હોવાથી ચાલુ વર્ષે બહુ જ ઓછી જગ્યાએ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હોવાનું આયોજકોનું કહેવું છે. જેના કારણે ચાલુ વર્ષે શેરી ગરબા અને સોસાયટીઓમાં રાસ ગરબાની રમઝટ વધારે જોવા મળશે.

નવરાત્રીને માત્ર દસ દિવસ બાકી હોવાથી ઓછા સ્થળે રાસ-ગરબાની શક્યતા

મહત્ત્વનું છે કે એસજી હાઈવે પરની ક્લબો, પાર્ટી પ્લોટ તેમજ ફાર્મ હાઉસોમાં રાસ ગરબામાં ભાગ લેવા આવનારા લોકોના વાહનો પાર્ક થઇ શકે તેટલી જગ્યા નથી. જેથી પાર્કિંગના મુદ્દે પોલીસ સાથે ઘર્ષણ ન થાય તે માટે આયોજકો ચાલુ વર્ષે રાસ ગરબા કરવાનું ટાળી રહ્યા છે.

જ્યારે બીજી બાજુ એસજી હાઈવે ઉપર આવેલી કલબો, પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસોની નજીકમાં ખુલ્લા ખેતરો આવેલા છે. જેથી ત્યાં મોટી સંખ્યામાં વાહનો પાર્ક થઇ શકે તેવી વ્યવસ્થા ઊભી કરી શકાય તેમ હોવાથી ચાલુ વર્ષે રાસ ગરબાના આયોજકો એસપી રીંગ રોડ તરફ વળ્યા હોવાનું આયોજકોનું કહેવું છે.

ગરબાના આયોજકો એસપી રિંગ રોડ-ગાંધીનગર તરફ વળ્યા

અમદાવાદમાં આવેલી ક્લબો, પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસના સંચાલકો પાસે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા નથી અને રાસ ગરબા માટે સ્પેશિયલ પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવી તેમના માટે શક્ય નથી. આયોજકો આ વર્ષે એસપી રિંગ રોડ અને ગાંધીનગરત તરફ વળ્યા હોવાનું આયોજકોનું કહેવું છે.

દરેક વિસ્તારની 15 સોસાયટી દર વર્ષે ગરબાની મંજૂરી માગે છે

સોસાયટીમાં યોજાતા રાસ ગરબામાં લાઉડ સ્પીકર વગાડવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી મંજૂરી લેવી પડે છે. દર વર્ષે અમદાવાદના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં અંદાજે 15 જેટલી સોસાયટી રાસ-ગરબા માટે મંજૂરી લે છે. તે મંજૂરી માત્ર દસ વાગ્યા સુધીની જ આપવામાં આવે છે. જોકે ચાલુ વર્ષે આ આંકડામાં બહુ મોટો વધારો થવાની શકયતા પોલીસે નકારી નથી.

આયોજકો સાથે મીટિંગ કરીશું

પાસથી રાસ -ગરબામાં એન્ટ્રી આપતી ક્લબો, પાર્ટી પ્લોટ કે ફાર્મ હાઉસમાંથી કોઈએ પણ હજુ સુધી રાસ ગરબાની મંજૂરી માગી નથી. જોકે પાર્કિંગની સમસ્યા નિવારવા માટે ગરબાના આયોજકો તેમ જ પોલીસ અધિકારીઓ વચ્ચે પણ મીટિંગ યોજાશે. – એમ.કે. રાણા, એસીપી સ્પેશિયલ બ્રાંચ

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here