ભાજપને આજે મોટો ઝટકો લાગ્યો છે. શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહ વાઘેલાએ ભાજમાંથી રાજીનામું આપી દીધુ છે. મહેન્દ્રસિંહ વાઘેલાએ જીતુ વાઘાણીને પત્ર લખી રાજીનામું રાજીનામાની જાણ કરી છે.
મહેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપવા પાછળનું કારણ વ્યક્તિગત જણાવ્યું છે.
કોંગ્રેસ સાથે છેડો ફાડી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહ વાઘેલાએ અષાઢી બીજના સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા. બાયડના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહે રાજ્યસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસને રામ રામ કરી દીધા હતા. હવે લોકસભાની ચૂંટણી અગામી વર્ષે યોજાવાની છે તે પહેલા ભાજપને રામ રામ કહી દીધુ છે.
મહેન્દ્રસિંહ વાઘેલાના રાજીનામા બાદ એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, શંકરસિંહ અને મહેન્દ્રસિંહ એનસીપી સાથે જોડાઈ શકે છે. અને અગામી લોકસભા ચૂંટણીમાં શંકરસિંહ ગોધરા, મહેસાણાથી ચૂંટણી લડી શકે છે, જ્યારે મહેન્દ્રસિંહ વાઘેલા સાબરકાંઠાથી ચૂંટણી લડી શકે છે.
બીજી તરફ એ પણ ચર્ચા ચાલી રહી હતી કે, અલ્પેશ ઠાકોર છેલ્લા થોડા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે. લડાયક નેતા અલ્પેશ ઠાકોર ભાજપ તરફ ઝુકી રહયા હોય તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે. આગામી લોકસભા ચૂંટણી પહેલા આ રીતે ગુજરાતમાં ઘણા રાજકીય ભૂકંપો સર્જાઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે, મહેન્દ્રસિંહ અગાઉ બાયડ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા હતા પણ રાજ્યસભાની ચૂંટણી વખતે તેમણે રાજીમાનું આપ્યું હતું. કોંગ્રેસના અહમદ પટેલની વિરૂધ્ધ મતદાન કરવા માટે કોંગ્રેસના ધારાસભ્યોએ બળવો કર્યો તેમાં મહેન્દ્રસિંહનો પણ સમાવેશ થાય છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે ટિકિટના મામલે સમાધાન નહીં થતા મહેન્દ્રસિંહ ભાજપમાં નહોતા જોડાયા. પરંતુ ભાજપે લોકસભા ચૂંટણીમાં વાઘેલાને ટિકિટ આપવાનું નક્કી કરતાં તે ભાજપમાં જોડાયા હતા. પરંતુ અચાનક હવે તેમણે ચાર મહિનામાં જ ભાજપ સાથે પણ છેડો ફાડી નાખતા રાજ્યનું રાજકારણ ગરમાઈ ગયું છે.