સાઉથ એક્ટર મહેશ બાબુ કોરોના પોઝિટિવ, લોકોને રસી લેવા કરી અપીલ

દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે અને દરરોજ હજારોની સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે. દેશના ઘણા રાજકારણીઓ, મોટી હસ્તીઓ સહિત અભિનય જગતના ઘણા સ્ટાર્સ આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ત્યારે હવે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક્ટર મહેશ બાબુ કોરોના પોઝિટિવ થઈ ગયા છે. મહેશ બાબુએ પોતાના સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને આ જાણકારી આપી છે.

મહેશ બાબુએ ગુરુવારે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ કરી છે. જેમાં મહેશ બાબુએ લખ્યું છે કે, ‘તમામ જરૂરી સાવચેતી રાખ્યા બાદ મારો કોવિડ-19 પોઝિટિવ આવ્યો છે. મને હળવા લક્ષણો છે. મેં મારી જાતને ઘરે ક્વોરેન્ટાઈન કરી છે અને મેડિકલ ગાઈડલાઈનનું પાલન કરી રહ્યો છું. હું મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવવા વિનંતી કરું છું. જેમણે રસી નથી લીધી છે તેઓને મારી અપીલ છે કે તમારું રસીકરણ જલ્દી કરાવો જેથી હોસ્પિટલમાં જવાનું જોખમ ઘટાડી શકાય. કૃપા કરીને કોવિડના નિયમોનું પાલન કરો અને સુરક્ષિત રહો.’

મહેશ બાબુ તાજેતરમાં જ દુબઈમાં એક અઠવાડિયું વિતાવ્યા બાદ પરત ફર્યા હતા. તે નવા વર્ષની ઉજવણી માટે દુબઈ ગયા હતા. તેઓ પોતાના પરિવાર સાથે દુબઇ ગયા હતા અને ત્યાંથી પરત ફર્યા બાદ દરેકનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો છે, જેમાં મહેશ બાબુ કોરોના પોઝિટિવ આવ્યા છે અને તેમના પરિવારનો રિપોર્ટ આવવાનો બાકી છે.

ઉલ્લેખનીય છે કે, મહેશ બાબુની પત્ની નમ્રતા શિરોડકરની બહેન અને અભિનેત્રી શિલ્પા શિરોડકર પણ કોરોના પોઝિટિવ આવી છે. મહેશ બાબુ અને નમ્રતા શિરોડકર સાથે શિલ્પા શિરોડકરે સાથે દુબઈમાં રસી લગાવડાવી હતી.

જણાવી દઈએ કે તાજેતરમાં કોરોના વાયરસના વધતા કેસોને જોતા ઘણી ફિલ્મોની રિલીઝ પાછી ઠેલાઈ ચુકી છે તો ઘણી ફિલ્મોના શૂટિંગ પણ અટકાવી દેવામાં આવ્યા છે. જેને કારણે ફિલ્મ જગતને મોટો ફટકો પડ્યો છે.

Scroll to Top