AMCનો ભોરીંગ ભ્રષ્ટાચાર છતો થયો, તૂટી પડેલા બિલ્ડીંગમાં બે ઇંટો વચ્ચે માત્ર રેતી, સિમેન્ટ નામ પૂરતો જ હતો

અમદાવાદઃ ઓઢવમાં ગરીબ આવાસ યોજનાના બ્લોકની બે બિલ્ડિંગો આખેઆખી ધરાશાયી થવાની ઘટનામાં બિલ્ડિંગની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. કલેકટર વિક્રાંત પાંડે અને મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ તપાસના આદેશ કર્યા છે. કાટમાળની પ્રાથમિક તપાસમાં બે ઈંટો વચ્ચે સિમેન્ટ પૂરવામાં આવે તેમાં સિમેન્ટ જ નહીં હોવાનું ખૂલેલા પ્લાસ્ટર પરથી ઘટસ્ફોટ થયો છે. પ્લાસ્ટરનું મટીરિયલ્સ, ઈંટોની ચણતરની પેટર્ન સહિત બિલ્ડિંગની ડિઝાઈનની તપાસ કરાશે. આ જ પ્રકારે હજુ અહીં 70 બ્લોક છે, જેમાં દરેકમાં તિરાડો પડેલી હોવાથી ખાલી કરાવાશે.

20 વર્ષમાં જ ઇમારત ધરાશાયી થતાં કલેક્ટરે તપાસનાે આદેશ કર્યો

રવિવારે સાંજે આઠ વાગ્યાના અરસામાં બે બિલ્ડિંગ ધરાશયી થતા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તબક્કે ત્રણ લોકોને સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જેમને બહાર કાઢવામાં આવ્યા તેમણે હજુ પાંચથી સાત લોકો દટાયા હોવાની આશંકા વ્યકત કરી હતી. આ આશંકાના આધારે ફાયરબ્રિગેડના 125 લોકોએ તેમને બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી.

આખેઆખા સ્લેબ પડી ગયા હોવાના કારણે જેસીબીથી સ્લેબ તોડવામાં આવે તો કદાચ અંદર રહેલા વ્યક્તિને જોખમ ઊભુ થવાની ભીતિ સેવાઈ હતી, જેને પગલે તાકીદના ધોરણે સ્લેબ કટરો મંગાવવામાં આવ્યા હતા. 30 કટરોની મદદથી સ્લેબ તોડીને કાટમાળ ખસેડીને દટાયેલાને શોધવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. રાત્રિના એક વાગ્યા સુધીમાં પાંચ લોકોને કાઢી લેવામાં આવ્યા હતા. અને ઉપરના બે ફલોરનો કાટમાળ ખસેડી લેવામાં આવ્યો હતો જ્યારે બાકીનો કાટમાળ ખસેડવાની પ્રક્રિયા રાતભર સુધી ચાલી હતી.

આજે પણ બચાવ કાર્ય યથાવત રહેશે

રવિવારે મોડી રાત્રે કાટમાળમાંથી એક સ્થાનિકને જીવતો બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે બચાવ દળ તરફથી જણાવવામાં આવ્યું હતું કે, બચાવ કાર્ય સોમવારે પણ યથાવત્ રાખવામાં આવશે. લોકોને બચાવવા તે જ પ્રાથમિકતા હોવાનું પણ ફાયર ચીફે કહ્યું હતું.


ઉલ્લેખનીય છે કે, આ બિલ્ડીંગને જર્જરિત સ્થિતિને લીધે ગઈકાલે જ AMC દ્વારા નોટિસ આપવામાં આવી હતી. બિલ્ડિંગમાં કેટલીક ભયજનક તિરાડો પડી ચૂકી હતી. કેટલાક લોકોએ બિલ્ડીંગ ખાલી કરી નાખી હતી જ્યારે અન્ય કેટલાક પરિવારો બિલ્ડિંગમાં જ હતા. રવિવારે સાંજે બ્લોક નંબર 23 અને 24 ધડાકાભેર તૂટી પડ્યા હતા.

દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મણિનગર, ગોમતીપુર અને ઓઢવ સહિતની કુલ 8 ફાયર બ્રિગેડની ટીમો, 3 એમ્બ્યુલન્સ, પોલીસ પણ સ્થિતિને ધ્યાનમાં રાખી ત્યાં પહોંચી. આ ઉપરાંત સ્થાનીક લોકો દ્વારા પણ બચાવ કામગીરીમાં લાગ્યા અને કાટમાળમાં દટાયેલા લોકોને બહાર કાઢવાની જહેતમ ચાલી રહી છે.

સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનરે બચાવ માટે NDRFની ટીમને પણ બોલાવાનો નિર્ણય લીધો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top