હાર્દિક ઉપવાસ: બીજા દિવસે પણ ચુસ્ત પોલીસ જાપ્તો, નેતાઓએ લીધી મુલાકાત

અમદાવાદ: રવિવારે રક્ષાબંધનના દિવસે પણ હાર્દિક પટેલના ઉપવાસ સ્થળ ગ્રીનવુડ લેક રિસોર્ટ અને એસ.પી. રિંગ રોડના પટ્ટા પર બેરિકેડ્સ રાખવામાં આવ્યા. સાથે જ રિસોર્ટ નજીક બનાવાયેલા પોલીસ બૂથ પર પોલીસ આવતા-જતા લોકોના આઈડી કાર્ડ પણ તપાસ્યા. પાટીદારોને અનામત અને ખેડૂતોની દેવા માફીની માગ સાથે હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. હાર્દિકને ગુજરાત બહારના રાજકારણીઓનો પણ સપોર્ટ મળી રહ્યો છે. તૃણમુલ કૉંગ્રેસના નેતા દિનેશ ત્રિવેદી અને રાષ્ટ્રીય જનતા દળના નેતા ભારત ભૂષણ માંડલે હાર્દિકની મુલાકાત લીધી.

દિનેશ ત્રિવેદીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી તરફથી હાર્દિકને રાખડી બાંધી. આ પ્રકારે ‘દીદી’એ પોતાના ‘નાના ભાઈ’ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે. RJDના ભારત ભૂષણ માંડલે જણાવ્યું કે, “અમારા પક્ષના તેજસ્વી યાદવ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાર્દિકના સમર્થમાં અમદાવાદની મુલાકાત લઈ શકે છે. આ અંગે તેઓ જલ્દી જ નિર્ણય કરશે.”

દિવસ દરમિયાન સોલા સિવિલ હોસ્પિટલના ડૉ. પ્રદીપ પટેલના વડપણવાળી એક ટીમે હાર્દિકની મેડિકલ તપાસ કરી. ડૉ. પટેલે હાર્દિકને પ્રવાહી લેવાની સલાહ આપી છે. હાર્દિકના 30 સમર્થકો વિવિધ રૂટ પર થઈને ઉપવાસ સ્થળ સુધી વિરોધમાં તેનો સાથ આપવા પહોંચ્યા. રક્ષાબંધનના દિવસે સવારે હાર્દિકની બહેન મોનિકા પટેલે હાર્દિકને રાખડી બાંધી હતી.

મોનિકાએ કહ્યું કે, “લગ્ન બાદ આ મારી પહેલી રક્ષાબંધન છે. મને ગર્વ છે કે મારો ભાઈ પાટીદાર સમાજ અને ખેડૂતોના હિત માટે લડી રહ્યો છે. પરંતુ હાર્દિક અને તેના સમર્થકોની આસપાસ પોલીસનો ચુસ્ત જાપ્તો જોઈને ચિંતા થાય છે.”

અમદાવાદ, આણંદ અને નડિયાદ જિલ્લા ઘણી યુવતીઓ અને મહિલાઓ હાર્દિકને રાખડી બાંધવા આવી, જેમને SP રિંગ રોડ પર પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. કિંજલ પટેલ અને ડિઝાઈન સ્ટુડંટ ધ્વનિ પટેલ જેવી કેટલીક છોકરી એ મહિલાઓ પૈકીની હતી જે ઉપવાસ સ્થળ સુધી રાખડી બાંધવા માટે પહોંચી શકી. જો કે તેમને પોતાના વાહન SP રિંગ રોડ પર મૂકી 2.5 કિલોમીટર ચાલીને જવાનું પોલીસે કહ્યું હતું.

તૃણમુલ કૉંગ્રેસના નેતા દિનેશ ત્રિવેદીએ કહ્યું કે, “સરકારને હચમચાવી નાખનાર આ યુવાન સાથે અમે ખડકની જેમ ઊભા છીએ. પોલીસે મને જણાવ્યું કે કલમ 144 લાગુ કરવામાં આવી છે. એટલે તેમણે થોડા વખત માટે મને અંદર જવા ન દીધો. સરકાર હાર્દિકના આ આંદોલનને દબાવવાના તમામ પ્રયાસો કરી રહી છે.” હાર્દિકની મુલાકાતે બાદમાં કૉંગ્રેસના ધારાસભ્ય કિરિટ પટેલ અને ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા આવ્યા હતા.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here