અમદાવાદનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં લગ્ને લગ્ને કુંવારો એક કહેવત સાચી પડી છે. અમદાવાદ પોલીસ દ્વારા આવા જ એક લગ્ન લગ્ને કુંવારા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિએ એક બે નહીં પરંતુ પાંચ-પાંચ યુવતીઓ સાથે લગ્ન કર્યા હતા. આ વ્યક્તિનો કાંડ ત્યારે સામે આવ્યો જ્યારે તેની ચોથી પત્ની દ્વારા પોલીસ સ્ટેશનમાં તેની વિરૂદ્ધમાં બળાત્કારની ફરિયાદ દાખલ કરવામાં આવ્યી. ત્યાર બાદ પોલીસ દ્વારા આરોપી વ્યક્તિને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ દ્વારા જે વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો તેનું નામ પ્રબજોત ઉર્ફે પંકજ પંજાબી હોવાનું સામે આવ્યું છે. આ વ્યક્તિએ એક બે નહીં પરંતુ પાંચ-પાંચ યુવતીઓ સાથે લગ્ન કર્યા હતા. આ સમગ્ર કાંડનો પર્દાફાશ ત્યારે થયો કે જ્યારે તેની ચોથી પત્ની સોલા પોલીસ સ્ટેશન પહોંચી અને તેની વિરૂદ્ધમાં બળાત્કારની ફરિયાદ દાખલ કરાવી. સોલા પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદ અનુસાર, 2016 માં આરોપીની એક ખાનગી કંપનીમાં કામ કરનારી યુવતીની મુલાકાત થઈ હતી. યુવતીના છૂટાછેડા થયેલા હતા. આરોપીએ યુવતીને 2018 માં જણાવ્યું હતું કે, તે કુંવારો છે. આમ વિશ્વાસમાં લઈને તેણે યુવતીને પ્રેમજાળમાં ફસાવી લીધી હતી.
તેના પછી તેણે યુવતી સાથે મંદિરમાં જઈને લગ્ન પણ કર્યા હતા. પછી તેઓ લીવ ઈન રિલેશનશીપમાં રહેવા લાગ્યા હતા. આ સંબંધ બાદ તેઓને એક દીકરીનો જન્મ પણ થયો હતો. દીકરીના જન્મ બાદ યુવતીએ આરોપીને કોર્ટમાં જઈ લગ્ન કરવા માટે જણાવ્યું હતું. આરોપીને લાગ્યુ કે, યુવતી હવે તેને ગળે પડી રહી છે એટલે તે ઘર છોડીને ભાગી ગયો હતો. આ વાતમાં વળાંક ત્યારે આવ્યો કે, આરોપીની અગાઉની એક પત્ની તેનો ફોટો લઈને આ યુવતીના ઘરે પહોંચી ગઈ હતી. ત્યાર બાદ આરોપી આ કારનામુ સામે આવ્યું હતું.
યુવતી દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, પોતે પરીણીત હોવા છતા તેણે પોતાની ઓળખ કુંવારા તરીકે મને આપી હતી. જ્યારે તે એક કાફે અને લક્ઝુરિયસ કાર વેચીને આ રૂપિયા પણ ચાંઉ કરી ગયો હતો. પછી જાણ થઈ કે, આરોપી દ્વારા અગાઉ દર્શના સૈની, સંતવિન્દર કૌર, હિમાચલ પ્રદેશમાં રહેતી ચારૂ શર્મા સાથે પણ આ રીતે લગ્ન કરીને વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો. ફરિયાદમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે, હવે તે અન્ય શાર્મીન નામની યુવતી સાથે લગ્ન કરીને લીવ ઈનમાં રહેવા લાગ્યો હતો. જ્યારે હાલ પોલીસ દ્વારા તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.