લૂંટેરી દુલ્હન બાદ હવે લૂંટારો વરરાજા, 54 વર્ષીય આધેડે કર્યા 7 રાજ્યોમાં 14 મહિલાઓ સાથે લગ્ન

તમે ટીવી પર ફિલ્મોમાં લૂંટેરી દુલ્હનના ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે. આજે અમે તમને એક એવા લૂંટારા વર વિશે જણાવીશું જેણે ઘણા રાજ્યોમાં ઘણા લગ્ન કર્યા. હવે આ લૂંટારો વરરાજા પોલીસના સકંજામાં આવી ગયો છે. આ 54 વર્ષીય લૂંટારો વરરાજા 7 રાજ્યોની 14 મહિલાઓ સાથે છેતરપિંડી કરી ચૂક્યો છે. ભુવનેશ્વર પોલીસે આ આધેડની અટકાયત કરી છે. પોલીસે જણાવ્યું કે આરોપી મેટ્રિમોનિયલ વેબસાઇટ દ્વારા મહિલાઓને નિશાન બનાવતો હતો.

ભુવનેશ્વરના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ ડૉ. ઉમાશંકર દાસે જણાવ્યું હતું કે આરોપી બેદુ પ્રકાશ સ્વાહી મેટ્રિમોનિયલ વેબસાઇટ દ્વારા પોતાને ડૉક્ટર અને ક્યારેક ઉચ્ચ સરકારી અધિકારી ગણાવતો હતો અને મહિલાઓને ફસાવતો હતો. મહિલાઓને ફસાવ્યા બાદ તેમને લગ્ન કરવાનું વચન આપતો અને પૈસા લઈને ભાગી જતો હતો.

પોલીસે માહિતી આપી હતી કે ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસના ઉચ્ચ અધિકારી અને દિલ્હી હાઈકોર્ટમાં વકીલ સહિત 14 મહિલાઓ સાથે લગ્ન કરીને તેણે છેતરપિંડી કરી ચુક્યો છે.

બેદુ પ્રકાશ સ્વાહીનો હેતુ માત્ર મહિલાઓ સાથે લગ્ન કરીને પૈસા કમાવવાનો અને તેમની સંપત્તિ પર અધિકાર મેળવવાનો હતો. આ વ્યક્તિએ પંજાબ, ઝારખંડ અને દિલ્હી જેવા અનેક રાજ્યોની મહિલાઓને છેતરી છે. આમાંની મોટાભાગની મહિલાઓ એવી છે કે જેમના લગ્ન મોડા થયા હતા અથવા છૂટાછેડા થયા હતા. મહિલાઓની પરિસ્થિતિનો લાભ લઈને આ લૂંટારા વરરાજાએ આ ઠગીને અંજામ આપ્યો હતો.

વર્ષ 2021માં દિલ્હીની એક શિક્ષિકાએ આ આરોપી અંગે ફરિયાદ નોંધાવી હતી. હવે બેદુ પ્રકાશ સ્વાહીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 498(a) અને 419 હેઠળ કેસ નોંધ્યો છે.

 

Scroll to Top