હાર્દિક પટેલ પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીને લઈને નવ દિવસથી આમરણાંત ઉપર છે. ત્યારે તેના ગ્રીનવુડ રિસોર્ટમાં આવેલા નિવાસ સ્થાન છત્રપતિ નિવાસે મળવા આવતા લોકોની લાઈન લાગી છે. હાર્દિકને મળવા અને તેના સમર્થનમાં ઉમટી પડેલા પાટીદારોને પોલીસે આખરે અંદર જવા દેવાની શરતી છૂટ આપી છે અને આવનારના નામોની રજિસ્ટ્રરમાં એન્ટ્રી કરીને રિસોર્ટમાં પ્રવેશ કરવા દેવામાં આવી રહ્યો છે.
સરકાર કૂણી પડી?
હાર્દિકે બે દિવસ પહેલા જાહેર કરેલી તેની વસિયતને મીડિયા સામે લાવ્યાના ગણતરીના કલાકોમાં જ સરકાર નરમ વલણ અપનાવ્યું હોય તેમ હાર્દિકને મળવા આવતા પાટીદારો અને સમર્થકોને નોંધણી કરાવ્યા બાદ ગ્રીનવુડ રિસોર્ટમાં પ્રવેશ કરવા દીધો હતો. સમર્થકો મોટી સંખ્યામાં હાર્દિકની ઉપવાસી છાવણી જઈ રહ્યા હતા. લોકોને અંદર જવા દેતા સરકારનું વલણ નરમ પડ્યું છે કે કેમ તે લોકોમાં ચર્ચા થઈ રહી છે.
1 સપ્ટેમ્બરે પાટીદાર સંસ્થાઓના પ્રતિનિધિ મળ્યા હતા
ઊંઝા ઉમિયાધામના પ્રમુખ અને અન્ય પાટીદાર સંસ્થાના નેતા ગઈકાલે હાર્દિકને મળવા ઉપવાસી છાવણી પહોંચ્યા હતા. ત્યારબાદ તેને ઉપવાસ સમેટવા માટે વિનંતી કરી હતી. વિનંતી બાદ જેરામ બાપાએ જણાવ્યું હતું કે તેઓ હજુ પણ સરકાર અને પાટીદાર આંદોલનકારી યુવાઓ વચ્ચે મધ્યસ્થી કરશે. ત્યારે મધ્યસ્થીથી આ શક્ય બન્યું છે કે કેમ તે હજુ બહાર આવ્યુ નથી.
સરકારની મૂર્ખામી? કે પોલીસની ના સમજ?
હાર્દીક પટેલના ઉપવાસની જાહેરાત બાદ અમદાવાદમાં 144ની કલમ અમલમાં મૂકી હતી. જેનું જાહેરનામું સરકારે બહાર પાડ્યું હતું. જે મુજબ 4થી વધુ માણસો ભેગા થવા પર પ્રતિબંધ હતો. પરંતુ આજે હાર્દિકના ઉપવાસના 9માં દિવસે અચાનક હાર્દિકને મળવાની લોકોને પરવાનગી આપવામાં આવતા લોકો હાર્દિકને મળવા ઉમટી પડ્યા હતા. પોલીસ પણ લોકોના રજિસ્ટ્રેશન કરી હાર્દિકને મળવા જવા દેવા મંજૂરી આપતી હતી.
હાર્દિકને મળવા અને તેના સમર્થનમાં ઉમટી પડેલા પાટીદારોને પોલીસે આખરે અંદર જવા દેવાની શરતી છૂટ આપી
કલમ 144માં છૂટછાટ બાદ ઉદભવ્યા સવાલો
શું સરકાર પડદા પાછળથી પોતાની મરજીથી 144માં છૂટછાટ આપી રહી છે? 144 લાગુ છે તો આટલી મોટી લાઈનો કેવી રીતે લાગી? કે પછી અક્કડ વલણ ધરાવતી સરકાર લોકોનો આક્રોશ વધી જવાની બીકે પાછી પાની કરી રહી છે? શું પોલીસ જ 144નું ઉલનઘન કરાવે છે? તો કોના ઈશારે એ પણ એક સવાલ છે.