ગાંધીનગર: રાજ્યના વર્તમાન મુદ્દાઓને લઈ ગાંધીનગર સ્થિત કમલમમાં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન મુખ્યમંત્રીની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવ્યું છે. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તથા ભુપેન્દ્ર યાદવ પણ ખાસ હાજરી આપશે.
મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી પૂર્વે યુવા મોરચાની ખાસ બેઠક મળવા જઈ રહી છે. જેમાં તેમને વિશેષ ભાર સોંપવામાં આવશે. આજની બેઠકમાં હાર્દિક પટેલના ઉપવાસ મામલે પણ ચર્ચા વિચારણા થઈ શકે છે. સરકારનું આગામી સ્ટેન્ડ કઈ દિશામાં રાખવો તે અંગે પણ ચર્ચા થઈ શકે છે.
2019ની લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દેશના તમામ રાજકીય પક્ષો દ્વારા જીત મેળવવા માટે આગોતરા આયોજન કરતા હોય છે. ત્યારે ગુજરાત ભાજપે પણ ગુજરાતની 26 બેઠકો માટે કમર કસી છે. આ મામલા અંતર્ગત થોડા સમય પહેલા ભાજપ દ્વારા ગાંધીનગર ખાતે આ મુદ્દે એક લોકસભા અભ્યાસ સંકલન કમિટીનો વર્કશોપ યોજાયો હતો.
તો આજરોજ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાનાર બેઠકમાં આગામી ચૂંટણી અંગે મહામંથન કરવામાં આવશે તો છેલ્લા 11 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલ હાર્દિક પટેલને પારણા કરાવવા માટે શું કરવું તે વિષયના અનુસંધાને પણ ખાસ ચર્ચા કરવામાં આવી શકે છે.
પાટીદાર સમાજની 6 સંસ્થાઓના અગ્રણીઓની સોલા ઉમિયાધામ ખાતે બેઠક ચાલી
પાટીદાર સમાજની 6 સંસ્થાઓના અગ્રણીઓની સોલા ઉમિયાધામ ખાતે મંગળવારના રોજ બેઠક ચાલી હતી. ત્યાર બાદ તેઓ સરકાર સાથે વાટાઘાટ કરવા ગાંધીનગર ગયા હતા. ત્યાર બાદ પાટીદાર અગ્રણી સી.કે. પટેલે જણાવ્યું કે સરકાર સાથેની બેઠકમાં સમાજના તમામ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા થઇ. સરકારે અમને સામેથી આમંત્રણ આપ્યું હતું અને હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે.
હાર્દિક પટેલ અંગે સરકાર પણ ચિંતિત છે. સમાજના આગેવાનો હાર્દિક પાસે જઇને પારણાં કરવા સમજાવશે. આંદોલન કોનાથી પ્રેરિત છે તેના કરતા વિશેષ મહત્વ સમાજના પ્રશ્નો છે. ખેતી, વીજળી, શિક્ષણ, અનામત જેવા પ્રશ્નો સમાજના છે, હાર્દિકના પ્રશ્નો તેના પોતાના પણ હોઇ શકે પરંતુ અમે તમામ પ્રશ્નો અંગે ચર્ચા કરી છે.
તમામ મુદ્દાઓ અંગે હકારાત્મક વિચારણા કરીશુ, હાર્દિક ડોક્ટરોને સહકાર આપેઃ સૌરભ પટેલ
બીજીતરફ ઊર્જા મંત્રી સૌરભ પટેલે સવારે એવું નિવેદન આપ્યું હતું કે, હાર્દિક પટેલને કોંગ્રેસનો ટેકો છે, હાર્દિકને મળવા જનારા નરેન્દ્ર મોદી અને ગુજરાતના વિરોધીઓ છે. જ્યારે સાંજે પાટીદાર સમાજના આગેવાનો સાથેની બેઠક બાદ સૌરભ પટેલે જણાવ્યું કે, પાટીદાર સમાજની 6 સંસ્થાઓ સાથે વિસ્તૃત ચર્ચા થઇ.
સરકાર તે અંગે હકારાત્મક વિચારણા કરશે. અમે સમાજના આગેવાનોને વિનંતી કરી છે કે તમે બને તેટલા ઝડપથી પારણાં કરાવો. જો કે હાર્દિકની ખેડૂતોની દેવામાફીની માગણી અંગે સૌરભ પટેલે કોઈ ફોડ પાડ્યો નહોતો.
સૌરભ પટેલ ધમકી આપવાનું બંધ કરે: હાર્દિક
મંગળવારની સવારે મંત્રી સૌરભ પટેલે આપેલા નિવેદનનો જવાબ આપતા હાર્દિકે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે, મંત્રી એમ કહે છે કે, હાર્દિક પ્રેમથી માને તો પ્રેમથી નહીંતો રાજકીય રીતે સમજાવીશું. ત્યારે મંત્રીને જણાવવા માગું છું કે, આવી ધમકી છેલ્લા ત્રણ વર્ષથી ભાજપની સરકારના ઘણા નેતાઓ આપી ચૂક્યા છે. જીવન-મરણ ઈશ્વરના હાથમાં છે. હું દરેક દિવસને જીવનનો છેલ્લે દિવસ માનીનેજ ચાલુ છું.