હવે અમદાવાદ પોલીસને ડર, ક્યાંક GMDC વાળી ઘટનાનું પુનરાવર્તન ન થાય

અમદાવાદ- પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ પાછલા 10 દિવસથી ઉપવાસ પર છે. હાર્દિકના સમર્થકોનો દાવો છે કે પોલીસ લોકોને હાર્દિકને મળવા નથી દેતી અને તે વિસ્તારને છાવણીમાં ફેરવી નાંખ્યો છે. રાજ્ય સરકારે મંગળવારના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્તનું કારણ જણાવ્યું.

ઉલ્લેખનીય છે કે PAAS દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી કે પોલીસે હાર્દિકના નિવાસસ્થાનને છાવણીમાં ફેરવી દીધું છે અને તેના સપોર્ટર્સને અંદર પ્રવેશવા દેવામાં નથી આવતા. હાઈકોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરીને અમદાવાદ શહેરની પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે, 25 ઓગસ્ટ, 2015ના રોજ GMDC ગ્રાઉન્ડમાં થયેલી સભા પછી જે ઘટના બની હતી તેનું પુનરાવર્તન ન થાય તે માટે તે પ્રયત્નો કરી રહી છે.

એફિડેવિટમાં જણાવવામાં આવ્યું છે કે, હાર્દિકની મુલાકાત લેવા આવતા લોકોને રેગ્યુલેટ કરવા માટે જ આ વ્યવસ્થા કરવામાં આવી છે. હાર્દિક પટેલ અને તેની ચળવળને નિરુત્સાહિત કરવાનો અમારો કોઈ પ્રયાસ નથી. પ્રશાસનનો એકમાત્ર પ્રયાસ છે કે, 25 ઓગસ્ટ, 2015ના રોજ GMDC ગ્રાઉન્ડમાં જે ઘટના બની હતી, તે ફરીથી ન થાય.

એફિડેવિટમાં તેમણે જણાવ્યું કે, 2015માં હાર્દિકની સભા પછી લગભગ 44.5 કરોડ રુપિયાની સંપત્તિને નુકસાન પહોંચ્યુ હતુ, 537 FIR ફાઈલ કરવામાં આવી હતી અને 15 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને કિરિટ પટેલ દ્વારા મુકવામાં આવેલા હાર્દિકને નજરકેદ કર્યો હોવાના આરોપોને પણ સરકારે ફગાવ્યા છે.

હાર્દિક જેમના ઘરમાં ઉપવાસ કરી રહ્યો છે બંગલાના માલિક હરગોવિંદ દેસાઈનું સ્ટેટમેન્ટ પણ સરકારે એફિડેવિટમાં નોંધ્યું છે. હરગોવિંદ દેસાઈએ જણાવ્યુ હતું કે, તે ક્યારેય પોતાના ઘરમાં આવી પ્રવૃત્તિ થાય તેમ નહોતા ઈચ્છતા અને તેમણે હાર્દિકને મંજૂરી પણ નહોતી આપી.

સામાજિક આગેવાનો ‘પાસ’ના સત્તાવાર પ્રતિનિધિ નથી, સરકાર મારી સાથે સીધી જ ચર્ચા કરે: હાર્દિક

સરકારે પાટીદાર સમાજની અગ્રણી 6 સંસ્થાના આગેવાનોને મંત્રણા માટે બોલાવ્યા હતા. ઊર્જામંત્રી સૌરભ પટેલ, કૌશિક પટેલ અને પ્રદીપસિંહ જાડેજા તેમજ પાટીદાર સમાજના અગ્રણીઓ વચ્ચે અઢી કલાક સુધી ચાલેલી આ બેઠકમાં સરકારે પાટીદાર અગ્રણીઓને હાર્દિક પટેલને વહેલી તકે પારણાં કરવા માટે સમજાવવાની જવાબદારી સોંપી હતી.

બીજી તરફ હાર્દિક પટેલ તરફથી એવું જણાવાયું છે કે, સરકાર સાથે ચર્ચા કરવા ગયેલા સામાજિક આગેવાનો એ કોઈ ‘પાસ’ના ઓફિશિયલ પ્રતિનિધિ નથી કે તેમને હાર્દિક તરફથી સરકાર સાથે વાત કરવા મોકલાયેલા નથી. જો કોઈ ચર્ચા કરવી હોય તો સરકાર સીધી જ હાર્દિક પટેલ સાથે જ ચર્ચા કરે.

પાટીદાર સમાજની 6 સંસ્થાઓના અગ્રણીઓની સોલા ઉમિયાધામ ખાતે બેઠક ચાલી

પાટીદાર સમાજની 6 સંસ્થાઓના અગ્રણીઓની સોલા ઉમિયાધામ ખાતે મંગળવારના રોજ બેઠક ચાલી હતી. ત્યાર બાદ તેઓ સરકાર સાથે વાટાઘાટ કરવા ગાંધીનગર ગયા હતા. ત્યાર બાદ પાટીદાર અગ્રણી સી.કે. પટેલે જણાવ્યું કે સરકાર સાથેની બેઠકમાં સમાજના તમામ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા થઇ. સરકારે અમને સામેથી આમંત્રણ આપ્યું હતું અને હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે.

હાર્દિક પટેલ અંગે સરકાર પણ ચિંતિત છે. સમાજના આગેવાનો હાર્દિક પાસે જઇને પારણાં કરવા સમજાવશે. આંદોલન કોનાથી પ્રેરિત છે તેના કરતા વિશેષ મહત્વ સમાજના પ્રશ્નો છે. ખેતી, વીજળી, શિક્ષણ, અનામત જેવા પ્રશ્નો સમાજના છે, હાર્દિકના પ્રશ્નો તેના પોતાના પણ હોઇ શકે પરંતુ અમે તમામ પ્રશ્નો અંગે ચર્ચા કરી છે.

તમામ મુદ્દાઓ અંગે હકારાત્મક વિચારણા કરીશુ, હાર્દિક ડોક્ટરોને સહકાર આપેઃ સૌરભ પટેલ

બીજીતરફ ઊર્જા મંત્રી સૌરભ પટેલે સવારે એવું નિવેદન આપ્યું હતું કે, હાર્દિક પટેલને કોંગ્રેસનો ટેકો છે, હાર્દિકને મળવા જનારા નરેન્દ્ર મોદી અને ગુજરાતના વિરોધીઓ છે. જ્યારે સાંજે પાટીદાર સમાજના આગેવાનો સાથેની બેઠક બાદ સૌરભ પટેલે જણાવ્યું કે, પાટીદાર સમાજની 6 સંસ્થાઓ સાથે વિસ્તૃત ચર્ચા થઇ.

સરકાર તે અંગે હકારાત્મક વિચારણા કરશે. અમે સમાજના આગેવાનોને વિનંતી કરી છે કે તમે બને તેટલા ઝડપથી પારણાં કરાવો. જો કે હાર્દિકની ખેડૂતોની દેવામાફીની માગણી અંગે સૌરભ પટેલે કોઈ ફોડ પાડ્યો નહોતો.

સૌરભ પટેલ ધમકી આપવાનું બંધ કરે: હાર્દિક

મંગળવારની સવારે મંત્રી સૌરભ પટેલે આપેલા નિવેદનનો જવાબ આપતા હાર્દિકે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે, મંત્રી એમ કહે છે કે, હાર્દિક પ્રેમથી માને તો પ્રેમથી નહીંતો રાજકીય રીતે સમજાવીશું. ત્યારે મંત્રીને જણાવવા માગું છું કે, આવી ધમકી છેલ્લા ત્રણ વર્ષથી ભાજપની સરકારના ઘણા નેતાઓ આપી ચૂક્યા છે. જીવન-મરણ ઈશ્વરના હાથમાં છે. હું દરેક દિવસને જીવનનો છેલ્લે દિવસ માનીનેજ ચાલુ છું.

હાર્દિકનો ખાનગી મેડિકલ રિપોર્ટ

– કિટોન બોડીઝ અને એસીટોનનું પ્રમાણ વધ્યું.
– લિવરમાં સીરમ એસિટોનનું પ્રમાણ વધ્યું.
– જેનાથી કિડની અને લિવરને નુકસાન થઈ રહ્યું છે.
– હોસ્પિટલાઈઝ્ડ થવું અત્યંત જરૂરી, તબિયત ક્રિટિકલ કહેવાય

બંદોબસ્ત જરૂરી હતો: પોલીસ

હાર્દિક પટેલના ઉપવાસ સ્થળે જો યોગ્ય કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં ન આવે તો તોફાનો થવાની શક્યતા હોવાનું પોલીસે હાઇકોર્ટ સમક્ષ કરેલી એફિડેવિટમાં સ્પષ્ટ કર્યું છે. સ્થિતિ જાળવવા માટે કલમ 144 લગાવી તેના પાલન માટે પોલીસ ગોઠવાઈ છે.

ઊંઝાના MLA બજાર બંધ કરાવવા નીકળ્યાં

ઉમિયા ખોડલના રથની પોલિસે અટકાયત કરતાં પાટીદારોએ ઊંઝા બંધના એલાન આપ્યું હતું, જેમાં કોંગી ધારાસભ્ય ડો.આશાબેન પટેલ પાટીદારો સાથે બજાર બંધ કરાવવા નિકળતા બંધના સર્મથનમાં બજાર બંધ થઈ ગઈ હતી

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here