India

હાર્દિક પટેલની SGVP હોસ્પિટલમાંથી રજા લેવાની માંગ, નિવાસ સ્થાને કરવા છે ઉપવાસ

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલને ઉપવાસના 14માં દિવસે સોલા સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. ત્યારબાદ સોલા સિવિલથી એસજી હાઇવે ઉપર આવેલી એસજીવીપી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. હાર્દિકે પાણી પીધું છે પરંતુ હાર્દિકના ઉપવાસ ચાલું હોવાનું પાસ દ્વારા કહેવામાં આવ્યું હતું.

બીજી તરફ હાર્દિક પટેલના પારણાં કરાવવા માટે કોમ મધ્યસ્થી કરશે એ ઉપર પણ કેટલાક પ્રશ્નો ઊભા થયા હતા. જોકે, હવે હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના મામલે બેઠક યોજાવાની વાત સુત્રો પાસેથી મળી રહી છે. આવતી કાલે રવિવારે ખોડલધામના નરેશ પટેલ અને સરકાર વચ્ચે મિટિંગ થાય તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. સરકારે બનાવેલી કમિટી સાથે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં મધ્યસ્થી નરેશ પટેલ નેતૃત્વ કરશે એવું સુત્રો જણાવી રહ્યા છે.

હોસ્પિટલમાંથી રજા માટે હાર્દિક પટેલના ધમપછાડા

હાર્દિક પટેલેનો ફરીથી ડ્રામા શરૂ થયો હોય એવું લાગી રહ્યું છે. હાર્દિક પટેલ એસજીવીપીમાંથી પોતાના નિવાસ સ્થાને જવા માટે માંગણી કરી રહ્યો છે. હાર્દિક પટેલને પોતાના નિવાસ સ્થાને જઇને જ ઉપવાસ કરવા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. સાથે સાથે હાર્દિક પટેલ એસજીવીપીના ડોક્ટરોને રજા આપવા માટે જણાવી રહ્યો છે. પરંતુ હાર્દિક પટેલને ડોક્ટરો કોઇપણ પ્રકારની મંજૂરી નથી આપી રહ્યા. ડોક્ટોરનું માનવું છે કે, આ સ્થિતિમાં હાર્દિકને રજા આપવી યોગ્ય નથી. જોકે, હાર્દિક પટેલ નિવાસ સ્થાને જવા માટે ધમપછાડા કરી રહ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

લોકતાંત્રિક જનતા દળના નેતા શરદ યાદવના હાથે હાર્દિકે પીધું પાણી

લોકતાંત્રિક જનતા દળ (એલજેડી)ના નેતા શરદ યાદવે આજે એસજીવીપી હોસ્પિટલ ખાતે હાર્દિક પટેલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન હાર્દિકે શરદ યાદવના હાથે પાણી પીધું હતું. હાર્દિકે બે દિવસથી ઉપવાસ દરમિયાન પાણી પીવાનું પણ છોડી દીધું હતું.

હાર્દિકને પાણી પીવડાવ્યા બાદ શરદ યાદવે મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન પાસ તરફથી મનોજ પનારાએ પત્રકાર પરિષદ કરીને માહિતી આપી હતી કે ડોક્ટરની સલાહને ધ્યાનમાં રાખીને હાર્દિકે પાણી પીધુ છે, હજુ તેના અનશન ચાલુ જ છે.

શરદ યાદવે જણાવ્યું કે, “માનવીય આધાર પર અમે હાર્દિક પટેલની મુલાકાત લેવા માટે આવી પહોંચ્યા હતા. હાર્દિક સાથે મુલાકાત દરમિયાન મેં તેને સમજાવ્યું હતું કે લડાઈ લડવા માટે સારું સ્વાસ્થ્ય જરૂરી છે. હાર્દિકને કહ્યું કે ખૂબ ખાઈપીને લડાઈ લડવાની છે. અત્યારે પાણી પીધુ છે બાદમાં તે ડોક્ટરની સલાહ પ્રમાણે ખાવાનું પણ શરૂ કરશે.”

ગુજરાતમાં શાંતિ જળવાઈ રહે તેવી હાર્દિકની ઈચ્છા

“હાર્દિક પટેલ ઈચ્છે છે કે ગુજરાતમાં શાંતિ સ્થપાયેલી રહે. માટે તમામ લોકો શાંતિ જાળવી રાખે. શરદ યાદવ હાર્દિક પટેલને મળીને ગયા છે, તેમને હાર્દિકને પાણી પીવડાવ્યું છે. 11:30 વાગ્યા સુધી હાર્દિક પટેલ આઇસીયુમાં હતા.

ડોક્ટરની સ્પષ્ટ સૂચના હતી કે પાણી પીવું જરૂરી છે, નહીં તો કિડનીમાં ઇન્ફેક્શન થઇ શકે છે. ડોક્ટરની સલાહ અને શરદ યાદવની સમજાવટ બાદ હાર્દિકે પાણી પીધું છે. સૌરભ પટેલે ગોળ ગોળ વાત કરીને અમને મળવાની વાત કરી હતી પરંતુ વિધિવત રીતે અમારી ટીમને કોઈ આમંત્રણ આપ્યું નથી. અમે સરકારને 11 વાગ્યા સુધી મળવા બોલાવવા કહ્યું હતું. સરકારે અમને બોલાવ્યા નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker