સરકાર દ્વારા એક ખરડો લાવીને બુધવારે વિધાનસભા સત્રમાં ધારાસભ્યોનો પગાર વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના ૧૮૨ ધારાસભ્યોના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં ભાજપ – કોંગ્રેસના ધારાસભ્યોએ ભેગા મળીને નિર્ણય લીધો છે.
ધારાસભ્યોના પગારમાં ૨૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જેમાં હવે ૧૮૨ ધારાસભ્યોનો પગાર વધીને ૧.૧૬ લાખ રૂપિયાએ પહોંચ્યો છે. તો મંત્રીઓનો પગાર વધીને ૧.૩૨ લાખ રૂપિયે પહોંચ્યો છે.
એટલું જ નહીં પણ આ પગાર વધારો ૨૨ ડીસેમ્બર, ૨૦૧૭ એટલે કે ગત ચૂંટણી બાદ રચાયેલી ભાજપ સરકારના પ્રથમ દિવસ બાદના સમયથી જ પગાર વધારો મળશે. છેલ્લા 8 મહિનાનો પણ પગાર વધારો તેમને મળશે.
છેલ્લે ધારાસભ્યોનો પગારવધારો વર્ષ ૨૦૦૫ માં કરવામાં આવ્યો હતો, એટલે કે આ પગાર વધારો ૧૩ વર્ષે કરવામાં આવ્યો છે. જો કે આ પગારવધારાનો સામાન્ય લોકોમાં ભારે વિરોધ થઇ રહ્યો છે.
દિવસે ને દિવસે વધી રહેલી મોંઘવારી, પેટ્રોલ ડિઝલના વધતા ભાવોથી લઈને લોકોને પડતી સમસ્યાઓ સામે થયેલા ધારાસભ્યોના પગારવધારા પર પ્રજા રોષ વ્યક્ત કરી રહી છે ત્યારે કોંગ્રેસના એક ધારાસભ્યે પગાર વધારો ના લેવાની વાત કરી છે.
કોંગ્રેસના સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે જાહેરાત કરી છે કે તેઓ પગારવધારો નહીં લે, તેમણે કહ્યું છે કે જ્યાં સુધી ખેડૂતોની દેવા – વ્યાજ માફી નહીં થાય ત્યાં સુધી તેઓ પગાર વધારો નહીં લે. આ ઉપરાંત પક્ષના બીજા સભ્યોને પણ કહેશે કે તેઓ પગારવધારો ના લે.
જે તે સમયે વિધેયક પસાર થઇ રહ્યું હતું ત્યારે તેઓ ગૃહમાં હાજર નહોતા, એટલે તેમણે કહ્યું છે કે જો હું ગૃહમાં હાજર હોત તો પગારવધારાનો વિરોધ પણ નોંધાવેત.નોંધનીય છે કે આ ઉપરાંત રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર પણ ધારાસભ્ય તરીકેનો પગાર સીધેસીધો બાળકોના શિક્ષણ પાછળ અને સમાજસેવામાં દાન કરી દે છે, તેમણે પણ કહ્યું છે કે પગારવધારાથી એટલા વધારે બાળકોને શિક્ષણનો લાભ મળશે. તેઓ સ્વખર્ચ માટે તો એકપણ રૂપિયાનો પગાર નથી લેતા.
તો કોંગ્રેસના ધોરાજીના ધારાસભ્ય અને પાટીદાર અનામત આંદોલનના નેતા લલિત વસોયાએ પણ ધારાસભ્ય બન્યાના પ્રથમ દિવસથી જ પગાર લેવાની ના કહી દીધી હતી, તેમણે પણ પોતાનો પગાર સીધેસીધો સમાજ સેવા માટે આપી દેવાની જાહેરાત કરી હતી.
જો કે કોંગ્રેસના ધારાસભ્યો આવી વાત કરી રહ્યા છે પણ જે ભાજપ ૨૨ વર્ષથી સત્તામાં છે અને ગુજરાતમાં તેના નેતાઓનો કેવો વિકાસ થયો છે તે પણ નજર સામે જ છે ત્યારે સમાજ માટે બે પૈસા વાપરવાની વાત કેમ ભાજપના નેતાઓ નથી કરી રહ્યા ? ભાજપમાં તો માલેતુજાર નેતાઓની કમી નથી. સમાજસેવાના નામે ઉભી થયેલી પાર્ટીના નેતાઓની ઇચ્છાશક્તિનો જ અભાવ છે કે શું ?
આ ઉપરાંત જયારે ટેક્સ ઘટાડવાની વાત આવે ત્યારે તો સરકાર તિજોરી પર બોજ આવશે તેવી વાત કરે છે તો પછી ધારાસભ્યો અને મંત્રીઓના પગારવધારાથી શું સરકારી તિજોરી પર બોજ નહીં વધે ?