ભોપાલ: મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ ફુંકવામાં આવ્યું છે. રાજ્યમાં ભાજપની યાત્રા પહેલાંથી નીકળી રહી છે ત્યારે આજે ભોપાલમાં ભાજપ કાર્યકર્તાઓના મહાકુંભનું આયોજન કરાયું. આ રેલીમાં વડાપ્રધાન મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિતના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં. PM મોદીએ રેલી સંબોધી કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યાં હતા. ભાજપે આ મહાકુંભને વિશ્વના સૌથી મોટા કાર્યકર્તા સંમેલન તરીકે પ્રચારિત કર્યું. જેમાં પ્રદેશના 65 હજાર બૂથોથી 10 લાખથી વધુ કાર્યકર્તાઓ પહોંચ્યા હોવાનો દાવો કર્યો.
ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, જેનું ગર્વ છે- મોદી
વડાપ્રધાન મોદીએ રેલીને સંબોધિત કરતાં કહ્યું કે આપણે ભાજપના કાર્યકર્તા છીએ અને આ આપણું સૌભાગ્યની વાત છે. ભાજપનો દરેક કાર્યકર્તા દેશની સેવાના ભાવથી કામ કરે છે.
મોદીએ કહ્યું કે, આપણે દીનદયાળજીની શતાબ્દી વર્ષ કોઈ મોટાં કાર્યક્રમો કરીને નહીં પરંતુ લોકોની સેવા કરીને મનાવી રહ્યાં છીએ. આજે આપણી પાર્ટીની 19 રાજ્યોમાં સરકાર છે અને આપણે વિશ્વની સૌથી મોટી પાર્ટી છીએ.
PM મોદીએ કહ્યું કે, મધ્યપ્રદેશમાં આપણી પાર્ટીનું સંગઠન ઘણું મજબૂત છે. અહીં ઘણાં વર્ષોથી 25 સપ્ટેમ્બર મહાકુંભ મનાવવામાં આવે છે. હું પહેલાં કાર્યકર્તા તરીકે આવી ચુક્યો છું. આ ધરતીના સપૂત અટલ બિહારી વાજપેયી આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના આશીર્વાદથી જ પાર્ટી આગળ વધી રહી છે.
‘વોટબેંકની રાજનીતિએ દેશને નાના નાના ટુકડાઓમાં વહેંચ્યું’
PM બોલ્યાં કે દેશમાં વોટબેંકની રાજનીતિએ સમાજને બરબાદ કરી દીધું છે. આઝાદીના 70 વર્ષમાં જે બરબાદી આવી તેનાથી જો દેશને બચાવવો છે તો આ વોટબેંકની રાજનીતિને ખતમ કરવી પડશે.
વડાપ્રધાને કહ્યું કે વોટબેંકની રાજનીતિ કરનારાં દેશના નાના-નાના ટુકડાઓમાં વહેંચી દીધું છે.
‘UPA સરકાર ભાજપ શાસિત પ્રદેશથી દુશ્મની રાખતી હતી’
PM બોલ્યાં કે જો કોંગ્રેસના કલ્ચરે મધ્યપ્રદેશનું ભલું ઈચ્છ્યું હોત તો આજે આપણી સરકારે આટલી કઠણાઈનો સામનો ન કરવો પડત. જ્યાં સુધી દિલ્હીમાં UPAની સરકારની હતી ત્યાં સુધી ભાજપની રાજ્ય સરકારો સાથે દુશ્મની રાખતા હતા. તેઓએ કહ્યું કે કોંગ્રેસની સરકારે 10 વર્ષ સુધી મધ્યપ્રદેશ સાથે દુશ્મની રાખી હતી હવે તેને સજા આપવી જોઈએ.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે જે પાર્ટી 125 વર્ષથી છે, જેની પાસે અનેક પૂર્વ મંત્રી, પૂર્વ રાજ્યપાલ છે અને જેને 50-60 વર્ષ સુધી દેશ પર શાસન કર્યું છે. આજે કોંગ્રેસને શોધવા માટે સૂક્ષ્મદર્શી યંત્રની જરૂર પડે છે. શું કોંગ્રેસ દેશમાં બચી છે કે નહીં. અમે ક્યારેય ચૂંટણી હાર્યા બાદ EVMને ગાળો ભાંડીને બચાવ નથી કર્યો. આજે કોંગ્રેસ 444માંથી 44 થઈ ગઈ તેનું કારણ છે અભિમાન.
વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસ પાર્ટી જૂઠાણું ફેલાવી રહ્યાં છે, અમારો રસ્તો ધનબળ નહીં પરંતુ જનબળથી આગળ વધવાનો છે. હવે ચૂંટણી સામે આવી રહી છે એટલે સંકોચ ન કરો. તેઓએ કહ્યું કે ભેદભાવથી દેશનું ભલું થતું નથી. અમારો મંત્ર છે કે મારું બૂથ, સૌથી મજબૂત
વડાપ્રધાને કહ્યું કે આજે ભારતની બહારે ગઠબંધન શોધવામાં આવી રહ્યું છે, શું બીજા દેશ નક્કી કરશે કે આપણાં દેશમાં વડાપ્રધાન કોણ બનશે. કોંગ્રેસ પાર્ટી દેશ પર ભારરૂપ બની ગઈ છે. આવા લોકોથી દેશને બચાવવાનું આપણું કર્તવ્ય છે.
2001થી કોંગ્રેસના લોકો મને ગાળો આપી રહ્યાં છે પરંતુ જેટલું કીચડ ઉછાળ્યું છે કમળ તેટલું જ ખીલ્યું છે. હું ફરી તમને કહું છું કે વિકાસના મુદ્દે ચૂંટણી લડીએ.
સરકાર રચવાના રાહુલ ગાંધી ધોળા દિવસે સપનાં જુએ છેઃ અમિત શાહ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રેલીને સંબોધતાં કહ્યું કે, અમારી પાર્ટી 10 સભ્યોની સાથે શરૂ થઈ હતી, આજે અમારી પાસે 10 કરોડથી વધુ કાર્યકર્તા છે. 19થી વધુ રાજ્યોમાં આપણી સરકાર છે.
BJP અધ્યક્ષ બોલ્યાં કે આગામી વર્ષે જ્યારે દીનદયાલજીની જન્મ જયંતિ થશે ત્યારે દેશમાં 5 રાજ્ય અને લોકસભાની ચૂંટણી થઈ ગઈ હશે. આ તમામ ચૂંટણીમાં ભાજપની જીત થશે.અમિત શાહે કહ્યું કે, રાહુલ ગાંધીને સપનાં આવે છે કે રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બની રહી છે.
ભાજપ અધ્યક્ષે કહ્યું કે આજે દેશનું સન્માન વધ્યું છે. વડાપ્રધાન વિશ્વનમાં જ્યાં પણ જાય છે ત્યાં માત્ર મોદી મોદીના સૂત્રોચ્ચારો જ સાંભળવા મળે છે. કેન્દ્ર સરકારની આગેવાનીમાં આજે દેશના દરેક ગામમાં વિજળી પહોંચી છે. 7.5 કરોડ પરિવારોને શૌચાલય મળ્યું છે. તેઓએ જાહેરાત કરી છે 12 ઓક્ટોબરે ભાજપ રાજમાતાનો જન્મદિવસ મનાવશે. અમિત શાહે રેલીમાં હાજર તમામ કાર્યકર્તાઓને નમો એપ ડાઉનલોડ કરવાની પણ અપીલ કરી. ભાજપ અધ્યક્ષ બોલ્યાં કે NRC બનાવીને દેશમાં ઘૂસણખોરોને બહાર કાઢશું. આસામમાં હજુ આ શરૂઆત છે અને કોંગ્રેસ એવી રીતે બૂમો પાડે છે કે જાણે નાની મરી ગઈ હોય.
શિવરાજ બોલ્યાં- PM મોદી ભગવાનનું વરદાન
રેલીને સંબોધિત કરતાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે આજે દેશનો ગરીબ પણ અમીરોની જેમ મોટી હોસ્પિટલમાં ઈલાજ કરાવી શકશે, તે માટે તેને એક રૂપિયાનો પણ ખર્ચ નહીં કરવો પડે.
UPAની સરકાર મધ્યપ્રદેશને 30 હજાર કરોડ રૂપિયા આપતી હતી પરંતુ મોદી સરકાર આપણને 61 હજાર કરોડ રૂપિયા આપે છે. આજે મધ્યપ્રદેશમાં 7 સ્માર્ટ સિટી તૈયાર થાય છે. સ્વચ્છતા આજે પૂરા દેશમાં આંદોલન બની ગયું છે. નરેન્દ્ર મોદી ભારતને ભગવાનના વરદાનના રૂપમાં મળ્યાં છે.