હવે ગામે ગામ પહોંચશે ઈન્ટરનેટઃ PM ની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટમાં લેવાયા મોટા અને મહત્વપૂર્ણ નિર્ણયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ અને કેબિનેટ કમીટી ઓન ઈકોનોમિક અફેર્સની મીટિંગ થઈ હતી. આ મીટિંગમાં પાવર ડિસ્ટ્રીબ્યુશન રિફોર્મને મંજૂરી આપવામાં આવી છે. સાથે જ દેશના દરેક ગામને ઈન્ટરનેટ સાથે જોડવા માટે ભારત નેટ પ્રોજેકટ અંતર્ગત ફંડને પણ મંજૂરી આપવામાં આવી છે.

ભારત નેટ પ્રોજેક્ટ માટે 19000 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.  જેમાં 16 રાજ્યોના ગામડાઓમાં બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સુવિધા પહોંચાડવામાં આવશે. આ ઉપરાંત પાવર રિફોર્મ્સ હેઠળ પાવર ડિસ્ટ્રીબ્યૂશન સ્કીમ માટે 3.03 લાખ કરોડ રૂપિયાની મંજૂરી આપી દેવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે ઈન્ફોર્મેશન હાઈવે દરેક ગામ સુધી પહોંચે તે દિશામાં સરકારે આ ઐતિહાસિક નિર્ણય કર્યો છે. ગત 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે 1000 દિવસમાં છ લાખ ગામડાઓમાં ભારતનેટના માધ્યમથી ઓપ્ટિકલ ફાઈબર બ્રોડબેન્ડ લાગશે.

રવિશંકર પ્રસાદે જણાવ્યું કે,  અમે 1.56 લાખ ગ્રામ પંચાયતોમાં પહોંચી ચૂક્યા છીએ અને દેશની 2.5 લાખ ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઈબરથી જોડવાની છે. આજે ભારતનેટના પીપીપી મોડલના માધ્યમથી 16 રાજ્યોમાં 29432 કરોડ રૂપિયાના કુલ ખર્ચ પર અમે મંજૂરી આપી દીધી છે. તેમાં ભારત સરકારની વાયેબિલિટી ગેપ ફંડિંગ 19041 કરોડ રૂપિયા હશે.

તો કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, બે દિવસ પહેલા નિર્મલા સિતારણજી દ્વારા 6 લાખ 28 હજાર કરોડની જે મદદની જે વાત કરાઈ હતી તેને આજે કેબિનેટે મંજૂરી આપી દિધી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, પહેલાની સરકારો જે જાહેરાત કરતી હતી તેને કેટલાય દિવસો બાદ લાગુ કરતી હતી પરંતુ મોદી સરકારે આને તાત્કાલિક લાગુ કરી છે.

પ્રકાશ જાવડેકરે વધુમાં જણાવ્યું કે, જૂનથી નવેમ્બર સુધી સરકારે મફત અનાજ આપવાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત આ વખતે મે થી નવેમ્બર સુધી 80 કરોડ લોકોને મફત અનાજ મળે એટલા માટે 93,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, ડીએપી ખાતર, અને યુરીયાના ભાવ ન વધે એટલા માટે 14,000 કરોડ રૂપિયાની સબસીડી આપવામાં આવી છે.

Scroll to Top