વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેને તાજેતરમાં મધ્ય પ્રદેશના રાજ્યપાલ તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નિવેદન સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આનંદીબેને તાજેતરમાં કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ લગ્ન ન્હોતા કર્યાં.
જશોદાબેને પોતાના ભાઈ અશોક મોદીના મોબાઇલ ફોનમાં રેકોર્ડ કરેલા સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, “મને એ વાતનું આશ્ચર્ય છે કે આનંદીબેન પટેલે આવું નિવેદન આપ્યું છે કે મારા નરેન્દ્ર મોદી સાથે લગ્ન થયા ન હતા. 2014ની લોકસભાની ચૂંટણી દરમિયાન તેમણે ખૂદ સોગંદનામામાં એ વાત કબૂલ કરી છે અને પત્ની તરીકે મારું નામ લખ્યું છે.”
જશોદાબેન વધુમાં જણાવે છે કે, “આ ખરેખરે દુઃખદ વાત છે કે એક ભણેલી ગણેલી મહિલા (આનંદીબેન પટેલ) કે જેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચુક્યા છે, તેઓ એક શિક્ષિકા(જશોદાબેન) વિશે આવું કહે. એટલું જ નહીં તેમના આ નિવેદનથી દેશના પીએમ વડાપ્રધાન મોદીની છબી ખરડાઈ છે. મને તેમના પ્રત્યે ખૂબ આદર છે. તેઓ મારા માટે રામ છે. મારું અપમાન કરવું એ દેશના વડાપ્રધાનનું અપમાન છે.”
આ અંગે ન્યૂઝ એજન્સી આઈએએનએસ સાથે તેમના વતન ઊંઝામાંથી વાતચીત કરતા જશોદાબેનના ભાઈ અશોક મોદીએ જણાવ્યું હતું કે હાલ મીડિયામાં ફરી રહેલા વીડિયોમાં તેમના બહેન જશોદાબેન જ વાત કરી રહ્યા છે.
અશોક મોદીએ વધુમાં કહ્યું હતું કે, “જ્યારે સોશિયલ મીડિયામાં આનંદીબેનનું આવું નિવેદન ફરતું થયું ત્યારે અમને આ વાત પર વિશ્વાસ થયો ન હતો. પરંતુ જ્યારે આ સમાચાર 19મી તારીખના દિવ્ય ભાસ્કર ન્યૂઝ પેપરના પ્રથમ પાને છપાયા ત્યારે અમને લાગ્યું કે આ ખોટું ન હોઈ શકે. આ જ કારણે અમે પ્રત્યુતર આપવા માટે જશોદાબેન એક લેખિત નિવેદન વાંચી રહ્યા હોય તેવો વીડિયો અમારા ઘરે જ અમારા મોબાઇલમાં શૂટ કર્યો હતો.”