અમદાવાદ: ગુજરાતના એકેય થિયેટરમાં આજે પદ્માવત ફિલ્મનું સ્ક્રિનિંગ નથી થયું, જોકે ફિલ્મના વિરોધમાં અપાયેલા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં બંધની અસર જોવા મળી રહી છે. કેટલીક જગ્યાઓ પર રસ્તા રોકવાના પણ પ્રયાસ થયાના અહેવાલ છે. પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે, અને થિયેટર્સ તેમજ મોલ્સમાં પણ SRPનો બંદોબસ્ત ગોઠવાયો છે.
અમદાવાદમાં આજે કેટલાક મોલ્સ બંધ છે, અને જે ખૂલ્લા છે તેમાં પણ ખાસ લોકો જોવા નથી મળી રહ્યા. શહેરમાં બંધના એલાનની કોઈ ખાસ અસર નથી જોવા મળી રહી. આજે એસજી હાઈવે પર આવેલા એક મોલમાં આગ લગાડી દેવાની ધમકી મળ્યા બાદ પોલીસ તાબડતોબ મોલ પર પહોંચી હતી. શહેરના હીરાવાડી વિસ્તારમાં પણ ટોળાં દ્વારા રસ્તો રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, ગુલમહોર પાર્ક ખૂલ્લો છે અને અહીં થિયેટરમાં ફિલ્મો પણ બતાવાઈ રહી છે. એક્રોપોલિસ પીવીઆર પણ ખૂલ્લા છે.
ભાંગફોડની શક્યતાને લઈને એસટી બસના કેટલાક રુટ્સ કેન્સલ કરવામાં આવ્યા છે, જેના કારણે આજે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશને બસોનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, પદ્માવતના વિરોધમાં અત્યાર સુધી એસટી બસ સળગાવાયાની કેટલીક ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેના કારણે ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં કેટલીક ટ્રીપો રદ્દ કરવામાં આવી હતી. જોકે, સૌરાષ્ટ્રમાં અનેક ગામડાં અને શહેરોમાં સજ્જડ બંધ પાળવામાં આવી રહ્યો હોવાના અહેવાલ છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, રાજકોટના સિનેમા ગૃહોમાં સવારનો કોઈ શો બતાવાયો નહોતો. જોકે, સાંજના શોમાં ફિલ્મો બતાવાઈ શકે છે. ફિલ્મને લઈને કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ ખડેપગે ફરજ બજાવી રહી છે.
વડોદરા-હાલોલ હાઈવે પર આજે પદ્માવતના વિરોધમાં ટોળાંએ ટાયરો સળગાવીને ટ્રાફિક જામ કરવાનો પ્રયાસ કર્યો હતો. સુરતમાં પણ શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. ગઈકાલે રાત્રે આણંદ જિલ્લામાં ટાયરો સળગાવી ટ્રાફિક રોકવાનો પ્રયાસ કરારોય હતો. જોકે, વિદ્યાનગર પોલીસે તાત્કાલિક સળગતા ટાયરો હટાવી રસ્તો ખૂલ્લો કર્યો હતો.