ઉપવાસ ગ્રાઉન્ડ છીનવાઈ જવા પર હાર્દિકે કહ્યું- ‘ગાડીઓ ઉપર બેસીને ઉપવાસ કરીશું’

“સરકાર અંગ્રેજ છે તો હું ભગતસિંહ છું, અમે એક નવી રણનીતિ સાથે અમદાવાદમાં પડીએ છીએ, જોઈએ છીએ કોના બાપની તાકાત છે કે કાર્યક્રમ રોકીને બતાવે.”

વિજય સંકલ્પ યાત્રા સાથે દ્વારકા પહોંચેલા હાર્દિક પટેલે દ્વારકાધીશના દર્શન કર્યા બાદ મીડિયાને સંબોધન કર્યું હતું. 25મી ઓગસ્ટના રોજ જે જગ્યાએ ઉપવાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તે ગ્રાઉન્ડ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફ્રી પાર્કિંગની જાહેરાત કરવા અંગે હાર્દિકે ટિપ્પણી કરી હતી કે અમે ગાડીઓ ઉપર બેસીને ઉપવાસ કરીશું. આવું કરીને સરકારે અમારી પાર્કિંગની મુશ્કેલી દૂર કરી નાખી છે.

સરકાર અંગ્રેજ છે તો હું ભગતસિંહ:

દ્વારકા ખાતે હાર્દિક પટેલે 25મી ઓગસ્ટના રોજ યોજનાર ઉપવાસ કાર્યક્રમ અંગે જણાવ્યું હતું કે, “હું સંઘર્ષના રસ્તે છું. સરકારે જો એવું કહે છે કે તે અંગ્રેજ છે તો હું ભગતસિંહ છું. સરકાર જો કાયદાની વિરુદ્ધ જઈને કામ કરશો તો હું તેનો હિસ્સો નથી.”

પાટીદાર યુવકોને સાથ આપવા કરી અપીલ:

દ્વારકાધીશના દર્શન બાદ હાર્દિકે 25મી ઓગસ્ટના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદાર યુવકોને જોડાવવા માટે અપીલ કરી હતી. હાર્દિકે કહ્યું હતું કે,”25મી તારીખે સૌ સાથે મળીને સૌની વાત કરીએ. ભૂખ્યો હું રહીશ, કેસ હું લડીશ, સજા હું સહન કરું છું, જેલમાં હું જાવ છું, સરકાર સામે હું બોલું છું, પોલીસ સામે હું લડુ છું, તમે બધા સાથ અને સહકાર આપવામાં કોઈ કચાસ ન કરશો. લડવા હું તૈયાર છું, મરવા હું તૈયાર છું ફક્ત તમારા સાથની જરૂર છે. કાલથી નવેસરની એક રણનીતિ સાથે અમદાવાદમાં પડીએ છીએ, જોઈએ છીએ કોના બાપની તાકાત છે કે કાર્યક્રમ રોકીને બતાવે.”

હાર્દિકનું ઉપવાસનું “ગ્રાઉન્ડ” છીનવાઈ ગયુંઃ

25મી ઓગસ્ટના રોજ હાર્દિક દ્વારા જે સંભવિત સ્થળે ઉપવાસ કરવાનું આયોજન હતું તે સ્થળ એટલે કે નિકોલ વિસ્તારનું એ ગ્રાઉન્ડ જ્યાં હાર્દિકે તાજેતરમાં એક સભા કરી હતી તેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને “પાર્કિંગ ઝોન” જાહેર કર્યું છે. એએમસી દ્વારા આ સ્થળે ‘ફ્રી પાર્કિંગ પ્લોટ’ના બોર્ડ પણ મારી દેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સ્થળની મંજૂરી મળે તે માટે હાર્દિકે હાઇ કોર્ટ સુધી જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

હાર્દિકની વિજય સંકલ્પ યાત્રા:

હાર્દિક પટેલ વિજય સંકલ્પ યાત્રા સાથે જેતપુરના મોટા દળવા ગામથી બુધવારે મોડી રાત્રે દ્વારકા પહોંચ્યો હતો. આ દરમિયાન તેણે રસ્તામાં વિવિધ ગામ અને શહેરમાં સભાઓ પણ સંબોધી હતી. હાર્દિક 100થી વધારે કારના કાફલા અને બાઇકો સાથે દ્વારકા પહોંચ્યો હતો. દ્વારકામાં હાર્દિકે પોતાના સમર્થકો સાથે દ્વારકાધીશના દર્શન કર્યા હતા. હાર્દિકે અહીં ધ્વજારોહણ પણ કર્યું હતું.

હાર્દિકનું ટ્વિટઃ

આ અંગે હાર્દિક પટેલે ટ્વિટ કરતા લખ્યું છે કે, “એક દિવસની વિજય સંકલ્પ યાત્રા આજે ભગવાન દ્વારકાધીશના દર્શન સાથે સમાપ્ત થઈ હતી. યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. યાત્રા દ્વારકામાં પ્રવેશતાની સાથે જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. યુવાઓ અને ખેડૂતોની લડાઈ લડવા માટે ભગવાન અમને શક્તિ આપે.”

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here