લોકસભાની 80 બેઠકો ધરાવતો ઉત્તરપ્રદેશ રાજકીય રીતે ઘણો ફળદ્રુપ છે. એટલે જ વધુમાં વધુ બેઠકો જીતવા માટે ચૂંટણીના 8 મહિના પહેલાથી જ ભાજપે રણનીતિ ઘડવાની શરૂઆત કરી નાખી. મેરઠમાં બે દિવસ ચાલેલા મંથન થકી ભાજપે રાજકીય રોડમેપ તૈયાર કર્યો. અંતિમ દિવસે અમિત શાહે કાર્યકર્તાઓને 74 બેઠકો જીતવાનો લક્ષ આપ્યો, પરંતુ ભાજપની આ ડગર 2014 જેટલી આસાન નથી રહી.
ઉત્તરપ્રદેશના સહારે રાજકીયપથ તૈયાર કરવા માટે ક્રાંતિની ભૂમી મેરઠમાં ભાજપે મંથન કર્યું. બે દિવસ ચાલેલી કાર્યકારીણીની બેઠકમાં અમિત શાહ, યોગી આદિત્યનાથ સહિતના ભાજપના દિગ્ગજો હાજર રહ્યા હતા. લોકસભાની ચૂંટણીમાં જીત માટેની રણનીતિ માટેના શ્રીગણેશ કરી નાખ્યા.
ભાજપ જાણે છે કે જો સત્તામાં પરત ફરવુ હોય તો ઉત્તરપ્રદેશમાંથી વધુમાં વધુ બેઠકો મળે તે જરૂરી છે. ગત લોકસભાની ચૂંટણીમાં અપના દલ સાથે ગઠબંધન કર્યા બાદ એનડીએના ફાળે 80માંથી 73 બેઠકો આવી હતી. 73 બેઠકો સાથે ભાજપ સિદ્ધીના શિખરે પહોંચી ગઇ હતી. એટલે અમિત શાહે અત્યારથી જ 74 બેઠકો જીતવાનો લક્ષ કાર્યકર્તાઓને આપી દિધો. તેના માટે 51 ટકા મતદારોને મનાવવાનો મંત્ર પણ આપ્યો.
ભાજપને 2014 અને 2017માં ઉત્તરપ્રદેશમાંથી ખોબેખોબા ભરીને મત મળ્યા. પરંતુ છેલ્લા એક વર્ષમાં યોજાયેલી પેટા ચૂંટણીઓમાં ભાજપને ગોરખપુર અને ફુલપુર જેવા ગઢ ગુમાવા પડ્યા. આ હારથી જ ભાજપને કપરા ચઢાણના સંકેત મળી ગયા. 2014ની લોકસભા ચૂંટણીના પરિણામ પ્રમાણે… ઉત્તરપ્રદેશની 80માંથી 46 બેઠકો એવી છે જ્યા સપા, બસપા અને આરએલડીના વોટ ભાજપથી વધારે થાય છે. એટલે આ ત્રીપુટી એક થાય તો ભાજપ માટે પડકાર બની શકે તેમ છે.
સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી ભાજપને હરાવવા માટે હજુ પણ એક થશે. અખિલેશ યાદવ ગઠબંધનમાં ઓછી બેઠકો મળે તો પણ સ્વીકારવા તૈયાર છે. તો કોંગ્રેસે પણ ઉત્તરપ્રદેશમાં નિષ્ક્રીયતા સંકેત આપી દિધા છે. ત્યારે આવી સ્થિતિમાં ભાજપને ફરી જીતનો ધ્વજ લહેરાવવો હોય તો વધુ મહેનત કરવી પડશે તે નક્કી છે.
બાંગ્લાદેશી ઘુષણખોરોને ભગાડીશું, હિન્દુ શરણાર્થિઓને આપીશું પુરૂ સન્માનઃ અમિત શાહ
ભાજપ અધ્યક્ષ અમિત શાહે નેશનલ રજિસ્ટર ઓફ સિટીજન્સ(NRC)ના મુદ્દા પર અમિત શાહે કર્યું કે, અમે બાંગ્લાદેશી ઘુષણખોરોને દેશમાં નહીં રહેવા દઇએ, પરંતુ હિન્દુ શરણાર્થી છે, તો તેમને સંપૂર્ણ સન્માન આપીશું. તેથી NRCને લઇને હિન્દુ શરણાર્થીઓને ડરવાની જરૂર નથી.
અમિત શાહે આ નિવેદન ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલ ભાજપ કાર્યકારિણીની બેઠકમાં આપ્યું છે. જણાવી દઇએ કે, 2019ની લોકસભા ચૂંટણીને લઇને દેશના સૌથી મોટા ક્ષેત્ર ઉત્તર પ્રદેશમાં ભાજપ કાર્યકારિણીનું મંથન ચાલી રહ્યું છે. આજે આ મંથન કાર્યક્રમનો બીજો અને છેલ્લો દિવસ છે.
રવિવારે બેઠકમાં પહોંચેલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પાર્ટી નેતાઓને આ વખતે લોકસભા ચૂંટણીમાં વર્ષ 2014ની એક બેઠકથી વધુ જીતાડવાનો સંકલ્પ અપાવ્યો છે. શાહે રાજ્યની પાર્ટી નેતાઓને કહ્યું કે, મહાગઠબંધનથી ડરવાની જરૂરીયાત નથી. તમે મોદી અને યોગી સરકારની યોજનાઓને જનતાની વચ્ચે લઇ જાઓ.