નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મોતની ધમકી આપનારા બે માલધારી યુવકોની કચ્છ LCB (લોકલ ક્રાઈમ બ્રાંચ)એ રવિવારે ધરપકડ કરી છે. ધમકી આપનારા યુવકોની ઓળખ સારંગ રબારી અને રાણા રબારી તરીકે થઈ છે. બંને મેઘાપર ગામના છે. મહેસાણામાં રાજુ રબારી નામના શખ્સની હત્યા થતાં આ બંને યુવકો દુઃખી હતા, જેથી તેમણે DyCM નીતિન પટેલને ધમકી આપતો વીડિયો બનાવ્યો. વીડિયોમાં કહ્યું કે, નીતિન પટેલ કચ્છમાં પ્રવેશ કરશે તો જાનથી મારી નાખવામાં આવશે અને 2019ની ચૂંટણીમાં સરકારને પરિણામ ભોગવવું પડશે.
પોલીસ ઈન્સપેક્ટર જે.એમ.આલે કહ્યું કે, “આરોપીઓએ કબૂલ્યું છે કે, કુરબાઈ ગામમાં વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો અને બાદમાં બે વ્હોટ્સએપ ગ્રુપમાં મોકલવામાં આવ્યો હતો. આરોપીઓ સામે IPCની કલમ 153 (a), 506(2), 504 અને 114 હેઠળ માનકુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.” આ વીડિયો વડવાલા ડિજિટલ્સની યૂ-ટ્યૂબ ચેનલ પર પણ અપલોડ કરાયો હતો. પોલીસ વીડિયો અપલોડ કરનાર શખ્સને શોધી રહી છે.
માલધારીઓ તેમના સમાજના રાજુ રબારી માટે સરકાર પાસે ન્યાય માગી રહ્યા છે. રાજુ રબારીની હત્યા 25 જુલાઈએ મહેસાણા જિલ્લાના રાજપુર ગામે થઈ હતી. શુક્રવારે રાજપુરથી માલધારી સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકઠા થઈને મહેસાણા-અમદાવાદ હાઈવે પર આવેલા નંદાસણ સુધી રેલી યોજી કેસના મુખ્ય આરોપીને પકડવા માગ કરી હતી. રેલી હિંસક બનતા સ્થિતિને નિયંત્રણમાં લેવા પોલીસને ટીયર ગેસના શેલ છોડવાની ફરજ પડી હતી. પોલીસે 73 લોકોની અટકાયત કરી હતી.
જ્યારથી રાજુ રબારીની હત્યા થઈ છે ત્યારથી રાજપુર અને આસપાસના વિસ્તારોમાં અશાંતિનો માહોલ છે. માલધારીઓનો દાવો છે કે, રાજુ રબારી ગૌ રક્ષક હતો અને તેને ગૌ હત્યા કરતાં કેટલાક શખ્સોએ મારી નાખ્યો છે. જો કે, DySP મંજિતા વણઝારાએ કહ્યું કે, રાજુ રબારીની હત્યાને ગૌ રક્ષા સાથે કોઈ સંબંધ નથી.